મહારાષ્ટ્રના ભંડારા જીલ્લામાં ‘મોબાઈલ પોલીસ સ્ટેશન’ દ્વારા લોકોનો ભરોસો જીતી રહેલું પોલીસ તંત્ર

Uncategorized

લોકોમાં પોલીસ સિસ્ટમ અને પોલીસ અધિકારીઓ વિશે ઘણા મતભેદો હોય છે. ઘણીવાર કેટલાક પોલીસ અધિકારીઓના ખરાબ વર્તન અથવા કાયદા વ્યવસ્થા માટે પોલીસ અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવતા કડક વલણને કારણે સામાન્ય માણસો પોતાના દિલમાં પોલીસનો ડર રાખતા હોય છે, જેથી પોતાને પડી રહેલી મુશ્કેલીઓ વિષે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ડરતા હોય છે. ઘણા ઓછા માણસો કે જેમને પોલીસ સિસ્ટમના સારા અનુભવો થયેલા હોય છે, તે માનતા હોય છે કે આ સિસ્ટમ દેશના નાગરિકોની મદદ માટે છે.

આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને કાયદા પ્રણાલી તથા પોલીસ તંત્ર પર નાગરિકોના ભરોસાને વધારવા માટે મહારાષ્ટ્રના ભંડારા જીલ્લાના આઈપીએસ અધિકારી વિનીતા સાહુએ ‘મોબાઇલ પોલીસ સ્ટેશન’ની એક અસરકારક પહેલ શરૂ કરી છે.

આ મોબાઇલ પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં દર શનિવારે કુલ ૧૮ જગ્યાઓ પર અસ્થાયી ચેકપોઇન્ટના રૂપમાં લગાવવામાં આવે છે, જ્યાં ગ્રામજનો તેમની સમસ્યાઓ કહી શકે અને ફરિયાદ પણ કરી શકે.

દરેક ચેકપોસ્ટ પર એક મહિલા કોન્સ્ટેબલ ઉપરાંત, પોલીસ અધિકારી અને બે પોલીસકર્મીની નિમણૂક કરવામાં આવે છે. મોબાઈલ પોલીસ સ્ટેશન માટે શાળાઓ તથા ગ્રામ પંચાયતોના મકાનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે જ્યાં લોકો સરળતાથી પહોંચી શકે. અને જ્યાં આ શક્ય હોતું નથી ત્યાં મોબાઈલ પોલીસ સ્ટેશન કામચલાઉ તંબુમાં બાંધવામાં આવે છે. મોબાઈલ પોલીસ એ વાત સુનિશ્ચિત કરે છે કે લોકો કોઈ પણ જાતના ડર અને અચકામણ વગર તેમની સમસ્યાઓ પોલીસને જણાવે.

આઈ.પી.એસ. વિનેતાએ એક સોશિયલ ઓડિટ અહેવાલમાં જણાવ્યું હતું કે, "આજે દુનિયા ઝડપથી પ્રગતિ કરી રહી છે. દરેક જરૂરી ચીજવસ્તુ ઘરના દરવાજા સુધી પોંહચાડવામાં આવે છે. અને કોઈપણ સેવા તાત્કાલિક પ્રદાન કરવામાં આવે છે, ત્યારે પોલીસ કે જે દેશની મહત્વપૂર્ણ કાનૂન વ્યવસ્થા અને સુરક્ષા સંગઠન છે, તે પણ નાગરિકોની સેવા માટે દરેક સમયે તથા ઝડપથી ઉપલબ્ધ હોવી જોઈએ."

મોબાઇલ પોલીસ સ્ટેશન દ્વારા શેરી થિયેટર, પ્રોજેક્ટર અને વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં અપરાધ પ્રત્યે જાગૃકતા લાવવામાં આવી રહી છે. પરિણામે જાગૃકતા વધી છે અને લોકોએ પોલીસ સાથે જોડાવાનું શરૂ કર્યું છે. હવે પોલીસ સાથે ગ્રામવાસીઓના વ્યહવારમાં હકારાત્મકતા જોવા મળે છે. ધીમે ધીમે લોકોમાં પોલીસ પ્રત્યેની ખોટી માન્યતાઓ પણ દૂર થઇ રહી છે અને અપરાધોની સંખ્યા પણ ઘટી છે.

જયારે જાન્યુઆરી ૨૦૧૭માં આ પહેલની શરૂઆત થઈ હતી ત્યારે લોકોને ડર વિના પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરવા, તથા તેમની ફરિયાદો સાંભળવામાં આવશે અને તેમની દરેક પરિસ્થતિમાં મદદ કરવામાં આવશે તેવો વિશ્વાસ અપાવવો એક સૌથી મોટો પડકાર હતો, જેમાં આજે તેમને ઘણા અંશે સફળતા પણ મળી છે. એક અહેવાલ પ્રમાણે આજ સુધી ૧.૫ લાખ લોકોને આ પોલીસ ચોકીઓથી ફાયદો થયો છે.

Image Source: thebetterindia.com

Leave a Reply