દેશના વિવિધ ક્ષેત્રોમાં રહેતા કાશ્મીરીઓ માટે સહાયક બની સીઆરપીએફની હેલ્પલાઇન ‘મદદગાર’

Gujarati Uncategorized

કાશ્મીરમાં થોડા દિવસ પહેલા સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. આ ઘટનાની પ્રતિક્રિયા રૂપે દેશના જુદા જુદા ભાગોમાં રહેતા કાશ્મીરીઓ સાથે કથિત સતામણીના અહેવાલો સામે આવી રહ્યા છે, જેને પગલે સીઆરપીએફ દેશમાં જુદી જુદી જગ્યાએ રહેતા કાશ્મીરીઓની ‘મદદગાર’ નામક હેલ્પલાઇન નંબર- ૧૪૪૧૧ દ્વારા મદદ કરી રહી છે. આ હેલ્પલાઇનની મદદથી સીઆરપીએફ દ્વારા આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચવામાં આવ્યા છે.

પુલવામા હુમલા બાદ દેશભરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા કાશ્મીરના વિદ્યાર્થીઓ પર અરાજકતા ફેલાવનાર તત્વો દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા હતા. જેના પગલે દેશભરમાંથી ઘણા કાશ્મીરી વિદ્યાર્થીઓએ ચિંતિત થઈને કાશ્મીર પાછા જવાનુ નક્કી કર્યુ હતુ. સીઆરપીએફે પોતાની મદદગાર નામની હેલ્પલાઈન થકી દેશના વિવિધ હિસ્સમાંથી કાશ્મીરી વિદ્યાર્થીઓને તેમના ઘર સુધી પહોંચાડયા હતા.

હાલ સુધી મદદગાર હેલ્પલાઈન પર દેશના વિવિધ રાજ્યોમાં રહીને કામ કરતા અથવા અભ્યાસ કરતા કાશ્મીરી યુવાનોએ મદદ માંગી હોય તેવા ૬૦ થી ૭૦ કિસ્સા જોવા મળ્યા છે. સીઆરપીએફ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ પ્રમાણે ૨૫૦થી વધુ કાશ્મીરી વિદ્યાર્થીઓને જમ્મુમાં ખાવા અને રહેવાની ગોઠવણ કરી આપવામાં આવી હતી, તથા તેમની એક પ્રેસ રિલીઝ મારફતે જણાવવામાં આવ્યું હતું કે આ વિદ્યાર્થીઓને દિલ્હી, દેહરાદૂન, ચંદીગઢ અને અન્ય સ્થળોથી જમ્મુ પહોંચ્યાડવામાં આવ્યા છે.

સીઆરપીએફના આઇજી (ઓપરેશન્સ) ઝુલ્ફિકાર હસનએ મંગળવારે જણાવ્યું હતું કે, "અમે કાશ્મીરની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતીની વિશેષ કાળજી લઈ રહ્યા છીએ." તેમણે કહ્યું કે બધું નિયંત્રણમાં છે અને જો કોઈ વિદ્યાર્થીને કોઈ સમસ્યા હોય તો તે હેલ્પલાઇન દ્વારા મદદ મેળવી શકે છે. સીઆરપીએફ દ્વારા આ હેલ્પલાઇન અંગેના પ્રચાર માટે ૧૦૦૦ જેટલા પોસ્ટર પણ દિલ્હીના વિવિધ ક્ષેત્રોમાં લગાવવામાં આવ્યા છે જ્યાં કાશ્મીરી લોકો નિવાસ કરે છે.

સીઆરપીએફ સાથે એક બિન સરકારી સંસ્થા ખાલસા એડ પણ કાશ્મીરી વિદ્યાર્થીઓને તથા કર્મચારીઓને સલામત રીતે કાશ્મીર પરત મોકલવામાં પણ મદદ કરી રહી છે. આ સંગઠનના સ્વૈચ્છિક વૉલીન્ટીયર જીવન જ્યોતે જણાવ્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓ દેહરાદૂનમાં ફસાયેલા હતા, જેમણે સંગઠનનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ અમારી એક ટીમ ચંદીગઢથી મોકલવામાં આવી હતી અને તેમને સલામત રીતે લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાશ્મીરની ૮ છોકરીઓને ફ્લાઇટ દ્વારા મોકલવામાં આવી હતી, જેનો સંપૂર્ણ ખર્ચ ખાલસા એડ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

Leave a Reply