નાસાના ઇનસાઇટ લેન્ડરને મંગળ ગ્રહની સપાટી પર સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું

Uncategorized

મંગળ ગ્રહ ઉપર છુપાયેલા રહસ્યોને શોધવા માટે નાસાના ઇનસાઇટ લેન્ડરને ૨૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ સફળતાપૂર્વક મંગળ ગ્રહની જમીન ઉપર ઉતારવામાં આવ્યું છે, જે મંગળ ગ્રહની આંતરિક સંરચના પૃથ્વીથી કેટલી અલગ છે તેની જાણકારી મેળવશે. નાસાએ ઈનસાઈટનું મંગળ પરના ઉતરાણનું લાઈવ ટેલિકાસ્ટ પણ કર્યું હતું. ઇનસાઇટ લેન્ડરને એટલસ ફાઇવ(Atlas V) રોકેટ દ્વારા કેલિફોર્નિયા ખાતે વેન્ડનબર્ગ વાયુસેના મથકથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

૨૦૩૦ સુધીમાં મંગળ પર લોકોને મોકલવાની કોશિશ માટે નાસા માટે મંગળગ્રહનું તાપમાન સમજવું મહત્વપૂર્ણ છે. ૩૫૮ કિલોના ઈનસાઈટનું આખુ નામ ‘ઈન્ટીરિયલ એક્સપ્લોરેશન યૂઝિંગ સિસ્મિક ઈન્વેસ્ટિગેશન’ છે. ૭૦૦૦ કરોડના આ મિશનમાં યુએસ, જર્મની, ફ્રાન્સ અને યુરોપ સહિત ૧૦થી વધારે દેશોના વૈજ્ઞાનિકો કાર્યરત છે. ઈનસાઈટ પ્રોજેક્ટના મુખ્ય વૈજ્ઞાનિક બ્રુસ બેનર્ટ ના જણાવ્યા અનુસાર, આ એક ટાઈમ મશીન છે, જેનાથી માહિતી મળી શકે છે કે ૪.૫ અબજ વર્ષ પહેલા મંગળ, ધરતી અને ચંદ્ર જેવા પથરાળા ગ્રહો કેવી રીતે બન્યા હતા.

ઈનસાઈટ મંગળની આંતરીક સંરચના સંદર્ભે અભ્યાસ કરશે. ઇનસાઇટનું મુખ્ય મશીન સિસ્મોમીટર છે, જેને ફ્રાન્સીસ અંતરિક્ષ એજન્સીએ બનાવ્યું છે. લેન્ડિગ પછી ઇનસાઇટના રોબોટિક આર્મ દ્વારા મંગળની સપાટી પર આ સેસ્મોમીટરને મુકવામાં આવશે જેના દ્વારા ત્યાંની ભૂગર્ભની ગતિવિધિઓને જાણી શકાશે. બીજું મુખ્ય મશીન સેલ્ફ હેમરિંગ છે જે જમીનમાં ડ્રીલ કરીને અંદરથી નીકળતી ગરમીને માપવાનું કામ કરશે. નાસાનું કહેવું છે કે ઈનસાઈટની તપાસ હેઠળ મંગળની સપાટી પર દશથી સોળ ફૂટ ઉંડું કાણું પાડવામાં આવશે, જે આની પહેલાના મંગળ મિશનની સરખામણીમાં પંદર ગણું વધારે ઉંડું હશે.

ઇનસાઇટના મંગળ ઉપર લેન્ડીંગની પ્રક્રિયા સાત મિનિટ સુધી ચાલી હતી. ભારતીય સમય અનુસાર સોમવારે રાતે ૧:૨૪ વાગ્યે ઇનસાઇટ મંગળની ધરતી ઉપર ઉતર્યુ હતું. મંગળની કક્ષામાં પહોંચતી વખતે ઈનસાઈટની ઝડપ ૧૯ હજાર આઠસો કિલોમીટર પ્રતિ કલાકની હતી, જો કે લેન્ડિંગ સમયે તેની ઝડપ ઘટીને આઠ કિલોમીટર પ્રતિ કલાકની થઈ હતી. યાન છ મિનિટની અંદર શૂન્યની ઝડપ પર આવી ગયું હતું અને પેરાશૂટ દ્વારા મંગળ ઉપર તેને સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું હતું.

યાનના મંગળની જમીન પર ઉતરતાની સાથે જ બે વર્ષીય મંગળ મિશનનો પ્રારંભ થઈ ગયો છે. સૌર ઊર્જા અને બેટરીથી ઊર્જા મેળવનારા લેન્ડરને ૨૬ માસ સુધી સંચાલિત કરવા માટે ડિઝાઈન કરાયું છે. આ અગાઉ પણ ૨૦૧૨ માં પણ મંગળ પર પહેલું યાન ‘ક્યૂરોસિટી’ મોકલવામાં આવ્યું હતું જેના દ્વારા મંગળ ગ્રહ પર પાણીની હાજરી સંદર્ભે તપાસ કરવામાં આવી હતી.

Image Source: mars.nasa.gov

Leave a Reply