આંધ્રપ્રદેશમાં ભારતના બીજા ક્રમના સૌથી સૂકા જિલ્લામાં બની રહેલું એક સ્વાવલંબી ગામ

આપણે એવા ઘણા લોકોને મળતા હોઈએ છીએ કે જે ઘરો, વિલા અથવા એપાર્ટમેન્ટ્સ બનાવતા હોય છે. પરંતુ કલ્યાણ અક્કીપેડી કદાચ પહેલાં માણસ હશે જે એક ગામનું નિર્માણ કરી રહ્યા છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ગામ એક સ્વાવલંબી ગામ છે. ગામના વપરાશ માટે સૌર અને પવનચક્કીઓ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે, વરસાદી પાણી નો સંગ્રહ કરવામાં આવે છે, ગામ માટે જરૂરી ખોરાક ગામમાં જ ઉગાડવામાં આવે છે, અને આ સિવાય ગામમાં એક વૈકલ્પિક શાળા પણ તૈયાર કરવામાં આવી છે. ગામમાં ઘરો ઉપરાંત નાના ઉદ્યોગ એકમો તથા તાજેતરમાં એક સ્કેટબોર્ડ પાર્ક નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

કલ્યાણે ૨૦૧૪ માં આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના ટેકુલોડુ ગામમાં ૧૨.૫ એકર ઉજ્જડ જમીન ખરીદીને એક ‘પ્રોટો ગામ’ બનાવવાની શરૂઆત કરી હતી. આ ગામ ભારતના બીજા ક્રમના સૌથી સુકા પ્રદેશમાં આવેલું છે. કલ્યાણ પોતાના પ્રયાસો દ્વારા એક એવા ગામનો નમૂનો બનાવી રહ્યા છે જેમાં ગામની મુળભૂત જરૂરીયાતો પર્યાવરણને નુકશાન કર્યા વિના ટકાઉ સ્રોતો દ્વારા મેળવી શકાય.

ગ્રામજનો
કોઇ પણ વ્યક્તિને આ ‘પ્રોટો ગામ’માં વસવાટ માટે બીજા ગ્રામજનોના સહકારથી ગામમાં પોતાનું ઘર બનાવવુ પડે છે.‘પ્રોટો ગામ’ બનાવવાની શરૂઆત કરતા પહેલા, ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી કલ્યાણ લગભગ ૨.૫ વર્ષ સુધી સમગ્ર ભારતમાં મુસાફરી કરી અને ૨૦૧૦માં તેઓ પોતાના વતન આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પાછા ફર્યા. ૧૬૬ ગામડાઓમાં પ્રવાસ કર્યા બાદ અંતે તેઓ ‘તેકુલોડુ’ ગામમાં આવીને વસવાટ કર્યો હતો જ્યાં તેમણે બધા ગ્રામજનો સાથે સારો એવો સમય પસાર કર્યો અને ૧૦૦ દિવસ જેટલાં સમયગાળા દરમિયાન લગભગ ૧૦૦ કુટુંબો સાથે વાતચીત કરીને ગામની આર્થિક સ્થિતિ તથા આરોગ્ય સમસ્યાઓની જાણકારી મેળવી હતી.

ત્યાર પછી, તેમણે ગામમાં એક કુટુંબ પસંદ કર્યું જેની વાર્ષિક આવક રૂ. ૬૫૦૦ હતી અને તેમની સાથે આગામી આઠ મહિના સુધી કામ કરવાનું નક્કી કર્યું. આ પરિવાર સાથેના તેમના સમય દરમિયાન, તેમણે તેમની સાથે તેમના ખેતરોમાં કામ કર્યું અને તેમની માસિક આવક રૂ. ૧૪ હજાર સુધી વધારવામાં મદદ કરી.

પરિવાર સાથેની સફળતાએ કલ્યાણની આશાઓને પ્રોત્સાહન આપ્યું જેનાથી પ્રેરણા લઈને કલ્યાણે એક પ્રોટો ગામ બનાવવા માટે નક્કી કર્યું. જમીન ખરીદ્યા પછી, કલ્યાણે ગામ બાંધવા માટે ગામવાસીઓને તેમની સાથે જોડાવા આમંત્રણ આપ્યું. ટેકુલુડુ ગામના દસ કુટુંબો આ નવા ગામમાં ભાગ લેવા સ્વેચ્છાએ તૈયાર થયા. ગામમાં રહેતા બધા લોકો ગામમાં સમાન અધિકાર ધરાવે છે.

ગામની સ્થાપના:

પાણીનાં તળાવો
કેવળ સ્વયંસેવક બનીને ગ્રામજન બની શકાતું નથી. આ ગામના દરેક માણસને ‘શ્રમ દાન’ કરવુ પડે છે. ગામ ભારતના બીજા નંબરે આવતા સૂકો પ્રદેશ ધરાવતા જિલ્લામાં આવેલું હોવાના કારણે કલ્યાણ અને ગ્રામજનોએ સૌથી પહેલાં જમીનની આસપાસ તળાવો ખોદયા જેમાં વરસાદનું પાણી એકત્રિત થાય, અને ભૂગર્ભની જળ સપાટીને ઉંચી લાવી શકાય. અત્યારે બોરવેલની મદદથી ૧૪૦ ફૂટની ઊંડાઈથી પાણી મેળવી શકાય છે જે પહેલા ૨૪૦ ફૂટ હતી.

ઘરોનું બાંધકામ
પ્રોટો ગામમાં ઘરોના બાંધકામ માટે બહારથી સિમેન્ટ ખરીદવાને બદલે, ચૂનાના પત્થરો તથા બળદ દ્વારા ફેરવાતી ભઠ્ઠીઓનો ઉપયોગ કરીને પોતાના સિમેન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. ગામની બધી ઇમારતો સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. બે ઘરો માટી, વાંસ, પથ્થર અને અન્ય કુદરતી રીતે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યા છે.

વીજ ઉત્પાદન
પ્રોટો ગામમાં ઊર્જાની જરૂરિયાતોને પૂરી કરવા માટે સૌર ઊર્જા અને પવનચક્કીનો ઉપયોગ કરવામાં આવે છે. કલ્યાણના એક મિત્રએ તેમને ગામમાં પવન ટર્બાઇન લગાવવામાં મદદ કરી હતી. ત્યાર બાદ તેમણે ગ્રામવાસીઓને પવન ટર્બાઇનના સંચાલન અને જાળવણીની તાલીમ આપી હતી.

ઓર્ગેનિક ખેતી
કલ્યાણે ઉજ્જડ જમીન ખરીદી હતી, જેમા ખેતી માટે આવશ્યક તત્વોનો અભાવ હતો. આ જમીનને ખેતી માટે તૈયાર કરવા તેમને લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો. તેઓએ આસપાસ લીલોતરી વધારવા માટે અનેક રોપાઓ રોપ્યાં હતા. આ ઉપરાંત ગ્રામજનોએ ગામમાં પોતાના માટે ઓર્ગેનીક ખોરાક પણ ઉગાડવાનું શરૂ કર્યું છે.

અત્યારે કલ્યાણ "વન એકર" નામના કોન્સેપ્ટ પર પ્રયોગ કરી રહ્યા છે. આ પ્રયોગ દ્વારા, તેઓ ઓર્ગેનિક ખેતીમાં એવી પધ્ધતિ વિકસાવી રહ્યા છે જેમાં ખેડુતો દ્વારા વિવિધ પ્રકારનાં શાકભાજી ઉગાડવામાં આવે જે ખેડૂતની જરૂરિયાતને પૂરી કરી શકે અને વધારાની શાકભાજી શહેરમાં વેચીને આવકમાં પણ વધારો કરી શકે.

ટકાઉ વ્યવસાયો
પ્રોટો ગામ એક ગ્રામીણ આર્થિક વિસ્તાર(Rural Economic Zone-REZ) ધરાવે છે. ગામમાં સાબુ બનાવવા અને તેલ ઉત્પાદનના યુનિટ બનાવવામાં આવ્યા છે. સાબુ બનાવવા માટે, ગામમાં આવેલ બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ કરીને ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે. તમામ જૈવિક કચરાનો ઉપયોગ બાયોગેસ બનાવવા માટે થાય છે. ગામમાં આવતા મુલાકાતીઓને તથા નજીકના શહેરોમાં સાબુ વેચવામાં આવે છે. બાજુના ગામની સ્ત્રીઓને પણ સાબુ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે. તેલના ઉત્પાદન માટે તેઓ તેમના ખેતરો માંથી મગફળીનો ઉપયોગ કરે છે તો ક્યારેક અન્ય ગામના ખેડૂતો પાસેથી પણ મગફળીને ખરીદે છે.

શાળા
ગામમાં ‘માયાબાઝાર’ નામની જગ્યાએ બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. કલ્યાણ તેને ‘શાળા’ તરીકે નામ આપવા માંગતા ન હતા, તેથી તેઓએ ‘માયાબાઝાર’ નામ પસંદ કર્યું જ્યાં વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ તથા પ્રાયોગિક પદ્ધતિઓ વડે બધુ જાતે શીખે છે. અહીં શિક્ષકો માત્ર તેલુગુ અને હિન્દી ભાષા શીખવે છે, અને બાકીના વિષયો વિદ્યાર્થીઓએ સ્વયં શીખવાના હોય છે.

કલ્યાણ કહે છે કે, "જો કોઈ અમારી આ પધ્ધતિને સમજવા અથવા અપનાવવા માંગે છે તો તેમનું અમારા આ પ્રયાસો વિશે વધુ જાણવા માટે અમારા ગામમાં સ્વાગત છે. અમે તેમની પાસેથી કોઇ ચાર્જ લઈશું નહિ. અમે એવા લોકોનું સમર્થન કરવા માંગીએ છીએ જેઓ અમારા જેવી પધ્ધતિ પોતાના ગામમાં અપનવવા માંગતા હોય"

વધુ માહિતી માટે: http://protovillage.org/

Leave a Reply