મુંબઈની શાળાના વિદ્યાર્થીઓએ ગરીબ દિવ્યાંગો માટે ૪૨ લાખ કરતા વધુ રકમ જમા કરી

Uncategorized

દુનિયાની ૧૦ ટકા વસ્તી દિવ્યાંગતાથી પ્રભાવિત છે. કેવળ ભારતમાં જ વિશ્વના ૧૫ ટકા જેટલા દિવ્યાંગ લોકો વસે છે. ભારત સરકારના સર્વે અનુસાર દેશમાં ૨.૬૮ કરોડ લોકો દિવ્યાંગ છે, જયારે વિશ્વ બેન્કના એક રિપોર્ટ અનુસાર આ સંખ્યા ૮ કરોડ છે. ભારતમાં ૮૦ ટકા દિવ્યાંગ લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે, જેના કારણે યોગ્ય સારવારથી વંચિત રહી જાય છે અને કૃત્રિમ અંગો મોંઘા હોવાના કારણે તેની ખરીદી શકતા નથી.

મુંબઈની બોમ્બે સ્કોટીશ સ્કૂલમાં ગરીબ દિવ્યાંગો માટે અંગોની રિપ્લેસમેન્ટ અથવા કૃત્રિમ અંગ આપવા માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન માટે સ્કૂલના બાળકોએ જન-સહયોગ દ્વારા ૪૨ લાખ રૂપિયા જેટલો ફાળો ઉઘરાવ્યો છે. આ રકમ દ્વારા મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તાર વિદર્ભમાં દિવ્યાંગોને કુત્રિમ અંગ આપવામાં આવશે. ફ્રીડમ ટ્રસ્ટની મદદથી આ અભિયાન હેઠળ ધોરણ ૯ થી ૧૨ સુધીના ૧૬૫ બાળકોએ ફક્ત સાત દિવસમાં પોતાની જાત મહેનતથી ૪૨ લાખ રૂપિયા એકઠા કર્યા હતા.

૯ માં ધોરણની વિદ્યાર્થીની માલવિકાએ ૨૦ હજાર રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય નક્કી કરું હતું, પરંતુ તેણે આજ સુધીમાં ૪૫ હજાર કરતા વધારે રકમ એકઠી કરી દીધી છે. તે આ અભિયાન વિષે કહે છે કે, "મારા મિત્રોની સાથે મળીને હું આ રકમ એકઠી કરી રહી છું, જેની મદદથી અમે તેવા લોકોની મદદ કરી શકીશું કે જેમણે બીમારી કે કોઈ અન્ય કારણોસર પોતાના પગ ગુમાવ્યા હોય. અમે વિધર્ભ વર્ધા, યવતમાલ, અને ચંદરપૂર જેવા વિસ્તારોમાં કુત્રિમ અંગ આપવાનું વિચારી રહ્યા છીએ. આ અવયવો દ્વારા તેઓ તેમના પગ સાથે ફરીથી ચાલવા માટે સમર્થ થશે અને તેઓ તેમના જીવનમાં કેટલાક ફેરફારો લાવી શકશે. એક કૃત્રિમ પગની કિંમત રૂ. ૧૦ હજાર છે જેમાં કેમ્પિંગ અને ફિટિંગ ખર્ચ અલગથી થાય છે. બીજાઓને મદદ કરવામાં મને ખૂબ આનંદ થાય છે. આજ સુધીમાં ભારે દુષ્કાળને કારણે આપણે વિદર્ભ પ્રદેશને જાણતા આવ્યા છીએ પરંતુ હવે અહીં કંઈક સારું કરવા જઈ રહ્યા છીએ. આ અભિયાનથી દિવ્યાંગ લોકોને મદદ મળશે."

આ અભિયાન પાછળ "ફ્રીડમ ટ્રસ્ટ" અને "ફ્યુલ અ ડ્રીમ" નામની સંસ્થાઓ મદદ કરી રહી છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા ના એક રિપોર્ટ અનુસાર સૌથી વધુ દિયા પરાશ્રમ પુરિયાએ ૧.૪૩ લાખ, મરિયમ મોઝયમે ૧.૩૪ લાખ, સાચી કામતે ૧.૨૮ લાખ, અનુશ પટેલે ૧.૧૫ લાખ રકમ એકઠી કરી છે. મરિયમ કહે છે કે, "તેને લોકોની મદદ કરવામાં ખુશી મળે છે."

આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે જન-સેવા માટે પણ ચોક્કસપણે પ્રોત્સાહન મળશે, અને તેમની નાની વયમાં જ તેઓ જાણી શકશે કે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાથી કેવા પ્રકારની ખુશી મેળવી શકાય છે.

Leave a Reply