સ્વતંત્રતા દિવસની ઉજવણી સ્વરૂપે ફિનલેન્ડની સરકાર દ્વારા આમ જનતા માટે અત્યાધુનિક લાઈબ્રેરી ખુલ્લી મુકવામાં આવશે

Uncategorized

ફિનલેન્ડને વાચકોનો દેશ કહેવામાં આવે છે, અને ખરેખર તો જે દેશ સાક્ષરતા દરમાં દુનિયામાં પહેલા નંબરે હોય અને જો ત્યાં ૧૦૦માં સ્વતંત્રતા દિવસે લોકો માટે અત્યાધુનિક પબ્લિક લાયબ્રેરી ખુલ્લી મુકવામાં આવે તો તે નવાઈની વાત નથી. ફિનલેન્ડના હેલસિંકીમાં ‘ઊડી’ નામની આ લાયબ્રેરીની ૧૦૦,૦૦૦ પુસ્તકો સાથે શરુઆત કરવામાં આવી રહી છે. ૧૬,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં પ્રસરેલી ૯૦ મીટર લાંબી આ બિલ્ડીંગ, આર્કીટેક્ચરના એક કરિશ્મા સમાન છે. આ બિલ્ડીંગને એક આંતરરાષ્ટ્રીય આર્કીટેક્ચરલ ડીઝાઇન કોમ્પિટિશન અંતર્ગત બનાવાઈ છે. ૫મી ડીસેમ્બરે, રશિયાથી આઝાદ થવાના ૧૦૦માં વર્ષ નિમિતે, સાંજે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને છઠી તારીખે દેશભરમાં સેલિબ્રેશન કરવામાં આવશે.

આ લાઇબ્રેરી ઝીરો-એનર્જી બિલ્ડિંગ છે, એટલે કે અહીં જેટલી વીજળી વપરાય છે તેટલી જ વીજળી ફરીથી રીન્યુ થાય છે. ૯૮ મીલીયન યુરોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ લાયબ્રેરી ત્રણ માળની છે. ટોપ ફ્લોર પર પુસ્તકોની સાથે સાથે કાચની બાલ્કનીમાંથી આખા શહેરને નિહાળી શકાય છે. આ લાઇબ્રેરીમાં સાઉન્ડપ્રૂફ સ્ટુડીયો, ૩-ડી પ્રિન્ટીંગ ફેસિલિટી, સિનેમા હોલ અને બાલ્કનીમાં રેસ્ટોરન્ટ અને કોફી હાઉસનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
1918
૧ લાખ પુસ્તકો સાથે તૈયાર કરવામાં આવેલ આ આધુનિક લાઈબ્રેરી ફિનલેન્ડની સંસ્કૃતિને પ્રોત્સાહન પણ આપે છે, જેમાં ઑડિઓ વિઝ્યુઅલ રેકોર્ડિંગ સ્ટુડિયો અને ‘શહેરી કાર્યશાળા’ (અર્બન વર્કશોપ) સાથે ૩-ડી પ્રિંટર્સની સાથે "કામ કરીને શીખવા" માટેની સુવિધા પણ છે. આ લાઈબ્રેરીમાં દર વર્ષે અંદાજિત ૨.૫ મિલિયન લોકો મુલાકત લે તેવી ધારણા છે.

હેલસિંકિ શહેરના નાયબ મેયર નસીમા રઝમયરે આ વર્ષની શરૂઆતમાં ધી ગાર્ડિયન સાથે ચર્ચા દરિમયાન જણાવ્યું હતું કે, "મને લાગે છે કે ફિનલેન્ડના લોકોને આનાથી વધારે સારી ભેટ આપવી શક્ય નથી. આ લાઈબ્રેરી શિક્ષણ અને જ્ઞાન માટે એક પ્રતિક સમાન છે, જે ફિનલેન્ડના વિકાસ અને સફળતા માટેના મૂળભૂત પરિબળો છે.

ધી ગાર્ડિયનના જણાવ્યા અનુસાર યુ.એન. દ્વારા ફિનલેન્ડને વિશ્વનો સૌથી વધુ શિક્ષિત રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, અને જાહેર પુસ્તકાલયોમાં વિશ્વના સૌથી ઉત્સાહી વપરાશકર્તાઓમાં સ્થાન ધરાવે છે. ફિનલેન્ડ લાઇબ્રેરી અધિનિયમ ધરાવતા દેશોમાંથી એક છે, જેમાં લાઈબ્રેરી વિષયક કાયદાકીય જોગવાઈઓનો સમાવેશ થાય છે જે આદેશ આપે છે કે પુસ્તકાલયોનો ઉપયોગ કરવા માટે કોઈ શુલ્ક રહેવો જોઈએ નહિ અને દરેક લાઇબ્રેરીમાં વસ્તીના કદના આધારે યોગ્ય લાયકાત ધરાવતા સ્ટાફની ચોક્કસ સંખ્યા હોવી આવશ્યક છે. ફિનલેન્ડમાં ૫૫ લાખ લોકો લાઇબ્રેરીમાંથી દર વર્ષે ૭ કરોડથી વધુ પુસ્તકો ઇસ્યુ કરાવે છે.

આજે જયારે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જાહેર લાઈબ્રેરી ઉપર કરવામાં આવતા ખર્ચને સતત ઘટાડવામાં આવી રહ્યો છે ત્યારે ફિનલેન્ડ જેવા શિક્ષિત દેશના આ પગલાંથી અન્ય દેશોને જાહેર લાઈબ્રેરી ઉપર વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહન મળશે, અને ખરા અર્થમાં પોતાની સ્વતંત્રતાને કેવી રીતે ઉજવવી જોઈએ તેની શિખામણ પણ મળી રહેશે.

Leave a Reply