ભારતીય શીખ સમુદાય માટે કરતારપુર સરહદ ખોલશે ભારત-પાકિસ્તાન

Uncategorized

આગામી વર્ષે ગુરુ નાનક સાહેબની ૫૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે કરતારપૂર કોરિડોરને શરુ કરવા માટે ભારતે પાકિસ્તાનને અપીલ કરી છે જેના માટે પાકિસ્તાને પણ હામી ભરી છે. આ જગ્યા શીખોનું પવિત્ર તીર્થ સ્થળ છે જ્યાં ગુરુ નાનક સાહેબે તેમના જીવનના ૧૮ વર્ષ ગાળ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તીની શરૂઆત સ્વરૂપે કરતારપુર બોર્ડર ખુલ્લું કરવાનું પગલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ભારતે પાકિસ્તાન સરકારને કોરિડોર બનાવવા માટે વિનંતી કરી છે જેથી શીખ સમુદાયના લોકો કોઈ પણ પરેશાની વગર દર્શન માટે ભારતથી પાકિસ્તાનમાં આવેલ ગુરૂદ્વારા દરબાર સાહિબ કરતારપૂરમાં જઈ શકે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે મીડિયા સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે શીખ સમુદાયની લાગણીઓને ધ્યાનમાં રાખીને કોરિડોરના બાંધકામ અંગે ભારત સરકારે પાકિસ્તાન સરકારનો સંપર્ક કર્યો છે. અમે પાકિસ્તાનને શીખ સમુદાયની લાગણીઓ સમજવા અને યોગ્ય સુવિધાઓ સાથે કોરિડોર બનાવવાની વિનંતી કરી છે.

પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું હતુ કે પાકિસ્તાન તહરીખ-એ-ઈન્સાફ પાર્ટીની સરકાર કરતારપૂર આવતા શિખો માટે વિઝા ફ્રી એન્ટ્રી માટેની સિસ્ટમ બનાવી રહ્યા છીએ જેથી ગુરૂદ્વારા દરબાર સાહિબ કરતારપૂરમાં વિઝા વગર પણ પ્રવેશ મેળવી શકાશે.

ભારત-પાકની આંતરરાષ્ટ્રીય સીમા પાસે પાકિસ્તાનના નારોવાલમાં ગુરૂદ્વારા સાહિબ શીખ જગતનું સૌ પ્રથમ ગુરૂદ્વારા કહેવામાં આવે છે. કરતારપૂર શહેરનો પાયો પણ ગુરૂનાનકજીએ સ્થાપ્યો હતો. આ પહેલા ભારતીય શિખો બોર્ડર પર ઉભા રહીને દૂરબીનની મદદથી દર્શન કરતા આવ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો ઉપર બરફ જામી ગયો હતો અને એક બીજા સાથે ચર્ચા બંધ કરી હતી. કરતારપુર બોર્ડર ખોલવાની તૈયારીની સાથે બંને તરફ કોરિડોર વિક્સાવવાથી બંને દેશોના સંબંધો ફરીથી સારા થવાની શક્યતામાં વધારો થયો છે.

Leave a Reply