નેનોફાઇબરનો ઉપયોગ કરી હવામાંથી પીવાનું પાણી મેળવી શકાય છે

Uncategorized

નેનો ફાઇબરનો ઉપયોગ કરી બનાવેલ કાપડ દુષ્કાળગ્રસ્ત લોકોને હવામાંથી પીવાનું ચોખ્ખું પાણી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે. બે થાંભલાઓની વચ્ચે પોલિથિનની જાળી બાંધીને ‘ફોગ નેટસ’ તૈયાર કરવામાં આવે છે. જ્યારે હવામાં રહેલો ભેજ આ જાળીમાંથી પસાર થાય છે ત્યારે ભેજ પાણીમાં રૂપાંતર થઈ નીચે રાખેલ બોટલમાં જમા થાય છે.

આ પદ્ધતિના ઉપયોગથી મર્યાદિત માત્રામાં તેમજ જયારે હવામાં ભેજ હોય ત્યારેજ પાણી મેળવી શકાય છે. આ ટેકનોલૉજીનો ઉપયોગ ફક્ત પર્વતીય વિસ્તારો પુરતો જ મર્યાદિત છે, જ્યાં દરિયાકાંઠેથી આવતી ગરમ અને ભીની હવા સીઘા ચઢાવને કારણે વાતાવરણમાં ઉપર જાય છે, જ્યાં તેનુ તાપમાન ઘટીને ભેજમાં રૂપાંતર થાય઼ છે.

યુ.એસ.ના ઓહિયો રાજ્યમાં આવેલ એક્રોન યુનિવર્સિટીમાં શિંગ-ચંગ જોશ વોન્ગ અને તેમની ટીમે એક નવી જાળી બનાવી છે. તેઓ માને છે કે તેના ઉપયોગથી ટેક્નોલોજીમાં મોટી સુધારણા આવશે. તેઓએ ‘ઇલેક્ટ્રોસ્પન પોલિમર્સ’નો ઉપયોગ કરી નવું નેનોફાઇબર બનાવ્યું છે. આ ફાઇબર વિસ્તૃત ગ્રેફાઇટના ટુકડાઓની આસપાસ ગંઠાયેલું હોય છે જેથી તે હવામાં રહેલા ભેજને પાણીમાં રૂપાંતર થવા માટે વિશાળ સપાટી પૂરી પાડે છે, તથા જાળીમાંથી પાણીને બહાર નીકળવામાં મદદ કરે છે.

વોંગના કહેવા પ્રમાણે આ નેનોફાઇબરથી બનાવેલ જાળીઓ એક દિવસમાં દર ચોરસ મીટર દીઠ ૧૮૦ લીટર પાણીનું ઉત્પાદન કરી શકે છે. નેનોફાઇબર વાતાવરણમાંથી પાણી ઉત્પન્ન કરવા ઉપરાંત, ગંદકી તથા સૂક્ષ્મ જંતુઓને ગાળીને શુદ્ધ પણ કરે છે જેથી આ પાણી પીવા માટે એકદમ સુરક્ષિત હોય છે. વોંગ પાણીને ઠંડુ કરવા માટે નાની બેટરીનો ઉપયોગ કરવાનુ પણ વિચારે છે જેને કારણે તેનો ઉપયોગ રણ પ્રદેશ જેવા ગરમ વિસ્તારમાં કરી શકાય.

વોંગ કહે છે કે, "હવામાં હંમેશા ભેજ રહેલો હોય છે. જ્યાં વાદળ છે, ત્યાં પાણી છે." વોંગના કહેવા પ્રમાણે આ ઉપકરણને હવામાંથી પાણી મેળવવા માટે આજુબાજુના વાતાવરણ કરતા કેવળ ૧૦ ડિગ્રી ઓછા તાપમાનની જરૂર પડે છે. લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરી, આ આખી વસ્તુને બેગમાં પણ મૂકી શકાય છે.

Leave a Reply