સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે ફસાયેલા પ્રવાસીઓને ભારતીય સેનાએ બચાવ્યા

Uncategorized

૨૮ ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે આશરે ૨૫૦૦ પ્રવાસીઓ ભારત-ચીન સરહદ પર આવેલા નાથુ લા તથા આજુબાજુના અન્ય વિસ્તારોમાં ફસાયેલા હતા અને આવા કપરા સમયમાં મુસાફરોને પોતાના જીવ બચાવવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. આવા મુશ્કેલીના સમયે ભારતીય સેનાએ મદદ કરીને ફસાયેલા લોકોને બચાવી લીધા હતા. સૈનિકોએ માત્ર આ મુસાફરોને બચાવ્યા જ નહોતા, પરંતુ તે બધા માટે રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.

આ મુસાફરોમાં બાળકો તથા વૃદ્ધો પણ શામેલ હતા. આ પ્રવાસીઓમાં ૯૦ લોકોની તબિયત સારી ન હોવાના લીધે એમ્બ્યુલન્સની ગોઠવણ કરવામાં આવી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ આ બચાવ કામગીરીના ફોટા તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે.

બ્રિગેડિયર જે.એસ.ધડવાલે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીત માં કહ્યું હતું કે, "પ્રવાસીઓ ૧૩ હજાર ફૂટની ઊંચાઈએ ફસાયેલા હતા. તેમને ત્યાંથી ખસેડી ૯ હજાર ફૂટ પર સ્થિત ભારતીય સેનાના કેમ્પ પર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત વિતાવી હતી."

આ કાર્યને કારણે ભારતીય સેનાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસંશા થઈ રહી છે. ટ્વીટર યુઝર સંદીપ કુલકર્ણીએ લખ્યું હતું કે, "આભાર, હું તે ફસાયેલા લોકોમાંનો એક હતો, અને હું પૂરા દિલથી ભારતીય સૈન્યનો આભાર માનું છું. તેઓએ અમારી ખૂબ જ મદદ કરી અને ખૂબ જ વિક્ષેપિત વાતાવરણમાં અમને બચાવ્યા!"

અહમદ નામના પ્રવાસીએ દાર્જિલિંગ ક્રોનિકલ સાથે તેના અનુભવોને એક પત્ર દ્વારા રજુ કર્યા. તેમણે લખ્યું, "અમને સુરક્ષિત રાખવા માટે, તેઓએ (સૈનિકો) અમને સુવા માટે તેમની પથારી આપી દીધી અને તેઓ -૯ ડિગ્રી તાપમાનમાં બહાર રહ્યા હતા. તેઓએ અમારી મદદ માટે શું કર્યું તે વર્ણવવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી. હું દેશભરના લોકોને કહેવા માંગુ છું કે હું તેમનો ખૂબ આભારી છું."

Image Source: thedarjeelingchronicle.com

Leave a Reply