“ઇલેક્ટ્રિક વિહિકલ પોલિસી-૨૦૧૮” દ્વારા દિલ્હીને આવનાર સમયમાં પ્રદુષણથી રાહત મળશે

Uncategorized

એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે બીજી બાજુ વાહનોના કારણે પ્રદૂષણનું સ્તર પણ ઝડપથી વધી રહ્યું છે. બંને સમસ્યાઓનું સમાધાન હવે ઈ-વાહનોમાં જોવા મળી રહ્યું છે. ઈ-વ્હીકલને પ્રમોટ કરવા દિલ્હી સરકાર તરફથી નવી પોલિસીની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે, જેમા ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર, રિક્શા અને ટૂ-વ્હીલર પર સબસિડી આપવામાં આવશે. યોજના અનુસાર વર્ષ ૨૦૨૩થી થનાર વાહનોના રજિસ્ટ્રેશનમાં ૨૫ ટકા ભાગ ઈ-વ્હીકલનો હશે. પબ્લિક અને પર્સનલ ટ્રાન્સપોર્ટમાં ઈ-વાહનોની ભાગીદારી વધારવા માટે ઈ-વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનનું મોટું નેટવર્ક પણ ઉભું કરવામાં આવશે.

દિલ્હી સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ ઇલેક્ટ્રિક વિહિકલ પોલિસી ૨૦૧૮ અનુસાર આગામી ત્રણથી પાંચ વર્ષમાં ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક તૈયાર કરવામાં આવશે જે અંતર્ગત ૩૦ હજાર સ્લો ચાર્જિંગ સ્ટેશન અને ૧૫ હજાર ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. શહેરમાં દર ત્રણ કિલોમીટરે તથા હાઈવે પર દર ૫૦ કિલોમીટરે એક ચાર્જિંગ પોઈન્ટ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર્જિંગ સ્ટેશન પ્રોજેક્ટમાં પબ્લિક, પ્રાઈવેટ પાર્ટનરશિપ ઉપરાંત ખાનગી કંપનીઓને પણ શામેલ કરવામાં આવશે.

આ યોજનાના પ્રોત્સાહન માટે ઈ-ઓટોને પરમિટથી રાહત આપવામાં આવશે તથા ૧૨,૫૦૦ રૂપિયા સુધીની સબસિડી અને સસ્તા વ્યાજદર પર લોન પણ આપવામાં આવશે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા પર પણ ૨૨ હજાર રૂપિયા સુધીની સબસિડી અપાશે તથા તેની કિંમત પેટ્રોલવાળા ટૂ-વ્હીલરથી ઓછી અથવા તેના સમાન રાખવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ઈ-ઓટો, ઇલેક્ટ્રિક ટ્રાંસપોર્ટ વ્હીકલ સહિત દરેક ઇલેક્ટ્રિક વ્હીક્લ્સ ખરીદવા પર રજિસ્ટ્રેશન ફી, રોડ ટેક્સ અને એમસીડી વન ટાઇમ પાર્કિંગ ફી ૧૦૦ ટકા માફ કરવામાં આવશે. ટ્રાંસપોર્ટ વિભાગની વેબસાઇટ ઉપર એક ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેના મારફતે લોકો પોતાના સૂચનો આપી શકે છે.

દિલ્હી સરકાર દ્વારા ઈલેક્ટ્રોનિક વાહનને પ્રોત્સાહન કરવાનો ઉદ્દેશ દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાને રાહત પહોંચાડવાનો છે. દિલ્હી પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોત કહે છે કે, "શિયાળાના સમયમાં પ્રદૂષણ અંદાજિત ૩૦ ટકા વાહનોના કારણે ફેલાય છે. પર્યાવરણ અનુકૂળ વાહનોથી હવાની ગુણવત્તામાં સુધારો થશે."

Leave a Reply