પૃથ્વીના સુરક્ષા કવચ સમાન ઓઝોનના સ્તરમાં મળી આવેલ સુધારાના સંકેતો

Uncategorized

તાજેતરના એક રિપોર્ટ અનુસાર ધરતીના સુરક્ષા કવચ એવા ઓઝોનના પડમાં વિવિધ હાનિકારક તત્ત્વોના કારણે પડેલા ગાબડાઓમાં સુધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં વધુ પડતા ક્લોરોફ્લોરોકાર્બન(સીએફસી) અને હેલોન જેવા નુકશાનકારક ઘટકો ઓઝોનના સ્તરના નુકશાન માટે જવાબદાર હતા જેનો સામાન્ય રીતે એરોસોલ્સ અને રેફ્રિજરેટર્સમાં ઉપયોગ થતો હતો.

ઓઝોનનું પડ ૧૯૭૦ના દાયકા બાદ નબળું પડી ગયું હતું અને તેનું વૈજ્ઞાનિકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેને પગલે ૧૯૭ જેટલા દેશોએ વર્ષ ૧૯૮૭માં થયેલા ‘મોન્ટ્રીયલ પ્રોટોકોલ’ હેઠળ આવા નુકશાનકારક કેમિકલ્સનો ઉપયોગ ધીરે ધીરે ઓછો કરી દીધો હતો.

એક વૈજ્ઞાનિક તારણ પ્રમાણે વર્ષ ૨૦૩૦ સુધીમાં ઉત્તર ગોળાર્ધ ઉપર ઓઝોનનુ ઉપરી પડ સમગ્ર રીતે પહેલાની માફક તૈયાર થઈ જશે. એન્ટાર્ટિકા પરનું ઓઝોનનું ગાબડું ૨૦૬૦ સુધી પુરાઈ જવાની આશા છે, તથા દક્ષિણ ગોળાર્ધમાં આ પ્રક્રિયા ધીમી હોવાથી તેનુ ઓઝોન સ્તર સદીના મધ્ય સુધીમાં પુરાવાની આશા છે.

નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરના પ્રમુખે કહ્યું હતું કે, "હકીકતમાં આ ઘણા સારા સમાચાર છે. જો ઓઝોન પડને તોડનારા તત્ત્વો વધી ગયા હોત તો આપણને ભયાવહ અસરોનો સામનો કરવો પડયો હોત. આપણે તેને રોકવામાં કેટલાક અંશે સફળ થયા છીએ. ઓઝોન પૃથ્વીના વાયુમંડળની જેમ છે, જે પૃથ્વીને સૂર્યના ખતરનાક યુવી કિરણોથી બચાવે છે. યુવી કિરણો ત્વચાના કેન્સર, ખેતીના નુકસાન અને અન્ય સમસ્યાઓ માટે જવાબદાર હોય છે."

આજે જો કે ક્લોરોફ્લોરોકાર્બન(સીએફસી)નો ઉપયોગ નહીવત થઈ ગયો છે પરંતુ તેની જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થો જેમ કે હાઇડ્રોફ્લોરોકાર્બન્સ(એચએફસી) પણ ઘણા અંશે વાતાવરણમાં થઈ રહેલા બદલાવ તથા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર સાબિત થયા છે જેનો મોટે ભાગે ઉપયોગ રેફ્રિજરેટર, એર-કંડીશન, વગેરેમાં થાય છે. આ અંતર્ગત ગ્લોબલ વોર્મિંગને અંકુશમાં લેવા માટે અગાઉના મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં વિવિધ ઉમેરાઓ સાથે ૧ જાન્યુઆરી, ૨૦૧૯થી ૬૫ દેશો વચ્ચે થયેલો ‘કિગાલી કરાર’ અમલમાં મુકાઈ ગયો છે. જેના પ્રમાણે આગામી ૩૦ વર્ષોમાં ૮૦ ટકાથી વધુ હાઇડ્રોફ્લોરોકાર્બન(એચએફસી)ના ઉત્પાદન અને વપરાશને ઘટાડી તેની જગ્યાએ સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. યુએનએ આ સાથે જણાવ્યું હતું કે તેને આશા છે કે નજીકમાં વધુ રાષ્ટ્રો આ સુધારાને સમર્થન આપશે.

પોઝિટિવ ન્યૂઝ ના એક આર્ટિકલ પ્રમાણે યુએનના ઓઝોન સચિવાલયના એક્ઝિક્યુટિવ સેક્રેટરી ટીના બર્મપીલીએ જણાવ્યું હતું કે, "આપણે ઓઝોનના સ્તરને કેવી રીતે સુરક્ષિત રાખ્યું છે તેના પર ગર્વ અનુભવીએ છીએ, પરંતુ હવે આપણે કિગાલી કરાર હેઠળ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે શું કરી શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ."

Leave a Reply