ભારતીય વાયુસેનાએ પોતાના વિમાનમાં બાયો-ફ્યુઅલનું સફળ પરીક્ષણ કર્યું

Uncategorized

પ્રદુષણ સામે લડવાના ભાગરૂપે તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પોતાના વિમાનમાં બાયોફ્યુઅલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ સાથે ભારતીય વાયુસેનાએ પહેલી વખત મિશ્રિત બાયો-જેટ ઈંધણનો ઉપયોગ કરીને એએન-૩૨ ટ્રાન્સપોર્ટર એરક્રાફ્ટને બેંગલુરુથી ઉડાણ ભરાવવામાં સફળતા મેળવી છે.

આ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(ડીઆરડીઓ), ડીરેક્ટોરેટ જનરલ એરોનોટિકલ ક્વોલિટી એસ્યોરન્સ(ડીજીએક્યુએ) અને સીએસઆઈઆર-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમના સંયુક્ત પ્રયાસો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાના વડા બીએસ ધનોઆ એ ૨૭મી જુલાઈએ બાયો-જેટ ઈંધણને વધુને વધુ ઉપયોગમાં લેવાની જાહેરાત કરી હતી.

બાયોફ્યુઅલ કેટલાક પ્રકારના પાકમાંથી, તથા પરોક્ષ રીતે કૃષિ, સ્થાનિક અથવા ઔદ્યોગિક કચરામાંથી મેળવી શકાય છે. સામાન્ય રીતે નવીનીકરણીય બાયોફ્યુઅલ્સમાં સમકાલીન કાર્બન ફિક્સેશનનો સમાવેશ થાય છે, જે રીતે પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા દ્વારા છોડમાં થાય છે. બાયોમાસના ઉપયોગ અથવા રૂપાંતરણ દ્વારા બીજા અન્ય નવીનીકરણીય બાયોફ્યૂઅલ્સ પણ બનાવવામાં આવે છે. બાયોફ્યૂઅલ્સના ઉપયોગ થી કાર્બન ઉત્સર્જન ઘણા અંશે ઘટાડી શકાય છે.

નોંધનીય બાબત છે કે ઓગષ્ટ મહિનામાં કોમર્શિયલ એરલાઈન્સ સ્પાઈસ જેટે વિમાનમાં બાયો-જેટ ફ્યુઅલ દ્વારા દેહરાદૂન-દિલ્હીની વચ્ચે ઉડાણનું સફળ પરીક્ષણ કર્યું હતું. આની સાથે જ ભારત એ ખાસ દેશોની શ્રેણીમાં સામેલ થઈ ગયુ હતું જેમણે બાયો-ફ્યુલ સાથે કોઈ પ્લેનને ઉડાવ્યુ હોય.

કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા વિકસિત દેશ આવુ કરી ચૂક્યા છે પરંતુ વિકાસશીલ દેશોમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત પહેલો દેશ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જ દુનિયાની પહેલી બાયોફ્યુઅલ ફ્લાઈટે લોસ એન્જેલિસથી મેલબર્ન માટે ઉડાણ ભરી હતી.

Leave a Reply