જર્મનીમાં પ્રદુષણથી મુક્ત હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત

Uncategorized

આજે વિશ્વ પ્રદુષણની સમસ્યા સામે ઝઝુમી રહ્યું છે. વિવિધ કારણોસર દિન-પ્રતિદિન પ્રદુષણમાં થઈ રહેલો વધારો ખુબ જ ચિંતાદાયક મુદ્દો બની ચુક્યો છે, જેના લીધે આજે ઘણા દુષ્પરિણામો પણ ભોગવવા પડી રહ્યા છે. તેવામાં ડીઝલ અને કોલસાના ઇંધણ ઉપર ચાલનારી ટ્રેનોના કારણે થતા પ્રદુષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને ઉત્તર જર્મનીના હમબર્ગમાં વિશ્વની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન સેવા શરૂ થઈ છે.

કોરાડિયા ઇલિન્ટ નામની આ હાઇડ્રોજન ટ્રેન વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ બંનેથી મુક્તિ અપાવે છે, જેને એલ્સ્ટોમ નામની ફ્રેન્ચ રેલ પરિવહન કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. ટ્રેનનું નિર્માણ કરનાર કંપનીએ મીડિયામાં આપેલ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "ડીઝલ ટ્રેનની સામે હાઇડ્રોજન ટ્રેન મોંઘી છે, પરંતુ ડીઝલ ટ્રેનની સામે હાઇડ્રોજન ટ્રેનનું ઇંધણ સસ્તું પડશે. બ્રિટન, નેધરલેન્ડ્ઝ, ડેનમાર્ક, નૉર્વે, ઇટાલી અને કેનેડાએ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન ખરીદવામાં રસ દર્શાવ્યો છે. પર્યાવરણની દ્રષ્ટિએ આ ટ્રેન ખૂબ ફાયદાકારક છે."

આ ટ્રેનમાં ફયુલ સેલ મુકેલા હોય છે જે હાઇડ્રોજન અને ઓક્સીજનના કેમિકલ રીએક્શનના લીધે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ઉર્જા લિથિયમ આયન બેટરીને ચાર્જ કરે છે જેની મદદથી ટ્રેન ઓપરેટ થઈ શકે છે. આ પ્રક્રિયા દરમિયાન ધુમાડાની જગ્યાએ વરાળ કે પાણી ઉત્પન્ન થાય છે.

ટ્રેનની ટાંકી ફક્ત ૧૫ મિનિટમાં રીફિલ થઈ જાય છે. આ ઉપરાંત, જો જરૂરી હોય તો એક સાથે વધુ ટાંકી પણ લગાવી શકાય છે. આ ટ્રેન ઝીરો એમીશન પેટર્નથી ચાલે છે એટલે કે થોડોક પણ કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થતો નથી. ટ્રેન પ્રતિ કલાક ૧૪૦ કિલોમીટરની સ્પીડ પકડી શકે છે. ૧૫૦ થી વધુ મુસાફરોને બેઠવાની સુવિધા સાથે ૩૦૦થી વધુ લોકો એક સાથે આ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે.

ભારતમાં પણ જો ડીઝલ અને કોલસા ઉપર ચાલનારી ટ્રેનોની જગ્યાએ હાઈડ્રોજન ટ્રેન લાવવામાં આવે તો દેશમાં પ્રદુષણના સ્તરમાં કેટલાક અંશે ઘટાડો કરી શકાય છે, અને ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Leave a Reply