સૌર ઉર્જાનું ઉત્પાદન કરી આવકમાં વધારો કરતા ખેડાના ઢુંડી ગામના ખેડૂતો

Gujarati Uncategorized

ગુજરાતના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ઢુંડી ગામના કિસાનોએ સોલાર ઊર્જા પ્લાન્ટ નાખી સ્વાવલંબનનુ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે. આ પ્લાન્ટ માટે કિસાનોને પ્રેરીત કરી બે વર્ષ અગાઉ તેનું કામકાજ શરુ કરવામાં આવ્યું હતું.

ઢુંડી ગામમાં રહેતા પ્રવિણભાઈ પુંજાભાઈ પરમાર માત્ર ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે, અને દરજી કામ કરી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ભૂતકાળમાં તેઓ ઠાસરા તાલુકા પંચાયતમાં મનરેગામાં એફ.ઈ.એસ તરીકે કામગીરી કરતા હતા. આ દરમ્યાન ગામના ખેડુતોને સસ્તા ભાવે નિયમિત વિજળી મળે તેવો વિચાર તેમના મનમાં આવ્યો. અને તે માટે સૌર ઊર્જા પ્લાન્ટ ઊભો કરવાનો વિચાર કર્યો. આ વિચારને અમલમાં લાવવા ૬ ખેડૂતોને સાથે રાખી સૌર ઉર્જા સહકારી મંડળીની રચના કરી. જેમાંથી ઢુંડી ગામના ખેડૂતો ખેતરમાં સૌર ઊર્જા થકી ખેતરમાં પિયત કરી શકે તે મુજબની રચના કરવામાં આવી હતી.

આ ૯ ખેડૂતોના ખેતરોમાં ૮ કિલોવોટ થી ૧૦.૮ કિલોવોટ સુધીની સોલર પેનલ્સ અને પંપ લગાવવામાં આવ્યા છે. સૌર પંપની મદદથી ખેડૂતો સમયસર ખેતરોમાં સિંચાઈ કરી શકે છે, અને સિંચાઈ બાદ બાકી બચેલી સૌર ઉર્જાનું વેચાણ પણ કરે છે.

solar

આ પ્લાન્ટ સરકારની સહાય વગર સ્વખર્ચે વર્ષ ૨૦૧૫માં નાખવામાં આવ્યો હતો, અને મે ૨૦૧૬ માં વીજ ઉત્પાદનનું વેચાણ ચાલુ કરતાં જ ૩,૭૦,૦૦૦ ની આવક થઈ હતી. આજે આ મંડળી મધ્ય ગુજરાત વીજ કંપનીને સૌર ઉર્જાનું વેચાણ કરી રહી છે. અને કિસાનોનેે એમ.જી.વી.સી.એલ કંપનીએે ૨૫ વર્ષ સુધી સૌર ઊર્જા ખરીદવાનો કોન્ટ્રાક્ટ કરી આપ્યો છે. જાન્યુઆરી ૨૦૧૬ થી મે ૨૦૧૭ સુધીમાં ડી.એસ.યુ.યુ.એસ દ્વારા ૧ લાખ યુનિટ સૌર ઊર્જા પેદા કરવામાં આવી હતી. જે પૈકી ૪૩,૮૯૭ યુનિટ ઉર્જાનો ઉપયોગ પોતાના પાકની સિંચાઈ માટે અને આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે કરવામાં આવ્યો હતો. જ્યારે ૫૨,૧૩૪ યુનિટ ઉર્જા એમ.જી.વી.સી.એલ કંપનીને વેચાણ કરવામાં આવી હતી. આ પ્લાન્ટ થકી ખેડૂતો આર્થિક રીતે પગભર બનતા મંડળીમાં બીજા ત્રણ કિસાનો પણ જોડાયા હતા.

ઢુંડી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત માટે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારમાં હાલ ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અવાર-નવાર આવી રહ્યા છે. ગુજરાત સરકારે ઢૂંડી ગામના આ સફળ પ્રયાસના આધારે ‘સૂર્યશક્તિ કિસાન યોજના’ની પણ શરૂઆત કરી છે. ગુજરાતની ૩૩ જીલ્લાઓમાં આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના અનુસાર, આ જીલ્લાઓમાંના ખેડૂતો તેમના ખેતરોમાં સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે જેને તે સાત વર્ષ માટે સરકારની પાવર કંપનીઓને એકમ દીઠ સાત રૂપિયાના ભાવે વેચી શકે છે. પરિણામે આશરે ૧૨,૫૦૦ ખેડૂતોને લાભ થવાની શક્યતાઓ છે. આ યોજના વીજળીની અછતને ઓછી કરવાની સાથે સાથે ખેડૂતોની આવકનું સાધન પણ બનશે.

Leave a Reply