ઇન્દોરમાં કેવળ ૬ મહિનામાં ૧૦૦ એકર જમીન પરથી ૧૩ લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરતા આઈએએસ ઓફિસર

Uncategorized

વર્ષ ૨૦૧૪માં મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ખૂબ જ નિરાશાજનક સ્થાન મળ્યું હતું. જેને પગલે શહેરના વહીવટીતંત્રએ અને લોકોએ સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તે માટે કાર્યની પણ શરૂઆત કરી હતી. આજે તેમના પ્રયત્નો સફળ થયા છે અને ઇન્દોરે ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

વહીવટીતંત્ર અને નાગરિકોએ શહેરની સફાઈ માટેની દરેક બાબત ઉપર ધ્યાન આપવાનું શરુ કર્યું. શેરીઓમાં કચરો ફેંકતા લોકોને રોકવા, જાહેર સ્થળોએ કચરા પેટીઓ મુકવી, નાગરિકો પાસેથી સૂકો અને ભીનો કચરો અલગ અલગ ભેગો કરવો, જેવા પ્રયાસોના મારફતે શહેરને સ્વચ્છ રાખવાની શરૂઆત કરવામાં આવી.

શહેરમાં ૧૦૦ એકર જમીનમાં ફેલાયેલ કચરાના ઢગલાનો નિકાલ કરવાની પણ શરૂઆત કરવામાં આવી જે સૌથી મોટો પડકાર હતો. આ કચરો એક અંદાજ મુજબ ૧૩ લાખ મેટ્રિક ટન જેટલો હતો જેથી તેના નિકાલ માટે ૨૦૧૬-૧૭ માં ઇન્દોર નગર નિગમ દ્વારા આ જમીન ઉપર રિક્લેમેશન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. પરંતુ આ પ્રક્રિયા ખુબ જ ધીમી હોવાથી છેલ્લા બે વર્ષમાં કેવળ ૨ લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ થઈ શક્યો હતો.

વર્ષ ૨૦૧૮માં જયારે આઈએએસ આશિષ સિંહ ઇન્દોર નગર નિગમના કમિશનર બન્યા ત્યારે તેમણે નક્કી કર્યું કે આ ૧૦૦ એકર જમીન ઉપરથી કચરાને જલ્દીથી જલ્દી હટાવીને તેની જગ્યાએ ગોલ્ફ કોર્સ અને બગીચાનું નિર્માણ કરવામાં આવે અને શહેરની સ્વચ્છતાની સાથે વાયુ પ્રદુષણમાં પણ ઘટાડો કરવા હેતુ આ જગ્યા ઉપર વૃક્ષો લગાડવામાં આવે.

બાયો-રેમેડિએશન, પ્લાસ્ટિક, ધાતુઓ, કાગળ, કપડાં તથા અન્ય ઘન વસ્તુઓને માટીમાંથી અલગ કરી રિસાયક્લિંગ કરવાની શરૂઆત કરવામાં આવી. આ કાર્ય માટે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો.

(કચરાના નિકાલ પહેલાની તસ્વીર)
indore-2

(કચરાના નિકાલ પછીની તસ્વીર)
indore-1

બેટર ઇન્ડિયા સાથે વાતચીતમાં ઇન્દોર નગર નિગમ કમિશ્નર આશિષ સિંહે જણાવ્યું હતું કે, "અગાઉના પાઇલોટ પ્રોજેક્ટ્સથી વિપરીત, અમે આ કાર્ય માટે કોઈપણ પ્રકારનું આઉટસોર્સ કર્યું નથી. આ જમીન ઉપરથી કચરાની સફાઈ માટે મોટી સંખ્યામાં ભારે મશીનરીની જરૂર પડતી હોવાથી અંદાજિત ખર્ચ આશરે ૬૫ કરોડનું અનુમાન લગાવવામાં આવ્યું જે નગર નિગમની ક્ષમતા બહારની વાત હતી. જેથી અમે મશીનરી ભાડે લેવા અને અમારા સ્રોતોનો ઉપયોગ કરીને તેને સંચાલિત કરવાનો નિર્ણય લીધો. અમે આ મશીનરીને બે શિફ્ટમાં સંચાલિત કરી અને છ મહિનામાં કામ પૂર્ણ કર્યું. રસપ્રદ બાબત એ છે કે આ સમગ્ર પ્રક્રિયામાં અમે રૂ. ૧૦ કરોડથી પણ ઓછી રકમ ખર્ચ કરી છે"

બાયોમાઇનિંગ પ્રક્રિયામાંથી બહાર આવતી તમામ સામગ્રીને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવી હતી. સિમેન્ટ ફેક્ટરી અને રોડ બનાવવા માટે રિસાયક્એબલ પોલિએથિન આપવામાં આવી. આ પ્રક્રિયામાં એકત્રિત થયેલી માટીનો ઉપયોગ ફરીથી જમીનને ભરવા માટે કરવામાં આવ્યો.

ઇન્દોર નગર નિગમના આ કાર્યથી એ વાત સાબિત થાય છે કે, તંત્ર અને આમ નાગરિકો સાથે મળીને શહેર અને ગામને યોગ્ય સંસાધનોની મદદ વડે સ્વચ્છ અને સુંદર બનાવી શકે છે. ભારતના બીજા અન્ય મોટા શહેરોમાં પણ આ પ્રકારે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય છે.

Leave a Reply