બ્રેઇલ લિપીમાં પ્રકાશિત થતા ‘સ્પર્શ જ્ઞાન’ નામક સમાચાર પત્રકની શરૂઆત વર્ષ ૨૦૦૮માં મહારાષ્ટ્રના નિવાસી સ્વાગત થોરાત દ્વારા કરવામાં આવી હતી. મરાઠી ભાષામાં પ્રકાશિત થનાર ૫૦ પાનાઓનું આ અખબાર મહિનાની પહેલી અને ૧૫મી તારીખે પ્રકાશિત થાય છે. સ્પર્શ જ્ઞાનમાં સામાજિક મુદ્દાઓ સિવાય આંતરરાષ્ટ્રીય બાબતો, પ્રેરણાત્મક જીવનચરિત્ર, શિક્ષણ, આરોગ્ય, રાજકારણ, સંગીત, ફિલ્મ, થિયેટર, સાહિત્ય અને કેટરિંગથી સંબંધિત સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે.
સ્વાગત થોરાતનું આ સમાચાર પત્રક મહારાષ્ટ્રના ૩૧ જીલ્લાઓમાં આવેલ અંધ બાળકોની શાળાઓ અને અંધ લોકોના વિકાસ સાથે સંકળાયેલી વિવિધ સ્વયંસેવી સંસ્થાઓને મફત આપવામાં આવે છે. આ સમાચાર પત્રની શરૂઆત ૧૦૦ નકલો સાથે કરવામાં આવી હતી, જેની આજે ૪૦૦થી વધુ નકલો પ્રકાશિત કરવામાં આવે છે.
સ્વાગત થોરાત સ્વતંત્ર પત્રકાર અને થિયેટર દિગ્દર્શક રૂપે કામ કરે છે. તેઓ નિયમિત સમયાંતરે દૂરદર્શન અને અન્ય ઘણી મીડિયા સંસ્થાઓ માટે ડોકયુમેન્ટરી પણ બનાવે છે. એક વખત તેમણે દૂરદર્શનના ‘બાલચિત્ર વાહિની’ પ્રોગ્રામ માટે અંધ બાળકો માટેની એક ડોક્યુમેન્ટરી બનાવી હતી, જે દરમિયાન તેમને અંધ બાળકોને મળવાની તથા તેમને સમજવાની તક મળી હતી. વર્ષ ૧૯૯૭ માં થોરાતે મરાઠી નાટક ‘સ્વતંત્રયાચી યોશોગાથા’ નું દિગ્દર્શન કર્યું હતું. આ નાટકમાં પુણેની બે અંધ શાળાઓ માંથી ૮૮ અંધ બાળકોએ ભાગ લીધો હતો જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી કામયાબી મળી હતી. આ નાટકમાં એક સાથે ૮૮ અંધ કલાકારોને આવરી લેતા ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધવામાં આવ્યું હતું.
થોરાતે યોર સ્ટોરી સાથે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, "નાટકની તૈયારી માટે અંધ બાળકો સાથે હું કેટલાક સમય સુધી રહ્યો. આ સમય દરમિયાન મને આ બાળકોની પોતાના દેશ અને દુનિયા વિષે જાણવાની રુચિ દેખાઈ આવી. ત્યારે મને એક બ્રેઇલ સમાચાર પત્રનો વિચાર આવ્યો."
ત્યાર પછી થોરાતે નક્કી કર્યું કે તે દેશના અંધ લોકો માટે બ્રેઇલ સમાચાર પત્રની શરૂઆત કરશે. તેના માટે, તેમણે તેમની બચતમાંથી લગભગ ચાર લાખ રૂપિયાનું એક બ્રેઇલ મશીન ખરીદીને મુંબઇમાં એક ઑફિસ ભાડે લીધી. ત્યાર પછી ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૮ ના રોજ ‘સ્પર્શ જ્ઞાન’ નો પ્રથમ અંક પ્રકાશિત થયો.
ધ હિન્દૂ સાથે ચર્ચા દરમિયાન થારોટ કહે છે કે, "અંધ બાળકો માટે દરેક પુસ્તકાલયમાં એક અલગ વિભાગ હોવો જોઈએ જ્યાં બ્રેઇલ લિપિમાં લખાયેલી પુસ્તકો સંગ્રહિત કરવામાં આવી હોય. આજે આપણા દેશમાં આ પ્રકારના અખબારોની માંગ દિવસે દિવસે વધી રહી છે. હું તે દિવસની કલ્પના કરું છું કે જ્યારે આ લોકો(અંધ લોકો) માટે દૈનિક અખબારની શરૂઆત કરવામાં આવશે. અને મને આશા છે કે મીડિયા હાઉસ આવા અખબારને શરૂ કરશે." માર્ચ ૨૦૧૨થી સ્વાગત થોરાત દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનની મદદથી હિન્દી ભાષામાં પણ ‘રિલાયન્સ દ્રષ્ટિ’ નામક બ્રેઇલ સમાચાર પત્રની શરૂઆત કરવામાં આવી જેની આજે ૯૦૦થી પણ વધુ નકલો પ્રકાશિત થાય છે.