નકામાં કોફી ગ્રાઉન્ડ્સમાંથી તૈયાર થતાં ઇંધણ પર દોડી રહેલી લંડનની ડબલ-ડેકર બસ

Uncategorized

એક સમય હતો કે લંડનની શેરીઓમાં ચાલતી લાલ ડબલ-ડેકર બસોના કારણે પ્રદુષણમાં વધારો થઈ રહ્યો હતો અને આ પ્રદૂષણને અટકાવવા માટે પરિવહન કંપનીઓ બસો માટે ઊર્જાના નવા સ્ત્રોતો શોધી રહી હતી. પરંતુ આજે લંડનની આ લાલ બસો હવે નકામાં કોફી ગ્રાઉન્ડ્સમાંથી તૈયાર થતાં ઇંધણની મદદથી દોડી રહી છે. લંડનના ઉદ્યોગસાહસિક આર્થરે ૨૦૧૭માં બાયોબીન નામની એક કંપનીની શરૂઆત કરી હતી, જે કોસ્ટા અને અન્ય બીજી કોફી ચેઇન્સ પરથી કચરો એકઠો કરી તે કચરાને પ્રવાહી ઇંધણમાં રૂપાંતરિત કરે છે.

આર્થર માને છે કે રસ્તાનું જટીલ નેટવર્ક અને બહુમાળી ઇમારતોને કારણે લંડન યુકેનાં સૌથી વધુ પ્રદુષિત શહેરોમાંથી એક છે અને અહીં ચોખ્ખી હવાની ખૂબ જરૂર છે. જ્યાં સુધી લોકો કોફી પીવે છે ત્યાં સુધી કચરો મળી રહેશે અને એટલેજ કોફીમાંથી ઉત્પાદિત ઇંધણ માટેની જોઈતી સામગ્રી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. સમગ્ર વિશ્વ અને આપણો સમાજ આજે ઇંધણ માટે ખનીજ તેલ સિવાયના બીજા અન્ય વિકલ્પો શોધી રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિમાં બાયો-ફ્યુલ ખુબ નિર્ણાયક સાબિત થશે.

આ પ્રક્રિયામાં કોફીનાં કચરાના ઢગલામાંથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા ઇંધણ એકઠું કરવામાં આવે છે જે હેક્ઝેન એકત્રીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આ હેક્ઝેન એકત્રીકરણ પ્રક્રિયા દ્વારા ૧૫-૨૦% ઇંધણ એકત્ર કરવામાં આવે છે. જ્યારે બાકી વધેલા કચરાને બાયો-માસ પેલેટ્સ(ગોળીઓ)માં રૂપાંતરિત કરી લાકડાનું બળતણ વાપરતા ચૂલામાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

એક અંદાજ પ્રમાણે એકલા યુકેમાં પાંચ લાખ ટન (પચાસ કરોડ કિલોગ્રામ) પ્રતિ વર્ષ કોફીનો વપરાશ થઈ રહ્યો છે. જો આ સંપૂર્ણ જથ્થાને ઉપયોગમાં લેવામાં આવે તો આખા માન્ચેસ્ટર માટે જરૂરી ઉર્જા મેળવવા માટે આ જથ્થો ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

Leave a Reply