ઠંડીના સમયે બેઘર લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બની જતું હોય છે. સ્વીડનમાં પણ ઠંડીની શરૂઆત થઈ ચુકી છે ત્યારે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ડીજીટલ બિલબોર્ડ્સ(વિજ્ઞાપન માટેના બોર્ડ) દ્વારા વ્યવસાયિક જાહેરાતોની જગ્યાએ શેલ્ટરહોમ(આશ્રયસ્થાન)ની જાણકારી આપી બેઘર લોકો તથા પ્રવાસી શરણાર્થીઓની મદદ કરવામાં આવી રહી છે.
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં શિયાળાની ઠંડીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, અને તાપમાન ઝડપથી ઘટી રહ્યા છે. ઠંડીની સ્થિતિમાં લોકોને સલામત જગ્યા આપવાના હેતુસર શહેરના ડિજિટલ બિલબોર્ડ્સમાં નવી ઇમરજન્સી સિસ્ટમ લગાવવામાં આવી છે, જે તાપમાન ઓછું થતા જ આપમેળે નજીકના આશ્રયસ્થાન વિષે માર્ગદર્શન આપે છે. આ પહેલ પાછળ શહેરની જાહેરાત કંપની ક્લીયર ચેનલ-સ્વીડન છે, જે વ્યવસાયિક જાહેરાતની જગ્યાએ નજીકના આશ્રયસ્થાનની માહિતી આપી લોકોના જીવનને બચાવી રહી છે.
બેઘર લોકોને તેમની નજીકમાં આવેલું આશ્રયસ્થાન સરળતાથી મળી શકે તે માટે સ્વીડિશ અને અંગ્રેજી બંને ભાષામાં માહિતી આપવામાં આવી રહી છે. આ માહિતીના કારણે શહેરના આમ નાગરિકો આશ્ર્યસ્થળો ઉપર મદદ પણ પોહચાડી શકે છે.
જ્યારે તાપમાન સાત ડિગ્રી સેલ્શિયસ કરતા ઓછું થાય છે, ત્યારે શહેરમાં આવેલ ચર્ચ અને બિન-નફાકારક રાહત સંસ્થાઓ રાહત કાર્યમાં જોડાય છે અને જરૂરતમંદ લોકોને મદદ પુરી પાડવામાં આવે છે. કેટલીક વાર આશ્રયસ્થાનો વિશેની માહિતી બેઘર લોકો સુધી સમયસર પહોંચતી નથી જેના પરિણામે આવા લોકોના મૃત્યુ પણ નીપજે છે. આ માહિતી પ્રવાસી શરણાર્થી માટે ખુબ મદદરૂપ બનશે.
સ્ટોકહોમમાં બેઘર લોકોની દેખરેખ રાખતા સંગઠનોમાંના એક સંગઠન, નહેમેન્સેપ મેગ્નસ હેલ્મેનેરે મીડિયા સાથે ચર્ચા દરિમયાન જણાવ્યું હતું કે, "ભૂતકાળમાં અમને સમયસર માહિતી ન મળતા બેઘર લોકો સુધી પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી હતી, તેથી આ નવી સિસ્ટમ અતિ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે અને આ સમાચાર બેઘર લોકો માટે એક સારા સમાચાર છે." ક્લીયર ચેનલ ઇન્ટરનેશનલના ઉત્તરીય યુરોપના વાઇસ પ્રેસિડેન્ટ ઓલા ક્લિંગનબર્ગે એ જણાવ્યું હતું કે, "અમારા બિલબોર્ડ્સ એવી દરેક જગ્યાએ છે કે જ્યાં લોકો છે. ટેકનોલોજીના કારણે આ સમસ્યાનો ઉપાય શક્ય બન્યો છે, જે લોકો અને શહેરો માટે મદદરૂપ સાબિત થશે."
આ વ્યવસ્થા શિયાળા દરમિયાન સ્ટોકહોમમાં સક્રિય રહેશે, જે બેઘર લોકો અને પ્રવાસી શરણાર્થીઓને શેલ્ટર હોમની જગ્યાઓ બતાવશે.
Source: www.positive.news