ટેસ્લા કંપનીના દરેક પેટન્ટ સાર્વજનિક હોવાનું યાદ અપાવતા એલન મસ્ક

Uncategorized

ટેસ્લાના સંસ્થાપક એલન મસ્ક પોતાની કંપની ટેસ્લાની દરેક પેટન્ટ સાર્વજનિક છે તેવું પોતાના ટ્વિટર અકાઉન્ટથી ૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના દિવસે દુનિયાને યાદ અપાવ્યું હતું. જો કે તેમણે પોતાના એક બ્લોગ દ્વારા ટેસ્લાના દરેક પેટન્ટ તારીખ ૧૨ જુન, ૨૦૧૪ ના રોજ સાર્વજનિક કરી દીધા હતા. પ્રદુષણ સામે લડવા ખાતર વધુમાં વધુ લોકોને આ વાતની જાણ થાય તે હેતુસર ફરીથી તેમણે જાહેરાત કરી હતી. પેટન્ટ સાર્વજનિક કરી દીધા હોવાથી તેમની કંપની દ્વારા વિકસાવવામાં આવેલી તકનીકોનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કરી શકે છે. તેમણે પોતાના બ્લોગ મારફતે જણાવ્યું હતું કે, પ્રદુષણ સામે લડવાના પ્રયાસના ભાગ સ્વરૂપે અમારી દરેક પેટન્ટને સાર્વજનિક કરવામાં આવશે તથા જે કોઈ પણ સારી ભાવનાથી અમારી તકનીકનો ઉપયોગ કરવા ઈચ્છે છે, તે કરી શકે છે, અમે તેના વિરુદ્ધ કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરીશું નહીં.

ઇલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં ટેસ્લા વિશ્વની અગ્રણી કંપની છે. કોર્પોરેટ વિશ્વમાં કંપનીઓ પોતાના ફાયદા માટે નાનામાં નાનો આઈડિયા પણ સુરક્ષિત રાખતી હોય છે, તેવામાં એલન મસ્કનું આ પગલું ક્રાંતિકારી માનવામાં આવી રહ્યું છે. તેઓ કહે છે કે ટેક્નોલોજીને છુપાવવાથી કોઈ ફાયદો થશે નથી અને તેના દરવાજા દરેક માટે ખોલવાથી જ દુનિયાનું ભલું થશે. એલન મસ્કના આ કદમથી આમ લોકોને તેમની શોધ સુધી પોંહચવું સરળ બનશે અને પ્રદુષણ સામે લડવામાં મદદ મળશે.

ફોર્બ્સના જણાવ્યા અનુસાર, એલન મસ્ક વિશ્વના ૨૫ માં ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ છે અને તેમની સંપત્તિ ૨૦.૧ અબજ ડોલર છે. એલન મસ્ક દક્ષિણ આફ્રિકન મૂળના કેનેડિયન-અમેરિકન એન્જિનિયર અને સંશોધક છે. ટેસ્લા નામની કંપની શરૂ કરીને પેટ્રોલ-ડિઝલના ઉપયોગ વિના ચાલનારી ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવીને દુનિયાને તેમણે એક અનોખી ભેટ આપી હતી. ટેસ્લા આજે કાર બનાવતી વિશ્વની સૌથી એક્સાઈટિંગ કંપની ગણાય છે.

એલન મસ્કની વધુ એક કંપનીનું નામ સ્પેસ-એક્સ(સ્પેસ એકસ્પ્લોરેશન) છે. આ કંપની રોકેટ બનાવે છે, જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નામના કાયમી અવકાશી મથકમાં કામ કરતાં અવકાશયાત્રીઓ માટે જરૂરી માલસામાન પૃથ્વી પરથી મોકલે છે. નાસા જેવી દિગ્ગજ સંશોધન સંસ્થા પણ આ ખાનગી કંપનીની મદદ લે છે.

તે ઉપરાંત એલનની એક બીજી કંપની સોલર સિટી છે જે ઈકો ફ્રેન્ડલી એનર્જી અને એનર્જી સ્ટોરેજના ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે. તે ઉપરાંત હાલમાં તેઓ યાત્રાને આંખના પલકારામાં પૂરી કરવા માટે હાઈપરલૂપ નામની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવી રહ્યાં છે. જે ટેકનોલોજી દ્વારા લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ રોકેટની સ્પિડથી યાત્રા કરી શકશે.

Leave a Reply