વેસ્ટમાં થી બેસ્ટ કરી રહેલું કેરળનું એક ગામ

પ્લાસ્ટિકના કચરાનો નિકાલ દરેક ગામ અને શહેર માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે, જયારે કેટલીક વાર તો આ કચરાના નિકાલ માટે આર્થિક રીતે નુકસાન પણ વેઠવું પડતું હોય છે. પરંતુ કેરળના ઇડુક્કી જિલ્લાના નેદમુગ્દમ ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન કરી ગામને સ્વાવલંબી બનાવવામાં આવી રહ્યું છે.

નેદમુગ્દમની પંચાયત દ્વારા તાજેતરમાં આશરે ૪૨ હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક કચરાને કોલટાર બનાવતી કંપનીઓને વેચીને લગભગ ૬૩ હજાર રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. આ પ્લાસ્ટિકને ‘ક્લીન કેરળ કંપની’ દ્વારા કોલટારની સાથે મેળવીને રસ્તા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

નેદમુગ્દમની ગ્રામ પંચાયત દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવેલ બાયો-ગેસ પ્લાન્ટના પ્રસ્તાવને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે, જેના દ્વારા વિજળી તથા બળતણની જરૂરિયાતોને કેટલીક હદ સુધી પૂરી કરી શકાશે. સરકારે આ પ્રોજેક્ટ માટે વધુમાં ૧૦ લાખ રૂપિયા ગ્રામ પંચાયતને આપવાનું નક્કી કર્યું છે.

પંચાયત દ્વારા ૧૦ હજાર કિલોગ્રામ પ્રોસેસ્ડ પ્લાસ્ટિક કચરાની સાથે સાથે ૩ હજાર કિલોગ્રામ ઓર્ગેનિક ખાતર ગામની સફાઈ અભિયાન દ્વારા ભેગું કરવામાં આવ્યું છે, જેને વેચીને આવનાર રકમ દ્વારા ગામની મૂળભૂત જરૂરિયાતો પુરી પાડવામાં આવશે.

રાજ્ય સરકાર રાજ્યની બાકીની પંચાયતો દ્વારા ઘર, શાળાઓ, અને હોસ્પિટલોમાંથી હરિતસેનાની મદદથી પ્લાસ્ટિક અને નોન-બાયોડિગ્રેડેબલ કચરાને ભેગો કરે છે, જેને રિસાયકલ કરનાર ક્લીન કેરલ કંપનીને વેચવામાં આવે છે. પાછળથી તે જ કંપની વ્યાજબી કિંમતે ખાનગી અને જાહેર કંપનીઓને આ કચરાનું વેચાણ કરે છે.

‘ક્લીન કેરળ કંપની’ રાજ્ય સરકારની એક અનોખી પહેલ છે, જેના દ્વારા રીસાયકલ્ડ પ્લાસ્ટિક પ્રોસેસીંગ પ્લાન્ટ લગાવવામાં આવે છે અને કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત આ યુનિટની આસપાસના ઘરોમાં કચરા દ્વારા પેદા થયેલ વિજળી મફત પુરી પાડવામાં આવે છે.

અલબત્તા આ કાર્ય નાના પ્રમાણે થઇ રહ્યું છે પરંતુ તેનો ઉદેશ પર્યાવરણને બચાવવાની સાથે ગામને સ્વાવલંબી બનાવવાનો પણ છે.

Leave a Reply