કચરાના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી શરૂઆત

Uncategorized

સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્કિંગ મેળવવા અને અમદાવાદ શહેરમાં રહેલા ‘દેખીતા કચરા’થી છૂટકારો મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) હવે ‘ઈન્દોર મોડલ’ અપનાવશે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની કચરાની ગાડીઓ દ્વારા હવેથી સુકો અને ભીનો કચરો અલગ-અલગ એકઠો કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે, જેના ૪૦ હજાર જેટલા કર્મચારીઓ સોસાયટીઓમાં ફરીને લોકોને બન્ને કચરાનું વર્ગીકરણ કેમ કરવું તે બાબત વિષે સમજણ આપશે.

આ અંગે કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, "આ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ ૧ થી ૧૦માં ક્રમ પર આવે એવું ટાર્ગેટ નક્કી કરાયું છે, જ્યારે કે ૨૦૧૯-૨૦ના સર્વેક્ષણમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર બને તેવું લક્ષ્ય નક્કી કરાયુ છે." કોઈપણ શહેરમાં એકઠાં થતાં કચરામાંથી કેટલાં કચરાનું પ્રોસેસીંગ થાય છે અને ભીનો-સુકો કચરો જુદો પડાય છે કે નહીં, તે બાબતો પર સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાર મુકવામાં આવતો હોય છે. મ્યુનિ.એ ૧૦૦૦ વાહનો એવા તૈયાર કર્યા છે જેમાં સુકો અને ભીનો કચરો અલગ અલગ એકઠો કરી શકાશે

સોસાયટીઓનો એકઠો થયેલો કચરો સૌથી પહેલાં આઠ રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે લઇ જવામાં આવે છે, જ્યાં સખી મંડળની બહેનો કચરાનું વર્ગીકરણ કરી ઉપયોગી ભાગને એક બાજુ તારવે છે, પરંતુ સુકો અને ભીનો કચરો એક સાથે હોવાથી આ કાર્યમાં ખુબ મુશ્કેલી સર્જાય છે. જેથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની કચરો એકઠો કરનારી ગાડીઓમાં હવેથી સુકો અને ભીનો કચરો અલગ-અલગ એકઠો કરવામાં આવશે. આ માટે લોકોએ પોતાના ઘરમાંથી જ કચરો અલગ પાડીને આપવાનો રહેશે. મ્યુનિ. કોર્પોરેશનના બગીચાઓમાંથી ભેગા થતા કચરાને બગીચામાં જ ખાતર બનાવવવાની શરૂઆત કરવામાં આવી છે.

હાલ શહેરમાંથી રોજ ૩૭૦૦ ટન કચરો એકઠો થાય છે, જેમાંથી ૯૦૦થી ૧૦૦૦ ટન કચરાને પ્રોસેસ કરીને ખાતર, આરડીએફ અને અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવે છે. આજે દુનિયાના અલગ અલગ વિસ્તારમાં ઘન અને પ્રવાહી કચરાનો વૈજ્ઞાાનિક રીતે ઉપયોગ કરીને ઉર્જાના મહત્વના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. કચરામાંથી ખાતર, વીજળી, આરડીએફ તથા બિલ્ડીંગ મટિરિયલ્સના વેસ્ટમાંથી બ્લોક્સ પણ બનાવાય છે. એ જ રીતે ગંદા પાણીને પણ ટ્રીટ કરીને તેનો સિંચાઇમાં ઉપયોગ કરવામાં આવે છે.

વધુમાં વાંચો:

કચરાને પોતાની આવકનું સાધન બનાવતા વિયતનામના લોકો
અંબિકાપુરનું સ્વછતા અભિયાન સમગ્ર ભારત માટે એક મિસાલ

Leave a Reply