પર્યાવરણના ધારા ધોરણોના યોગ્ય અમલીકરણ દ્વારા ઘણાં લોકોના જીવ બચાવી શકાય છે

દેશમાં પ્રદૂષણની સમસ્યા ધીમે ધીમે એક ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે. તાજેતરમાં પ્રસારિત કરવામાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં થનાર આઠ મૃત્યુ પૈકી એક મૃત્યુ પ્રદુષણના કારણે થઈ રહ્યું છે. દુર્ભાગ્યપણે આપણે હજુ પણ આ મુદ્દા વિશે સંવેદનશીલ બન્યા નથી, અને આજ કારણ છે કે હજુ સુધી કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ તથા કાર્બન ઉત્સર્જન માટેના માપદંડો લાગુ કરવામાં આવ્યા નથી.

ગ્રીનપીસ ભારતના રિપોર્ટ પ્રમાણે ભારતના પર્યાવરણ મંત્રાલય દ્વારા થર્મલ પાવર પ્લાન્ટ ચાલુ રાખવા કાર્બન ઉત્સર્જનના માપદંડોની ૨૦૧૫માં જારી કરવામાં આવેલ અધિસુચના ઉપર અમલ કરવામાં આવ્યો હોત તો દેશમાં ૭૫ હજાર લોકોના જીવનને બચાવી શકાયું હોત.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા મળેલ આરટીઆઇના જવાબ પર આધારિત ગ્રીનપીસ ઇન્ડિયાએ થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા થનાર ઉત્સર્જનના કારણે આરોગ્ય અને પર્યાવરણ પરની અસરો ઉપર એક અહેવાલ રજુ કર્યો છે. આ વિશ્લેષણ દર્શાવે છે કે જો ૨૦૧૫ની અધિસુચના લાગુ કરવામાં આવતી તો સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ૪૮%, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ૪૮% અને પીએમના ઉત્સર્જનમાં ૪૦% સુધી ઘડાડો નોંધાયો હોત.

આ ધોરણો લાગુ કરવા માટેની અંતિમ તારીખ ૭ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રાખવામાં આવી હતી. એક વર્ષ પછી, પાવર પ્લાન્ટ દ્વારા ઉત્સર્જનમાં ખૂબ જ ઓછું નિયંત્રણ પ્રાપ્ત થયું છે. આ વર્ષે, સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરવામાં આવી હતી કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સથી થતા વાયુ પ્રદૂષણને ઘટાડવાનો ઉર્જા મંત્રાલયનો કોઈ ઇરાદો લાગતો નથી. આ સાથે કોર્ટ દ્વારા ૨૦૨૨ સુધીમાં આ ધોરણોનો અમલીકરણ કરવાનો આદેશ આપ્યો હતો.

ગ્રીનપીસના વિશ્લેષણ અનુસાર, જો આ અધિસુચના લાગુ કરવામાં હજુ પણ જો પાંચ વર્ષનો વિલંબ થાય છે તો ૩.૮ લાખ મૃત્યુ ફક્ત પ્રદુષણના કારણે થઇ શકે છે, જે ટાળી શકાય છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડના ઉત્સર્જનના કારણે ૧.૪ લાખ લોકોને બચાવી શકાય છે. જો કે આ અંદાજમાં, કોલસા આધારિત નવા પાવર પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગ્રીનપીસ ભારતના સહયોગી સુનિલ દહિયાના કહેવા પ્રમાણે ઉત્સર્જનના માપદંડો પર અમલ કરવા માટે થર્મલ પાવર પ્લાન્ટ પીછેહઠ કરી રહ્યા છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. થર્મલ પાવર પ્લાન્ટથી થતું વાયુ પ્રદુષણ ભારતના આરોગ્ય કટોકટીના સૌથી મોટા કારણો પૈકી એક છે.

ભારત માટે આજે એ અત્યંત જરૂરી છે કે તાત્કાલિક ઉત્સર્જન માપદંડોને લાગુ કરવામાં આવે અને નવા કોલસા આધારિત પાવર પ્લાન્ટ બનાવવાની જગ્યાએ રિન્યુએબલ ઉર્જાના ઉત્પાદનના એકમો સ્થાપવામાં આવે જે ફક્ત પર્યાવરણ માટેજ ફાયદાકારક નથી પરંતુ સમગ્ર માનવ સમાજ માટે પણ ઉપયોગી છે.

Leave a Reply