જૈતૂનના બીજમાંથી બાયોપ્લાસ્ટિકનું નિર્માણ કરતા તુર્કીના સંશોધક

Gujarati Uncategorized

આજે પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકશાન જગજાહેર છે. મહાસાગરો પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં ફેરવાઈ રહ્યા છે જેના કારણે અસંખ્ય દરિયાઈ જીવો પોતાના જીવ ઘુમાવી રહ્યા છે. તે ઉપરાંત જમીન પર રહેતા માણસો તથા પ્રાણીઓ પણ તેનાથી થતા ઘણા નુકશાન વેઠી રહ્યા છે. પરંતુ આપના જીવનમાં પ્લાસ્ટિક એટલી હદ સુધી મહત્વપૂર્ણ બની ગયું છે કે પ્લાસ્ટિક વગર આજે જીવનની કલ્પના પણ કરી શકાતી નથી.

પ્લાસ્ટિકના વિનાશથી બચવા માટે દુનિયાભરમાં તેના વિકલ્પ માટે પ્રયાસો અને સંશોધનો થઈ રહ્યા છે. આવા જ એક પ્રયાસ દ્વારા તુર્કીના ઈસ્તાંબુલમાં રહેતા ત્રણ સંશોધકોએ કુદરતી રીતે બાયોપ્લાસ્ટિક બનાવવાનો એક નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. દુય્ગુ યિલ્માઝ, મેહમેત અમીન ઓઝ અને એહમેત ફ્તીહ અયાસ નામના સંશોધકોની આ ટીમે જૈતૂનના બીજમાંથી પ્લાસ્ટિક તૈયાર કરી પર્યાવરણ માટે સુરક્ષિત એવો એક નવો વિકલ્પ દુનિયા સમક્ષ રજુ કર્યો છે.

બાયોપ્લાસ્ટિકનું નિર્માણ જૈતૂનના બીજમાં રહેલા સેલ્યુલોઝની મદદ દ્વારા કરવામાં આવે છે. મેહમેત અમીન ઓઝ બીબીસી ફ્યુચર સાથે ચર્ચા દરમિયાન કહે છે કે, "અમારું ઉત્પાદન ખાસ છે, કારણ કે અમે આ પ્લાસ્ટિક જૈતૂન તેલની ફેક્ટરીઓમાંથી નીકળતા કચરાને રિસાયકલ કરીને બનાવીએ છીએ."

જૈતૂનના બીજમાંથી તૈયાર થઇ રહેલા આ બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ અને ફૂડ પેકેજિંગ ઉદ્યોગોમાં કરવામાં આવી રહ્યો છે. એક અંદાજ અનુસાર જૈતૂનના બીજમાંથી તૈયાર કરવામાં આવેલ એક કિલો બાયોપ્લાસ્ટિક ૬ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડે છે.

ત્રણ મિત્રોએ શરૂઆતમાં એક નાની પ્રયોગશાળા બનાવી હતી, જ્યાં તેમના ઘણા પ્રયોગો નિષ્ફળ ગયા હતા. પરંતુ હિંમત હાર્યા વગર તેમણે તેમના પ્રયત્નો ચાલુ રાખ્યા અને અંતે તેઓ બાયોપ્લાસ્ટિક બનાવવામાં સફળ રહ્યા. આજ સુધી તેઓ ૫ ટન જૈતૂનના બીજમાંથી ૩.૫ ટન પ્લાસ્ટિક બનાવી ચુક્યા છે અને આજે તેઓ પોતાની ‘બાયોલાઈવ’ નામક સંસ્થા ચલાવે છે.

Leave a Reply