Month: January 2019

દિવ્યાંગોને અનુકુળ આવે તેવી બસોની શરૂઆત કરી રહેલી દિલ્હી સરકાર

પરિવહન માટે યોગ્ય સુવિધાઓના અભાવને લીધે દિવ્યાંગ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ બાબતને ધ્યાનમાં લઈને દિલ્હી પરિવહન નિગમે દિલ્હી સરકારની મદદથી શહેરમાં દિવ્યાંગોને અનુકૂળ આવે એવી બસો દોડાવવાનું નક્કી કર્યું છે. આ બસમાં ઉતરવા અને ચઢવા માટે સામાન્ય બે દરવાજાને બદલે ત્રણ દરવાજા હશે.

હિન્દુસ્તાન ટાઈમ્સ ના એક અહેવાલ અનુસાર ૨૫ બસો માર્ચ મહિનાના અંત સુધીમાં પાયલોટ પ્રોજેક્ટ રૂપે અભ્યાસ માટે શરૂ થશે અને આવી કુલ એક હજાર બસો ઑક્ટોબર મહિના સુધી સમગ્ર શહેરમાં શરૂ કરવામાં આવશે. દિવ્યાંગો માટેની એક હજાર બસોની સાથે સાથે દિલ્હીમાં અન્ય ચાર હજાર નવી બસો પણ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં બસોની સંખ્યા વધારવા માટેનો નિર્ણય આઠ વર્ષ પછી લેવામાં આવ્યો છે. હાલ, દિલ્હી પરિવહન નિગમ (ડીટીસી) પાસે ૫,૪૪૩ જાહેર બસો છે, જ્યારે આજે દિલ્હી માં આશરે ૧૧ હજાર બસોની જરૂરિયાત છે. નોંધપાત્ર છે કે આ બસોને દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.

પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે, "આ નવા પ્રકારની બસોમાં ત્રણ દરવાજા હશે – એક આગળ, એક મધ્યમાં અને ત્રીજો પાછળ. આ ઉપરાંત બીજી અન્ય પ્રકારની સામાન્ય બસો કે જેને મંજુરી આપી દેવામાં આવી છે, તેમાં હાઈડ્રોલિક લિફ્ટની સુવિધા રાખવામાં આવી છે જેની મદદથી વ્હીલચેર વાળા યાત્રીઓ સરળતાથી બસમાં અવર જવર કરી શકશે."

Image Source: hindustantimes.com

ચેક ડેમ દ્વારા પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવતું છોટા બિહાર નામનું ગામ

ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ સંસ્થાના એક અહેવાલ પ્રમાણે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર સૌથી વધુ પાણીની સમસ્યા ધરાવનાર રાજ્યોમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં પૂરતા પ્રમાણમાં વરસાદ થવા છતાં, પાણીના નિકાસ અને સંગ્રહ કરવાની અયોગ્ય ગોઠવણીને કારણે આ વિસ્તારો સિંચાઇ માટે જરૂરી પાણી અને પીવાના પાણીની સમસ્યાથી પીડાય છે.

મધ્યપ્રદેશની રાજધાનીથી આશરે ૩૫૦ કિલોમીટર દૂર આવેલ છોટા બિહાર ગામમાં આશરે ૨૫૦ જેટલા પરિવાર રહે છે. અહીંના લોકોની આજીવિકા માટે મોટે ભાગે ખેતી પર આધારિત છે. ખેતીપ્રધાન ગામ હોવા છતાં આ પ્રદેશમાં પાણીની અછતના કારણે લોકોની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો હતો. પાણીના અભાવને લીધે પાકનું ઉત્પાદન પણ સતત ઘટી રહ્યું હતું.

આ વિસ્તારની પરિસ્થિતિમાં બદલાવ આવે એ હેતુસર સદગુરુ વૉટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નામના એનજીઓએ વર્ષ ૨૦૦૮થી આ વિસ્તારમાં પાણીની અછત દૂર કરવા માટેની જવાબદારી ઉપાડી હતી. આ એનજીઓએ દેશના ૯ રાજ્યોના ગામડાઓને મદદ કરવાની શરૂઆત કરી હતી જેમાં છોટા બિહાર ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. છોટા બિહાર ગામમાં સુખેન નામની નદી વહે છે, જે નર્મદા નદીની સહયોગી નદી છે. એનજીઓએ આ વિસ્તારમાં કામગીરી શરૂ કરતી વખતે ૪ સભ્યોની ઇન-હાઉસ ટીમને ગામમાં સર્વે હેતુ મોકલી હતી.

ગામનો સર્વે કર્યા બાદ ઈન-હાઉસ ટીમ દ્વારા સુખેન નદી ઉપર ચેક ડેમ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી. ચેક ડેમનો મુખ્ય હેતુ પાણીને સંગ્રહિત કરવાનો છે. ચોક્કસ સ્થળોએ પાણી સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે મુખ્ય ડેમનું પાણી ઓવરફ્લો થાય છે ત્યારે પાણી ચેક ડેમની ઉપરથી નીકળી જાય છે. આ પ્રક્રિયાની મદદથી ભૂગર્ભજળના સ્તરમાં પણ સુધારો થયો છે.

ચેક ડેમની મદદથી આજે ખેડૂતો ખેતી માટે પાણીનો ઉપયોગ કરી શકે છે. આ બધા પરિબળોને લીધે પાકનું ઉત્પાદન બમણું થઈ ગયું છે.Untitled-design-224

સદગુરુ વૉટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને કોકા-કોલા (ઇન્ડિયા) ફાઉન્ડેશનની આ ઉમદા કામગીરીના કારણે છોટા બિહારનું ચિત્ર માત્ર બે વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આ ઉપરાંત ચેક ડેમના કારણે બુંદેલખંડ વિસ્તારના અન્ય ભાગોમાં પાણીની સમસ્યામાં સુધારો થયો છે જેમાં ગોપાલપુરા અને ભીમપુરાનો પણ સમાવેશ થાય છે.

નકામાં કોફી ગ્રાઉન્ડ્સમાંથી તૈયાર થતાં ઇંધણ પર દોડી રહેલી લંડનની ડબલ-ડેકર બસ

એક સમય હતો કે લંડનની શેરીઓમાં ચાલતી લાલ ડબલ-ડેકર બસોના કારણે પ્રદુષણમાં વધારો થઈ રહ્યો હતો અને આ પ્રદૂષણને અટકાવવા માટે પરિવહન કંપનીઓ બસો માટે ઊર્જાના નવા સ્ત્રોતો શોધી રહી હતી. પરંતુ આજે લંડનની આ લાલ બસો હવે નકામાં કોફી ગ્રાઉન્ડ્સમાંથી તૈયાર થતાં ઇંધણની મદદથી દોડી રહી છે. લંડનના ઉદ્યોગસાહસિક આર્થરે ૨૦૧૭માં બાયોબીન નામની એક કંપનીની શરૂઆત કરી હતી, જે કોસ્ટા અને અન્ય બીજી કોફી ચેઇન્સ પરથી કચરો એકઠો કરી તે કચરાને પ્રવાહી ઇંધણમાં રૂપાંતરિત કરે છે.

આર્થર માને છે કે રસ્તાનું જટીલ નેટવર્ક અને બહુમાળી ઇમારતોને કારણે લંડન યુકેનાં સૌથી વધુ પ્રદુષિત શહેરોમાંથી એક છે અને અહીં ચોખ્ખી હવાની ખૂબ જરૂર છે. જ્યાં સુધી લોકો કોફી પીવે છે ત્યાં સુધી કચરો મળી રહેશે અને એટલેજ કોફીમાંથી ઉત્પાદિત ઇંધણ માટેની જોઈતી સામગ્રી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. સમગ્ર વિશ્વ અને આપણો સમાજ આજે ઇંધણ માટે ખનીજ તેલ સિવાયના બીજા અન્ય વિકલ્પો શોધી રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિમાં બાયો-ફ્યુલ ખુબ નિર્ણાયક સાબિત થશે.

આ પ્રક્રિયામાં કોફીનાં કચરાના ઢગલામાંથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા ઇંધણ એકઠું કરવામાં આવે છે જે હેક્ઝેન એકત્રીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આ હેક્ઝેન એકત્રીકરણ પ્રક્રિયા દ્વારા ૧૫-૨૦% ઇંધણ એકત્ર કરવામાં આવે છે. જ્યારે બાકી વધેલા કચરાને બાયો-માસ પેલેટ્સ(ગોળીઓ)માં રૂપાંતરિત કરી લાકડાનું બળતણ વાપરતા ચૂલામાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

એક અંદાજ પ્રમાણે એકલા યુકેમાં પાંચ લાખ ટન (પચાસ કરોડ કિલોગ્રામ) પ્રતિ વર્ષ કોફીનો વપરાશ થઈ રહ્યો છે. જો આ સંપૂર્ણ જથ્થાને ઉપયોગમાં લેવામાં આવે તો આખા માન્ચેસ્ટર માટે જરૂરી ઉર્જા મેળવવા માટે આ જથ્થો ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

અંધ લોકો માટે બ્રેઇલ લિપીમાં સમાચાર પત્રક પ્રકાશિત કરતા મહારાષ્ટ્રના સ્વાગત થોરાત

બ્રેઇલ લિપીમાં પ્રકાશિત થતા ‘સ્પર્શ જ્ઞાન’ નામક સમાચાર પત્રકની શરૂઆત વર્ષ ૨૦૦૮માં મહારાષ્ટ્રના નિવાસી સ્વાગત થોરાત દ્વારા કરવામાં આવી હતી. મરાઠી ભાષામાં પ્રકાશિત થનાર ૫૦ પાનાઓનું આ અખબાર મહિનાની પહેલી અને ૧૫મી તારીખે પ્રકાશિત થાય છે. સ્પર્શ જ્ઞાનમાં સામાજિક મુદ્દાઓ સિવાય આંતરરાષ્ટ્રીય બાબતો, પ્રેરણાત્મક જીવનચરિત્ર, શિક્ષણ, આરોગ્ય, રાજકારણ, સંગીત, ફિલ્મ, થિયેટર, સાહિત્ય અને કેટરિંગથી સંબંધિત સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે.

સ્વાગત થોરાતનું આ સમાચાર પત્રક મહારાષ્ટ્રના ૩૧ જીલ્લાઓમાં આવેલ અંધ બાળકોની શાળાઓ અને અંધ લોકોના વિકાસ સાથે સંકળાયેલી વિવિધ સ્વયંસેવી સંસ્થાઓને મફત આપવામાં આવે છે. આ સમાચાર પત્રની શરૂઆત ૧૦૦ નકલો સાથે કરવામાં આવી હતી, જેની આજે ૪૦૦થી વધુ નકલો પ્રકાશિત કરવામાં આવે છે.

સ્વાગત થોરાત સ્વતંત્ર પત્રકાર અને થિયેટર દિગ્દર્શક રૂપે કામ કરે છે. તેઓ નિયમિત સમયાંતરે દૂરદર્શન અને અન્ય ઘણી મીડિયા સંસ્થાઓ માટે ડોકયુમેન્ટરી પણ બનાવે છે. એક વખત તેમણે દૂરદર્શનના ‘બાલચિત્ર વાહિની’ પ્રોગ્રામ માટે અંધ બાળકો માટેની એક ડોક્યુમેન્ટરી બનાવી હતી, જે દરમિયાન તેમને અંધ બાળકોને મળવાની તથા તેમને સમજવાની તક મળી હતી. વર્ષ ૧૯૯૭ માં થોરાતે મરાઠી નાટક ‘સ્વતંત્રયાચી યોશોગાથા’ નું દિગ્દર્શન કર્યું હતું. આ નાટકમાં પુણેની બે અંધ શાળાઓ માંથી ૮૮ અંધ બાળકોએ ભાગ લીધો હતો જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી કામયાબી મળી હતી. આ નાટકમાં એક સાથે ૮૮ અંધ કલાકારોને આવરી લેતા ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધવામાં આવ્યું હતું.

થોરાતે યોર સ્ટોરી સાથે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, "નાટકની તૈયારી માટે અંધ બાળકો સાથે હું કેટલાક સમય સુધી રહ્યો. આ સમય દરમિયાન મને આ બાળકોની પોતાના દેશ અને દુનિયા વિષે જાણવાની રુચિ દેખાઈ આવી. ત્યારે મને એક બ્રેઇલ સમાચાર પત્રનો વિચાર આવ્યો."

ત્યાર પછી થોરાતે નક્કી કર્યું કે તે દેશના અંધ લોકો માટે બ્રેઇલ સમાચાર પત્રની શરૂઆત કરશે. તેના માટે, તેમણે તેમની બચતમાંથી લગભગ ચાર લાખ રૂપિયાનું એક બ્રેઇલ મશીન ખરીદીને મુંબઇમાં એક ઑફિસ ભાડે લીધી. ત્યાર પછી ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૮ ના રોજ ‘સ્પર્શ જ્ઞાન’ નો પ્રથમ અંક પ્રકાશિત થયો.

ધ હિન્દૂ સાથે ચર્ચા દરમિયાન થારોટ કહે છે કે, "અંધ બાળકો માટે દરેક પુસ્તકાલયમાં એક અલગ વિભાગ હોવો જોઈએ જ્યાં બ્રેઇલ લિપિમાં લખાયેલી પુસ્તકો સંગ્રહિત કરવામાં આવી હોય. આજે આપણા દેશમાં આ પ્રકારના અખબારોની માંગ દિવસે દિવસે વધી રહી છે. હું તે દિવસની કલ્પના કરું છું કે જ્યારે આ લોકો(અંધ લોકો) માટે દૈનિક અખબારની શરૂઆત કરવામાં આવશે. અને મને આશા છે કે મીડિયા હાઉસ આવા અખબારને શરૂ કરશે." માર્ચ ૨૦૧૨થી સ્વાગત થોરાત દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનની મદદથી હિન્દી ભાષામાં પણ ‘રિલાયન્સ દ્રષ્ટિ’ નામક બ્રેઇલ સમાચાર પત્રની શરૂઆત કરવામાં આવી જેની આજે ૯૦૦થી પણ વધુ નકલો પ્રકાશિત થાય છે.

મહારાષ્ટ્રના ભંડારા જીલ્લામાં ‘મોબાઈલ પોલીસ સ્ટેશન’ દ્વારા લોકોનો ભરોસો જીતી રહેલું પોલીસ તંત્ર

લોકોમાં પોલીસ સિસ્ટમ અને પોલીસ અધિકારીઓ વિશે ઘણા મતભેદો હોય છે. ઘણીવાર કેટલાક પોલીસ અધિકારીઓના ખરાબ વર્તન અથવા કાયદા વ્યવસ્થા માટે પોલીસ અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવતા કડક વલણને કારણે સામાન્ય માણસો પોતાના દિલમાં પોલીસનો ડર રાખતા હોય છે, જેથી પોતાને પડી રહેલી મુશ્કેલીઓ વિષે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ડરતા હોય છે. ઘણા ઓછા માણસો કે જેમને પોલીસ સિસ્ટમના સારા અનુભવો થયેલા હોય છે, તે માનતા હોય છે કે આ સિસ્ટમ દેશના નાગરિકોની મદદ માટે છે.

આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને કાયદા પ્રણાલી તથા પોલીસ તંત્ર પર નાગરિકોના ભરોસાને વધારવા માટે મહારાષ્ટ્રના ભંડારા જીલ્લાના આઈપીએસ અધિકારી વિનીતા સાહુએ ‘મોબાઇલ પોલીસ સ્ટેશન’ની એક અસરકારક પહેલ શરૂ કરી છે.

આ મોબાઇલ પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં દર શનિવારે કુલ ૧૮ જગ્યાઓ પર અસ્થાયી ચેકપોઇન્ટના રૂપમાં લગાવવામાં આવે છે, જ્યાં ગ્રામજનો તેમની સમસ્યાઓ કહી શકે અને ફરિયાદ પણ કરી શકે.

દરેક ચેકપોસ્ટ પર એક મહિલા કોન્સ્ટેબલ ઉપરાંત, પોલીસ અધિકારી અને બે પોલીસકર્મીની નિમણૂક કરવામાં આવે છે. મોબાઈલ પોલીસ સ્ટેશન માટે શાળાઓ તથા ગ્રામ પંચાયતોના મકાનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે જ્યાં લોકો સરળતાથી પહોંચી શકે. અને જ્યાં આ શક્ય હોતું નથી ત્યાં મોબાઈલ પોલીસ સ્ટેશન કામચલાઉ તંબુમાં બાંધવામાં આવે છે. મોબાઈલ પોલીસ એ વાત સુનિશ્ચિત કરે છે કે લોકો કોઈ પણ જાતના ડર અને અચકામણ વગર તેમની સમસ્યાઓ પોલીસને જણાવે.

આઈ.પી.એસ. વિનેતાએ એક સોશિયલ ઓડિટ અહેવાલમાં જણાવ્યું હતું કે, "આજે દુનિયા ઝડપથી પ્રગતિ કરી રહી છે. દરેક જરૂરી ચીજવસ્તુ ઘરના દરવાજા સુધી પોંહચાડવામાં આવે છે. અને કોઈપણ સેવા તાત્કાલિક પ્રદાન કરવામાં આવે છે, ત્યારે પોલીસ કે જે દેશની મહત્વપૂર્ણ કાનૂન વ્યવસ્થા અને સુરક્ષા સંગઠન છે, તે પણ નાગરિકોની સેવા માટે દરેક સમયે તથા ઝડપથી ઉપલબ્ધ હોવી જોઈએ."

મોબાઇલ પોલીસ સ્ટેશન દ્વારા શેરી થિયેટર, પ્રોજેક્ટર અને વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં અપરાધ પ્રત્યે જાગૃકતા લાવવામાં આવી રહી છે. પરિણામે જાગૃકતા વધી છે અને લોકોએ પોલીસ સાથે જોડાવાનું શરૂ કર્યું છે. હવે પોલીસ સાથે ગ્રામવાસીઓના વ્યહવારમાં હકારાત્મકતા જોવા મળે છે. ધીમે ધીમે લોકોમાં પોલીસ પ્રત્યેની ખોટી માન્યતાઓ પણ દૂર થઇ રહી છે અને અપરાધોની સંખ્યા પણ ઘટી છે.

જયારે જાન્યુઆરી ૨૦૧૭માં આ પહેલની શરૂઆત થઈ હતી ત્યારે લોકોને ડર વિના પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરવા, તથા તેમની ફરિયાદો સાંભળવામાં આવશે અને તેમની દરેક પરિસ્થતિમાં મદદ કરવામાં આવશે તેવો વિશ્વાસ અપાવવો એક સૌથી મોટો પડકાર હતો, જેમાં આજે તેમને ઘણા અંશે સફળતા પણ મળી છે. એક અહેવાલ પ્રમાણે આજ સુધી ૧.૫ લાખ લોકોને આ પોલીસ ચોકીઓથી ફાયદો થયો છે.

Image Source: thebetterindia.com

સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે ફસાયેલા પ્રવાસીઓને ભારતીય સેનાએ બચાવ્યા

૨૮ ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે આશરે ૨૫૦૦ પ્રવાસીઓ ભારત-ચીન સરહદ પર આવેલા નાથુ લા તથા આજુબાજુના અન્ય વિસ્તારોમાં ફસાયેલા હતા અને આવા કપરા સમયમાં મુસાફરોને પોતાના જીવ બચાવવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. આવા મુશ્કેલીના સમયે ભારતીય સેનાએ મદદ કરીને ફસાયેલા લોકોને બચાવી લીધા હતા. સૈનિકોએ માત્ર આ મુસાફરોને બચાવ્યા જ નહોતા, પરંતુ તે બધા માટે રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.

આ મુસાફરોમાં બાળકો તથા વૃદ્ધો પણ શામેલ હતા. આ પ્રવાસીઓમાં ૯૦ લોકોની તબિયત સારી ન હોવાના લીધે એમ્બ્યુલન્સની ગોઠવણ કરવામાં આવી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ આ બચાવ કામગીરીના ફોટા તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે.

બ્રિગેડિયર જે.એસ.ધડવાલે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીત માં કહ્યું હતું કે, "પ્રવાસીઓ ૧૩ હજાર ફૂટની ઊંચાઈએ ફસાયેલા હતા. તેમને ત્યાંથી ખસેડી ૯ હજાર ફૂટ પર સ્થિત ભારતીય સેનાના કેમ્પ પર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત વિતાવી હતી."

આ કાર્યને કારણે ભારતીય સેનાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસંશા થઈ રહી છે. ટ્વીટર યુઝર સંદીપ કુલકર્ણીએ લખ્યું હતું કે, "આભાર, હું તે ફસાયેલા લોકોમાંનો એક હતો, અને હું પૂરા દિલથી ભારતીય સૈન્યનો આભાર માનું છું. તેઓએ અમારી ખૂબ જ મદદ કરી અને ખૂબ જ વિક્ષેપિત વાતાવરણમાં અમને બચાવ્યા!"

અહમદ નામના પ્રવાસીએ દાર્જિલિંગ ક્રોનિકલ સાથે તેના અનુભવોને એક પત્ર દ્વારા રજુ કર્યા. તેમણે લખ્યું, "અમને સુરક્ષિત રાખવા માટે, તેઓએ (સૈનિકો) અમને સુવા માટે તેમની પથારી આપી દીધી અને તેઓ -૯ ડિગ્રી તાપમાનમાં બહાર રહ્યા હતા. તેઓએ અમારી મદદ માટે શું કર્યું તે વર્ણવવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી. હું દેશભરના લોકોને કહેવા માંગુ છું કે હું તેમનો ખૂબ આભારી છું."

Image Source: thedarjeelingchronicle.com

પોતાની મહેનત અને પૈસા વડે જાતે જ પુલનું નિર્માણ કરતા ગઝાલપુરના ગ્રામજનો

ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય, અને આવું જ કંઈક કરી બતાવ્યું છે ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લામાં આવેલ ગઝાલપુર ગામના લોકોએ. તેઓએ પોતાની મહેનત અને પૈસા એકત્ર કરીને જાતે જ એક પુલનું નિર્માણ કર્યું છે જે કાળી નદી ઉપરથી પસાર થાય છે. અને ખાસ વાત તો એ છે કે આ પુલના નિર્માણથી હાપુડમાં જવા માટેનું ૧૨ કિલોમીટરનું અંતર આજે ઘટીને ૪ કિલોમીટર થઈ ગયું છે.

પહેલા એવી હાલત હતી કે હાપુડ આવવા જવા માટે ગઝાલપુરના લોકોને બાબૂગઢ મિલીટરી છાવણીમાંથી પસાર થવું પડતું હતું જ્યાં દરેક વખતે સ્વાભાવિક રીતે તલાશી લેવામાં આવતી હતી. અને વળી રસ્તો પણ સાંકડો અને કાચો હોવાથી કોઈ મોટું વાહન હાઈવેથી અંદર આવી શકતું ન હતું. આ કારણે ઘણા લોકો હાપુડ જવા આવવા માટે જીવનું જોખમ ઉઠાવી કાળી નદી ઉપરથી પસાર થતા વાંસના બનેલા કાચા પુલનો તથા રેલ્વે ટ્રેકનો ઉપયોગ કરતા હતા, જેથી ઓછું અંતર કાપીને સરળતાથી હાપુડ પહોંચી શકાય. ઉલ્લેખનીય છે કે આજ સુધી બે ડઝન કરતા પણ વધારે લોકોએ રેલ્વે ટ્રેક પરની દુર્ઘટનાઓમાં પોતાના જીવ ઘુમાવ્યા છે, અને આ રીતે લોકો માટે તે એક લોહિયાળ રેલ્વે ટ્રેક તરીકે સાબિત થયેલો છે. અકસ્માતના કારણે આટલા બધા લોકોના મૃત્યુ થયા બાદ પણ સરકાર દ્વારા પુલ નિર્માણ વિષે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. જ્યારે સરકાર તરફથી કોઈ મદદ ન મળી ત્યારે ગ્રામજનોએ પોતાની જાત મહેનતથી જ પુલનું નિર્માણ કરવાનો નિશ્ચય કર્યો.

આ પુલના નિર્માણ માટે ગામના દરેક વ્યક્તિએ પોતપોતાના અનુરૂપ ભાગ ભજવ્યો. જે વ્યક્તિ આર્થિક રીતે મદદ કરી શકતો ન હતો તેણે શ્રમ દ્વારા મદદ કરી. ગામના લોકોએ જાતે જ મળીને પુલની ડિઝાઇન તૈયાર કરી અને ગામના વડીલો અને યુવાનોએ સાથે મળીને આ પુલને તૈયાર કર્યો. પુલ માટે આર્થિક ભંડોળ ઉભું કરવું સૌથી મોડી સમસ્યા હતી, પરંતુ ગામના લોકોએ સાથે મળીને ચાર લાખની રકમ ભેગી કરીને આ પુલને આજે કામચલાઉ રીતે કાર્યરત બનાવી દીધો છે.

આ પુલના નિર્માણથી આસપાસના ૧૦ ગામોને ફાયદો થશે. ગઝાલપુર, દાદરપુર અને શ્યામપુર જેવા ગામોમાં રહેતા ગ્રામવાસીઓ હવે કોઈ પણ જાતના જોખમ વગર સરળતાથી કાળી નદી પરથી પસાર થઈ શકશે.

Image Source: micircles.com

ચેન્નઈ મહાનગર પાલિકા દ્વારા શારીરિક રીતે અસક્ષમ બાળકો માટે સંવેદનાત્મક પાર્કની શરૂઆત

ચેન્નઈ મહાનગર પાલિકા દ્વારા શારીરિક રીતે અશક્ષમ અને અપંગ લોકો માટે એક બગીચાની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્કનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને આનંદની સાથે સાથે તેમની સંવેદનાત્મક શક્તિમાં વધારો કરવાનો છે.

૧૫૨૯ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ પાર્ક સેન્થોમ વિસ્તારમાં ફોર્થ ટ્રસ્ટ લિંક રોડ પર આવેલું છે. પાર્કમાં અંધ બાળકો માટે બે દિવાલો તૈયાર કરવામાં આવી છે જેમાં તેઓ સ્પર્શથી ઓળખી શકે તેવા કલર કરવામાં આવ્યા છે. આ દીવાલ ઉપર બાળકોની સંવેદનશીલતા વધારવા માટે, ટાયર, બંગડીઓ, શેલ્સ અને અન્ય સામગ્રી લગાડવામાં આવી છે.

Sensory_park_Chennai-2

આ ઉપરાંત, સ્ટેપિંગ સ્ટોન્સ અને રેતી, કાંકરા, લાકડા, ફાઇબર તથા કોંક્રિટનો ઉપયોગ કરીને બાળકોને ચલાવવા માટે અલગ અલગ રસ્તા અને પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિવાય, સૅન્ડબેન્ક અને સ્વિંગ જેવી સવારી અને સવલતો પણ રાખવામાં આવી છે.

ડેફિસિટ હાયપરએક્ટિવિટી સિન્ડ્રોમ(એડીએચડી)ની તકલીફથી લડી રહેલા બાળકો માટે સ્લાઇડ્સ અને ક્લાઇમ્બર્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેઓને નિયંત્રિત અને સંચાલિત કરવામાં આસાની થાય તથા બાળકોને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને નિયંત્રણમાં મદદ મળી શકે.

અહીંયા એક ગાનાર પથ્થર છે જે હાથને પાણીથી ભીનો કરીને તેના ઉપર રગડવાથી તે વાઇબ્રેટ થવા માંડે છે, જે એક અલગ અનુભૂતિ આપે છે. આ ઉપરાંત, અહીંયા એવા રમકડાં પણ લગાવવામાં આવ્યા છે જેને પવન ફૂંકાવાથી અથવા જાતે હલાવવાથી સંગીત ચાલુ થાય છે.

Sensory_park_Chennai-3

આ પાર્કના નિર્માણ અને ડિઝાઇન માટે કવિતા ક્રિષ્નમૂર્તિના એનજીઓ કીલીકીલી દ્વારા નગર પાલિકાની સહાયતા કરવામાં આવી હતી. આ કાર્ય માટે વિવિધ પ્રકારની અસમર્થતાઓ સાથે સંઘર્ષ કરતા બાળકોના માબાપની પણ મદદ લેવામાં આવી હતી.

પાર્કના ડિઝાઇન વિશે ધ હિન્દુ સાથે વાત કરતા કવિતા જણાવે છે કે, "ચેન્નઈ જેવા શહેર માટે સંવેદનાત્મક પાર્ક ખુબ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત અમે પાર્કની ડિઝાઇનમાં દિવ્યાંગ બાળકો, તેમના માતાપિતા, શિક્ષકો, ડોકટરો ઉપરાંત આ ક્ષેત્રે કામ કરતા અન્ય લોકોની સૂચનાઓ ઉપર પણ ધ્યાન આપ્યું છે."

આ પાર્કથી પ્રેરણા મેળવી ચેન્નઈ ઉપરાંત બેંગ્લોરમાં આવા ત્રણ ઉદ્યાનો, જ્યારે એક મેંગલોર અને નાગપુરમાં શરુ કરવામાં આવ્યા છે.

Image Source: www.thenewsminute.com

પિતાની યાદમાં એક સુંદર રસ્તાનું નિર્માણ કરી સ્થાનિક લોકોની તકલીફને દૂર કરતો એક પુત્ર

આસામના ડિબ્રુગઢ નગરના બોઇરાગિમોથ વિસ્તારમાં એક સુંદર રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રસ્તાનું નિર્માણ રાજ્ય કે કેન્દ્ર સરકારે નથી કર્યું પંરતુ એક પુત્રએ તેના પિતાની યાદમાં કર્યું છે.

આ રસ્તાનું નામ હેરમ્બા બારદોલોઇના નામ પરથી રાખવામાં આવ્યું છે. હેરમ્બા એક સામાજિક કાર્યકર્તા હતા અને તેઓ ગૌતમ બારદોલોઇના પિતા હતા. રસ્તાની સુંદરતા અને તેના નિર્માણની ક્વોલિટીની સાથે સાથે રસ્તા પર સોલર સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેડ સિસ્ટમ અને રસ્તાની બંને બાજુએ છોડ લાગડવામાં આવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, "આ કાચો રસ્તો હતો. ચોમાસાની ઋતુમાં ઘુંટણ સુધી પાણી ભરાઈ જવું એક સામાન્ય બાબત હતી. આ કોલોનીમાં હજારો લોકો રહે છે. ગૌતમના પિતા હેરમ્બાએ આ વિસ્તારની ખુબ જ સેવા કરી છે. વર્ષ ૨૦૦૮માં આ શેરીને ગૌતમના પિતા હેરમ્બા બારદોલોઇનું નામ આપવામાં આવ્યું."

ગૌતમે જણાવ્યું કે, "જ્યારે ડિબ્રુગઢ નગર પાલિકાએ આ રસ્તાનું નામ મારા પિતાના નામ પરથી રાખ્યું તો હું ખુબજ ગર્વ અનુભવતો હતો પરંતુ રસ્તાની હાલત ખુબ ખરાબ હતી. મારા પિતા હમેશા લોકોની સુવિધા અને ભલાઇનો ખ્યાલ રાખતા હતા. તેમના નિધન પછી મે આ રસ્તાની કાયપલટ કરવાનો નિર્ણય કર્યો હતો."

ગૌતમે રસ્તાનું પુનનિર્માણ કાર્ય વર્ષ ૨૦૧૩માં શરૂ કર્યું હતું. ગૌતમે કેટલાક સ્થાનિક છોકરાઓને ભેગા કરીને રસ્તાને લગભગ દોઢ ફૂટ સુધી ઉંચો કરવા માટે રસ્તાના પુરાણની શરૂઆત કરી. રસ્તો બનાવવા માટેની સૌથી મોટી સમસ્યા ડ્રેનેજ સિસ્ટમની હતી. ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ સમસ્યાનું નિરાકરણ જરૂરી હતું માટે ઘણા રિસર્ચ બાદ સારી ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ રસ્તાની બંને તરફ બગીચો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કેટલા સ્થાનિક છોકરાઓએ રસ્તાને કલર કામ કરવામાં મદદ પણ કરી હતી.

રસ્તો બનાવવાના ખર્ચનો કોઈ હિસાબ રાખવામાં આવ્યો નથી, પરંતુ અંદાજે તેમાં ૧૩ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રસ્તાના નિર્માણથી લઇને તેની સુંદરતા અને સોલર લાઇટ વગેરે કામ પુરૂ કરવા માટે ૫ વર્ષનો સમય લાગ્યો છે. ગૌતમે કહ્યું કે, "જ્યારે લોકોને જાણવા મળે છે કે આ રસ્તો બનાવવાનો સંપૂર્ણ ખર્ચ મારો છે તો તેઓ ચોંકી ઉઠે છે. પંરતુ હું માત્ર એટલું જ કહેવા ઇચ્છું છું કે જ્યારે મારા પિતાએ તેમનું સંપૂર્ણ જીવન સામાજિક સેવાને સમર્પિત કર્યું, તો તેમના માટે હું આટલું તો કરી જ શકું છું."

છત્તીસગઢના દંતેવાડાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં દરેક મુશ્કેલીને પાર કરી દર્દીઓ સુધી પહોંચતા ડૉ. અન્સારી

છત્તીસગઢના બસ્તર જિલ્લાની ગણતરી સડક, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાથી પછાત વિસ્તારમાં કરવામાં આવે છે. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે ડોક્ટરો અહીં આવીને કાર્ય કરતા ડરે છે. પરંતુ કોઈ પણ જાતના ડર વગર સહાયક તબીબી અધિકારી ડૉ. અતિક અહમદ અન્સારી દંતેવાડા-સુકમા સરહદ વિસ્તારમાં આવેલ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર આમ નાગરિકો અને સુરક્ષા દળોના સૈનિકો માટે પોતાની સેવા આપી રહ્યા છે.

ડૉ. અન્સારી કહે છે કે, "જ્યારે હું ૨૦૦૯માં અહીં આવ્યો ત્યારે સ્થાનિક આદિવાસી લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવા એક સૌથી મોટો પડકાર હતો. મોટાભાગના સમયે તેઓ ભુવા(તાંત્રિક) પાસે જતા હતા અને હોસ્પિટલમાં આવતા ન હતા જેના કારણે સામાન્ય બીમારી પણ ઘણી વાર મોતનું કારણ બનતી હતી."

સીઆરપીએફના સહાયક કમાન્ડર અમિત દંતેવાડા-સુક્મા બોર્ડર ખાતે આવેલ કેમ્પમાં કાર્યરત છે, તે કહે છે કે, "ડૉ. અંસારી ગઝબને જુસ્સો ધરાવે છે. ડૉ. અંસારી અને તેમની ટીમની સક્રિયતાને લીધે, આદિવાસી લોકોમાં આરોગ્યની જાગરૂકતામાં આજે નોંધપાત્ર વધારો થયો છે. અમારા જવાનો માટે ડૉ. અન્સારીની હાજરી અમારી પ્રાથમિક સ્વાસ્થ્ય સેવા માટે એક હકારાત્મક પાસું છે. જ્યાં સુધી સરકાર અહીંના સ્થાનિક લોકોને વિશ્વાસમાં નહીં લે ત્યાં સુધી આ વિસ્તારમાં વિકાસ કરવો મુશ્કેલ છે. ડૉ.અંસારી જેવા યુવાન તબીબની હાજરીએ આદિવાસી લોકોને હોસ્પિટલ પરનો વિશ્વાસ વધાર્યો છે."

આ વિસ્તારમાં સીઆરપીએફની મદદ વડે અહીંના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રોડ પણ તૈયાર થયા છે, જેના કારણે આજે ગામ સુધી એમ્બ્યુલન્સ પહોંચાડવામાં સરળતા મળી છે. આ ક્ષેત્રમાં કુપોષણ, મચ્છર કરડવાથી થનારી બીમારી, અસ્વચ્છતાના કારણે થનારી ત્વચાની બીમારીઓ, અને એનિમિયાની અછતને લીધે થનારી સમસ્યાઓ સામાન્ય છે. આ વિસ્તારમાં સ્વાસ્થ્ય વિશેની જાગરૂકતા ખુબ જ જરૂરી છે, જેના કારણે ડૉ. અતિક અહમદ અન્સારી જેવા ડોકટરોની પણ ખાસ જરૂર હોય છે જે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી તન-મન અને ધનથી લોકોમાં ખાનપાન વિષે જાગૃકતા લાવવામાં મદદ કરે.

d.-ansari

ડૉ. અન્સારી કહે છે કે, "શરૂઆતમાં હું આ વિસ્તારની સંવેદનશીલતાના કારણે પોતાની કારકિર્દી વિશે ખૂબ ચિંતિત હતો, પરંતુ અહીંના લોકો દ્વારા મળેલ પ્રેમ અને આ ક્ષેત્રમાં છેલ્લાં ત્રીસ વર્ષોથી નર્સ તરીકે કામ કરનાર ગંગાજીએ મારી હિંમત માં વધારો કર્યો છે. એક સમય એવો હતો કે જ્યારે મુખ્ય રોડથી સાતથી આઠ કિલોમીટર જંગલમાં ચાલીને જતા અને ગામના લોકોને સમજાવીને આરોગ્ય શિબિર લગાડવામાં આવતી હતી. અત્યારે લોકો સામેથી પોતાના ગામમાં શિબિર લગાવવા માટે આમંત્રણ આપે છે, જે આ લોકોમાં આવેલ જાગૃકતાનું પરિણામ છે."

તેઓ ૨૦૦૯થી આ વિસ્તારમાં તેમની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. તેમના સક્રિય કાર્યના કારણે જિલ્લા સ્તરે ઘણી વાર સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

Source: Yourstory.com