આતંકનો માર્ગ છોડી સેનામાં શામેલ થયેલા નઝિર અહેમદનું દેશ માટે બલિદાન

Uncategorized

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં કેટલાક આતંકવાદીઓ સાથે બહાદુરીપૂર્વક લડતા લડતા સેનાના જવાન લાન્સ નાયક નઝિર અહેમદ વાનીએ શહાદત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે નઝિર અહેમદ વાની ક્યારેક પોતે પણ આતંકવાદી હતા અને જયારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે દેશ વિરોધી તત્વો સાથે સંબંધ તોડી આતંકનો માર્ગ છોડી દીધો હતો, અને ભારતીય સેનામાં શામેલ થઈ દેશની સેવામાં લાગી ગયા હતા.

જમ્મુ-કાશ્મીરના શોપિયા વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ સામે થયેલ કાર્યવાહીમાં સુરક્ષાદળોએ ૬ આતંકીઓને માર્યા હતા. આ ઓપરેશન દરિમયાન લાન્સ નાયક નઝિર અહેમદ વાની આતંકવાદીઓની ગોળીઓ દ્વારા ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે જીવન અને મૃત્યુ વચ્ચે યુદ્ધ લડ્યું હતું, અને અંતે સોમવારે તેમણે પોતાનો દેહ-ત્યાગ કર્યો હતો. નઝિર અહેમદનું જીવન પ્રેરણાદાયી છે, કારણ કે સેનામાં શામેલ થયા પહેલા નઝિર અહેમદ એક આતંકવાદી ગ્રુપ સાથે જોડાયા હતા. અને પોતાની ભૂલનો અહેસાસ થતા પોતાનું આત્મ-સમર્પણ કરી તેમણે લશ્કરમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.

nazir

નઝિર અહેમદના અવસાન પછી તેમના પાર્થિવ શરીરને ત્રિરંગામાં લપેટીને તેમના પૈતૃક ગામ અશમુજીમાં તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. રીત-રિવાજો બાદ પાર્થિવ શરીરને ગામના કબ્રસ્તાનમાં સુપુર્દે ખાક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૫૦૦ જેટલા ગ્રામવાસીઓ એકઠા થયા હતા. વાનીને ભારતીય સેનાએ ૨૧ તોપની સલામી આપીને એક સૈનિકને છાજે તેવી વિદાય આપવામાં આવી હતી.

લાન્સ નાયક નઝિર અહેમદ વાની એક ઉમદા સિપાહી હતા અને ૨૦૦૭માં તેમની વીરતા માટે સેના દ્વારા મેડલ આપવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નઝિરની શહાદત ઉપર સમગ્ર દેશને ગર્વ છે અને સેના હંમેશાં તેમના પરિવારની મદદે રહેશે. વાનીએ દેશ અને રાજ્યની શાંતિ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે જે એળે જશે નહિ.

Image Source: mensxp.com

Leave a Reply