જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલાને સમયસર હોસ્પિટલ પહોંચાડતા સૈન્યના જવાનો

જમ્મુ-કાશ્મીરમાં ઘાટીના બંદીપોરમાં ૮ ફેબ્રુઆરીના રોજ ઉત્તર કશ્મીરમાં ભારે બર્ફવર્ષા થઈ રહી હતી ત્યારે બંદીપુર જિલ્લામાં સ્થિત પનાર આર્મી કેમ્પના કમાન્ડરને ફોન આવ્યો હતો, જેમાં નજીકમાં આવેલા ગામના એક નિવાસીએ તેની ગર્ભવતી પત્ની ગુુલશના બેગમને હોસ્પિટલમાં પહોંચાડવા માટે સૈન્યની મદદ માંગી હતી. ભારે હિમવર્ષા થવાને લીધે રસ્તો બંધ હોવા છતાં તરત જ ‘બંદીપોર રાષ્ટ્રીય રાયફલ’ના જવાનો આ ગર્ભવતી મહિલાના ઘરે પહોંચી તેને સમયસર સબ-ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં પહોંચાડી હતી.

એક અધિકારીના કહેવા અનુસાર, બરફવર્ષાને લીધે રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા હતા, જેનાથી ગાડીઓને લઈ જવી અશકય હતી. પરંતુ જવાનોએ સમયસર મહિલાના ઘરે આવી પહોંચી રસ્તા પર કમર સુધી જામેલા બરફને પાર કરી તેને અઢી કિલોમીટર સુધી સ્ટ્રેચર પર લઈ ગયા હતા, જેના પછી એમ્બ્યુલેન્સ દ્વારા મહિલાને બંદીપુર જિલ્લા હોસ્પિટલ સુધી પહોંચાડી હતી.

જવાનો દ્વારા મહિલાને હોસ્પિટલ લઈ જતા પહેલા જ સેનાના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે વાતચીત કરીને ત્યાં ડોક્ટરોની વ્યવસ્થા કરી નાખી હતી. મહિલાની પ્રાથમિક તપાસ બાદ ઓપરેશન કરવાની જરૂર જણાતા તેને શ્રીનગર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં આ મહિલાએ જુડવા બાળકીઓને જન્મ આપ્યો હતો.

એવી જ એક અન્ય ઘટના બારામુલામાં પણ જોવા મળી હતી, જ્યાં રફીયાબાદમાં જમ્મુ-કાશ્મીર પોલીસના યુવાનોએ એક ગર્ભવતી મહિલાને પોતાના સર્વિસ વાહનમાં હોસ્પિટલ સુધી પહોંચાડી હતી.

Leave a Reply