સમુદ્રના કચરાને સાફ કરવા માટે ચાલી રહેલું દુનિયાનું સૌથી મોટું અભિયાન

Uncategorized

સમુદ્રમાં રહેલા પ્લાસ્ટિક અને પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટે ‘ઓશન ક્લીનઅપ’ નામના વિશ્વના સૌથી મોટા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનની શરૂઆત ૨૪ વર્ષના ડચ સંશોધક બોયાન સ્લેટે કરી છે. તેમના કહેવા મુજબ સમુદ્રના કચરાને દુર કરવા માટે ‘ઓશન ક્લીનઅપ’ ખુબ જ ઉપયોગી ટેક્નોલોજી પુરવાર થશે.

આ સિસ્ટમ દરિયાઈ તોફાન, ખારા પાણીના ક્ષારનો સામનો કરનારી અને અન્ય વાતાવરણના અવરોધોનો સામનો કરી શકે તેવી રીતે વિકસાવાઈ છે. આ પ્રકિયાથી દરિયામાં ૧૦ ફૂટ ઊંડાઈથી પણ પ્લાસ્ટિકના કચરાને એકઠો કરી શકાય છે. કચરો એકઠો કરવાની નેટ એવી રીતે બનાવાઈ છે કે તેમાં માછલીઓ નેટની નીચે તરીને સલામત રહી શકશે.

આ અભિયાન હેઠળ પેકમેન ફ્લોટિંગ બૂમ દ્વારા દરિયામાંથી કચરો એકઠો કરાશે અને જમીનમાં નક્કી કરેલાં સ્થળે તેને ઠાલવીને તેનો નાશ કરવામાં આવશે. કેલિફોર્નિયા અને હવાઈટાપુ વચ્ચેના ગ્રેટ પેસિફિકમાં પ્લાસ્ટિકને નાશ કરવા માટે અને દરિયાને સ્વચ્છ બનાવવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કચરાના ૧.૮ ટ્રિલિયન ટુકડાના ઢગલાને દરિયામાંથી દૂર કરવામાં આવશે. ગ્રેટ પેસિફિક કચરાના ઢગલામાંથી આશરે ૧,૫૦,૦૦૦ પાઉન્ડના કચરાને પહેલા વર્ષે આ સિસ્ટમ દ્વારા નિકાલ કરવામાં આવશે. બોયન સ્લેટ દ્વારા નફો નહીં કરવાના હેતુ સાથે ‘ઓશન ક્લીનઅપ’ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. બોયન અને તેમની ટીમનું લક્ષ્ય છે કે તેઓ દર વર્ષે સમુદ્રમાંથી ૫૦ ટન સુધીનો કચરો બહાર કાઢે.

ફ્લોટિંગ બૂમ દ્વારા કરન્ટ અને વેક્યૂમથી એકઠો કરવામાં આવેલો કચરો જહાજમાં એકઠો કરવામાં આવે છે અને ત્યાંથી તેને દરિયામાર્ગે કિનારા પર લાવી, જમીન પર ઠાલવીને તેને રિસાઇક્લિંગ માટે અલગ પાડવામાં આવશે, જે કચરો રિસાઇક્લિંગ ન થઈ શકે તેમ હોય તેનો નિકાલ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ માનવરહિત ૨ હજાર ફૂટ લાંબી તરતી બૂમને પાણીમાં ગોઠવવામાં આવી છે. યુ આકારની આ ફ્લોટિંગ બૂમમાંથી કરન્ટ દ્વારા પેકમેનની જેમ દરિયાનો કચરો ખેંચવામાં આવે છે. અને તેને સાથેનાં જહાજમાં એકઠો કરવામાં આવે છે. પાંચ વર્ષમાં પેસિફિક મહાસાગરમાં રહેલાં પ્લાસ્ટિક સહિત તમામ પ્રકારના કચરાના ઢગલામાંથી અડધાઅડધ કચરાનો આ અભિયાનથી દરિયામાંથી નિકાલ કરવામાં આવશે. કચરાનોઆ ઢગલો ૧૬૦ લાખ ચોરસ કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલો છે.

બોયાને જણાવે છે કે, "આજથી ૮ વર્ષ અગાઉ જ્યારે હું ૧૬ વર્ષનો હતો ત્યારે મેં સમુદ્ર માર્ગે ગ્રીસની યાત્રા કરી હતી, ત્યારે મને સમુદ્રમાં માછલીઓથી વધારે પ્લાસ્ટિક જોવા મળ્યું હતું. આ જોઇને મને અત્યંત દુખ થયું હતું જેથી આ માટે મેં કાર્યની શરૂઆત કરી અને ગત ૮ વર્ષથી હું આ વિષય પર કામ કરી રહ્યો છું. મારો પ્રયત્ન છે કે સમુદ્રમાંથી વધુમાં વધુ પ્લાસ્ટિક કેવી રીતે બહાર કાઢી શકાય."

બોયાન અને તેમની ટીમ સમુદ્રને પ્રદુષણ અને પ્લાસ્ટિક મુક્ત બનાવી સમુદ્રી જીવોને સુરક્ષિત રાખવા માટે કાર્યરત છે તેમની સાથે આજે ૮૦ લોકો સ્વૈચ્છિક રીતે કામ કરી રહ્યા છે.

Leave a Reply