કૃષિ અવશેષના બળતણથી થતા પ્રદુષણને રોકવા માટે તેમાંથી પ્લેટ્સ અને કપ બનાવાશે

Uncategorized

દિલ્હીમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(સી.પી.સી.બી.) દ્વારા વાયુ પ્રદૂષણને રોકવા માટે કટોકટીની યોજના અમલમાં મુકવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં પડોશી રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા, અને ઉત્તર પ્રદેશમાં સળગાવવામાં આવતા કૃષિ અવશેષના કારણે વાયુ પ્રદુષણમાં વધારો થયો છે.

શિયાળાની શરૂઆતમાં દર વર્ષે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં લાખો ટન કૃષિ અવશેષ સળગાવવામાં આવે છે. પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલય અનુસાર, પંજાબમાં અત્યાર સુધી ૭૦૦ ટન અને હરિયાણામાં ૯૦૦ ટન કરતાં વધુ કૃષિ અવશેષ સળગાવવામાં આવ્યા છે. નાસા દ્વારા કરવામાં આવેલ શોધ અનુસાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા તથા ઉત્તર-પશ્ચિમી પ્રદેશોમાં પાકના અવશેષો સળગાવવાના કારણે ધુમ્મસની સાથે સાથે વાયુ પ્રદુષણમાં પણ વધારો થાય છે.
parali

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(આઈઆઈટી)- દિલ્હીના વિદ્યાર્થીઓ અંકુર કુમાર, કનિકા પ્રજાપત અને પ્રાચીર દત્તા ચાર વર્ષ પહેલા પાકના વધેલા અવશેષોમાંથી ઇકો-ફ્રેન્ડલી કપ અને પ્લેટ્સ બનાવી હતી. તેમનો વિચાર હતો કે, પાકના વધેલા અવશેષોને સળગાવીને વાયુ પ્રદુષણ કરવાને બદલે તેમાંથી પ્લેટ્સ અને કપ બનાવવામાં આવે જેથી પ્રદુષણમાંથી પણ રાહત મળે અને પ્લાસ્ટિકના કપ અને પ્લેટ્સનો ઉપયોગ પણ ઓછો થાય. જો ખેડૂતોને આ કચરાનો ભાવ મળે તો તે તેને સળગાવવાનું બંધ કરી દેશે જેથી પ્રદુષણમાં ઘટાડો થશે.

ડાંગરના વધેલા કચરામાં ૧૦ ટકા ભાગ સિલિકાનો હોય છે, જેના કારણે મોટા ભાગની ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઇંધણ તરીકે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ છે જેથી ના છૂટકે ખેડૂતોને આ અવશેષો સળગાવી દેવા પડે છે. આ સમસ્યાને નિરાકરણ માટે સંશોધનકારોએ દ્રાવક-આધારિત પ્રક્રિયા વિકસાવી છે, જેમાં સિલિકાના કણોની મદદથી પાકના અવશેષોને ઔદ્યોગિક ઉપયોગ માટે અનુકૂળ બનાવી શકાય છે.

અંકુર કુમારના કહેવા અનુસાર ચોખાના વધેલા અવશેષોમાંથી અત્યારે ટેબલવેર બનાવવામાં આવી રહ્યા છે અને આ માટે તેઓ એક પ્લાન્ટની સ્થાપના કરવા જઈ રહ્યા છે, જેમાં કૃષિ અવશેષમાંથી ઇકો ફ્રેન્ડલી રીતે પ્લેટ્સ, કપ, ટેબલવેરની સાથે સાથે ફાઇબર અને બાયો-એથેનોલ જેવા ઉત્પાદનો બનાવવામાં આવશે. આ કોશિશ પર્યાવરણની સાથે સાથે ખેડૂતોને આર્થિક મદદ પણ પોંહચાડશે.

નાસાએ કેટલાક ઉપગ્રહ ફોટા બહાર પાડ્યા છે, જે સાબિત કરે છે કે ગયા વર્ષેની સરખામણીમાં આ વર્ષે કૃષિ અવશેષ સળગાવવાની ઘટનાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. નાસાના સેટેલાઇટ ચિત્રો બતાવે છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ આ મહિનાની શરૂઆતમાં કૃષિ અવશેષ સળગાવવાનું શરૂ કર્યું છે. નાસાએ તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે પંજાબ અને હરિયાણામાં છેલ્લા ૧૦ દિવસમાં બળતણનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને અમૃતસર, અંબાલા, કરનાલ, સિરસા અને હિસારમાં.

Leave a Reply