પોતાની મહેનત અને પૈસા વડે જાતે જ પુલનું નિર્માણ કરતા ગઝાલપુરના ગ્રામજનો

Uncategorized

ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય, અને આવું જ કંઈક કરી બતાવ્યું છે ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લામાં આવેલ ગઝાલપુર ગામના લોકોએ. તેઓએ પોતાની મહેનત અને પૈસા એકત્ર કરીને જાતે જ એક પુલનું નિર્માણ કર્યું છે જે કાળી નદી ઉપરથી પસાર થાય છે. અને ખાસ વાત તો એ છે કે આ પુલના નિર્માણથી હાપુડમાં જવા માટેનું ૧૨ કિલોમીટરનું અંતર આજે ઘટીને ૪ કિલોમીટર થઈ ગયું છે.

પહેલા એવી હાલત હતી કે હાપુડ આવવા જવા માટે ગઝાલપુરના લોકોને બાબૂગઢ મિલીટરી છાવણીમાંથી પસાર થવું પડતું હતું જ્યાં દરેક વખતે સ્વાભાવિક રીતે તલાશી લેવામાં આવતી હતી. અને વળી રસ્તો પણ સાંકડો અને કાચો હોવાથી કોઈ મોટું વાહન હાઈવેથી અંદર આવી શકતું ન હતું. આ કારણે ઘણા લોકો હાપુડ જવા આવવા માટે જીવનું જોખમ ઉઠાવી કાળી નદી ઉપરથી પસાર થતા વાંસના બનેલા કાચા પુલનો તથા રેલ્વે ટ્રેકનો ઉપયોગ કરતા હતા, જેથી ઓછું અંતર કાપીને સરળતાથી હાપુડ પહોંચી શકાય. ઉલ્લેખનીય છે કે આજ સુધી બે ડઝન કરતા પણ વધારે લોકોએ રેલ્વે ટ્રેક પરની દુર્ઘટનાઓમાં પોતાના જીવ ઘુમાવ્યા છે, અને આ રીતે લોકો માટે તે એક લોહિયાળ રેલ્વે ટ્રેક તરીકે સાબિત થયેલો છે. અકસ્માતના કારણે આટલા બધા લોકોના મૃત્યુ થયા બાદ પણ સરકાર દ્વારા પુલ નિર્માણ વિષે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. જ્યારે સરકાર તરફથી કોઈ મદદ ન મળી ત્યારે ગ્રામજનોએ પોતાની જાત મહેનતથી જ પુલનું નિર્માણ કરવાનો નિશ્ચય કર્યો.

આ પુલના નિર્માણ માટે ગામના દરેક વ્યક્તિએ પોતપોતાના અનુરૂપ ભાગ ભજવ્યો. જે વ્યક્તિ આર્થિક રીતે મદદ કરી શકતો ન હતો તેણે શ્રમ દ્વારા મદદ કરી. ગામના લોકોએ જાતે જ મળીને પુલની ડિઝાઇન તૈયાર કરી અને ગામના વડીલો અને યુવાનોએ સાથે મળીને આ પુલને તૈયાર કર્યો. પુલ માટે આર્થિક ભંડોળ ઉભું કરવું સૌથી મોડી સમસ્યા હતી, પરંતુ ગામના લોકોએ સાથે મળીને ચાર લાખની રકમ ભેગી કરીને આ પુલને આજે કામચલાઉ રીતે કાર્યરત બનાવી દીધો છે.

આ પુલના નિર્માણથી આસપાસના ૧૦ ગામોને ફાયદો થશે. ગઝાલપુર, દાદરપુર અને શ્યામપુર જેવા ગામોમાં રહેતા ગ્રામવાસીઓ હવે કોઈ પણ જાતના જોખમ વગર સરળતાથી કાળી નદી પરથી પસાર થઈ શકશે.

Image Source: micircles.com

Leave a Reply