અમેરિકામાં ગરીબોને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવા પુરી પાડવા માટે હોસ્પિટલની શરૂઆત કરતો ડૉક્ટરોનો એક સમૂહ

Uncategorized

અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલા ટોલેડો શહેરમાં મુસ્લિમ ડૉક્ટરોના એક સમૂહે આમ લોકો માટે મફત સ્વાસ્થ સેવા માટે એક હોસ્પિટલની શરૂઆત કરી છે. આ હોસ્પિટલનો મુખ્ય હેતુ ગરીબોની મદદની સાથે સાથે લોકોમાં હકારાત્મકતા અને માનવતા જગાડવાનો છે.

ફુલ્ટન કાઉન્ટી આરોગ્ય કેન્દ્રના ઈમરજન્સી વોર્ડના એક ડૉકટર સુલેમાન અબાવીએ ધ બ્લેડ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, "અમે કેટલાક ડૉકટર મિત્રોએ એક મુલાકાત દરમિયાન વિચાર્યું કે આપણે એવી કોઈ તક શોધવી જોઈએ કે જેના દ્વારા આપણે આપણા સમુદાય તથા પાડોશીઓને તેમના હકો અને સુવિધાઓ પરત આપી શકીએ અને ત્યારે જ એક નિઃશુલ્ક હોસ્પિટલ બનાવવાનો વિચાર ઉદ્ભવ્યો.”

આ ડૉક્ટરોના સમૂહે શરૂઆતમાં આશ્રયસ્થાનમાં રહેતા બેઘર લોકોને સારવાર આપવાની શરૂઆત કરી, ત્યાર પછી ઉત્તરી ટોલેડોની મસ્જિદ અલ-ઈસ્લામમાં અનિયમિત રીતે કેમ્પનું આયોજન કરવાની શરૂઆત કરી. એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. મહેમુદ મુસાએ પોતાની ઓફિસમાં હોસ્પિટલ માટે જગ્યા ફાળવી આપી. ત્યાર બાદ આ જગ્યા ઉપર હલીમ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી. હોસ્પિટલને સ્થાનિક નિષ્ણાતો સાથે જોડવા માટે પણ કામ કરી રહ્યું છે જે મફત અથવા ઓછા ખર્ચે દર્દીઓને તબીબી સેવા આપી શકે.

હોસ્પિટલમાં મદદ કરવા માટે ટોલેડો કોલેજ ઓફ મેડિસિન એન્ડ લાઇફ સાયન્સ યુનિવર્સિટીના કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓ પણ અહીં આવે છે. મેડિકલ સ્ટુડન્ટ સબિન સિદ્દીકીએ ધ બ્લેડને જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે આરોગ્ય આપણા માટે કેટલું મહત્ત્વપૂર્ણ છે. જો તમને શરદી અથવા હાઈબ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ છે, તો તમારે કામ પર જવા અને પોતાના પરિવારની સારસંભાળ રાખવા પહેલા પોતાનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. જો તમે સ્વસ્થ નથી તો તમારી પાસે જાણે કે કંઈ જ નથી.”

toledo

હોસ્પિટલના નામ હલીમનો અર્થ સહનશીલતા અને શાંતિ થાય છે, ડોક્ટર અબાવીએ જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિની જેમ અમે પણ સમાજનો એક ભાગ છીએ. અમે પોતાના સમૂદાયની ચિંતા કરીએ છીએ અને પોતાના પાડોશીઓની સંભાળ રાખીએ છીએ. અમારી પ્રતિભા, ક્ષમતાઓ અને શિક્ષણને પરત સમાજને આપવા માટે તેનો ઉપયોગ કરવાની આનાથી સારી પદ્ધતિ શું હોઈ શકે?”

આજે સારવાર ખુબ જ ખર્ચાળ બની ગઈ છે ત્યારે આ હોસ્પિટલ આર્થિક રીતે પછાત લોકો માટે સારવાર માટે મફત સુવિધા પુરી પાડી મદદ કરી રહી છે. ડૉકટરોના સમૂહ દ્વારા શરુ કરવામાં આવેલ આ હોસ્પિટલ સમાજ માટે એક પ્રેરણા સમાન છે.

Leave a Reply