જ્વાળામુખીથી તૈયાર થયેલ ટાપુ ઉપર જોવા મળતો કુદરતનો કરિશ્મો

Gujarati Uncategorized

કિંગ્ડમ ઑફ ટોંગામાં આવેલા ‘હુંગા ટોંગા-હુંગા હપાઈ’ નામનો નવનિર્મિત ટાપુ કે જેનું નિર્માણ ચાર વર્ષ પહેલાં ૨૦૧૫માં થયું હતું, આજે ત્યાં વૈજ્ઞાનિકોને જૈવ વિવિધતા મળી આવી છે. આ ટાપુનું નિર્માણ દરિયામાં એક વિસ્ફોટક જ્વાળામુખી ફાટતાં થયું હતું. આજે આ ટાપુ પર ફૂલો તથા બીજી અન્ય વનસ્પતિ ઉગી રહી છે અને પક્ષીઓનો કલરવ પણ સાંભળવા મળી રહ્યો છે. કિંગ્ડમ ઑફ ટોંગા પૂર્વ ઑસ્ટ્રેલિયામાં પેસિફિક મહાસાગરમાં આવેલા ૧૭૦ જેટલા ટાપુઓનો સમૂહ છે.

સી એજ્યુકેશન ઍસોસિએશન અને નાસાની એક નાની ટૂકડીએ વર્ષ ૨૦૧૮માં ઑક્ટોબર મહિનામાં આ ટાપુની મુલાકાત લીધી હતી જેના પૂર્વે તેઓ સેટેલાઇટની મદદથી ટાપુ પર નજર રાખી રહ્યા હતા. આ ટાપુ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે જેમાં હુંગા ટોંગા અને હુંગા હાપાઈ નામના બે નાનકડા ટાપુઓ પહેલેથી જ અલગ અલગ જગ્યાએ અસ્તિત્વ ધરાવતા હતા, તથા ત્રીજો ભાગ આ બંને ટાપુઓને જોડે છે જે આ જગ્યાએ દરિયામાંથી જ્વાળામુખી ફાટતા અસ્તિત્વમાં આવ્યો હતો. જ્યારે જ્વાળામુખીની રાખ ઠંડી પડી ગઈ, તે દરિયાના પાણીના સંપર્કમાં આવી અને એક મહિના બાદ આ નવા ટાપુનું નિર્માણ થયું હતું.

new-2
tapu2
new-3---Copy

દરિયાની અંદરથી જ્વાળામુખી ફાટવો અને તેમાંથી ટાપુ બનવો તે કોઈ અસામાન્ય બાબત નથી. આ પહેલા આવા ઘણા ટાપુઓ આ રીતે અસ્તિત્વમાં આવેલા છે. પરંતુ હુંગા ટોંગા-હુંગા હપાઈ ટાપુની વિશિષ્ટતા એ છે કે તે ઘણા મુલાયમ તથા આસાનીથી ધોવાણ થઈ જાય તેવી માટી તથા અન્ય પદાર્થોથી બનેલો હોવા છતાં દરિયાઈ પાણીથી તેનું ઝડપથી ધોવાણ થયું નથી અને હજુ પણ તેનું અસ્તિત્વ ટકી રહ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારના ટાપુઓનો જીવનકાળ ખુબ જ ટૂંકો રહેતો હોય છે.

નાસા સંશોધક ડેન સ્લેબેક એ વૈજ્ઞાનિકોમાંથી એક હતા કે જેમણે ઑક્ટોબરમાં ટાપુની મુલાકાત લીધી હતી. તેઓ ત્યાં ચીકણી માટીનો કાદવ જોઈ અચંબિત થઈને કહે છે કે, "વાસ્તવમાં અમને જરા પણ ખબર નહોતી કે આ શું છે અને હજુ સુધી હું ચકિત છું કે તે ક્યાંથી આવે છે."

આ અંગે વૉલ્કેનોલૉજિસ્ટ(જ્વાળામુખી અંગેનાં નિષ્ણાત) જેસ ફિનિક્સ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "આ કિસ્સામાં જ્વાળામુખીની રાખનું દરિયાઈ પાણી સાથે કોઈ કેમિકલ રિએક્શન થયેલું હોવું જોઈએ જેના કારણે આ ટાપુની ચટ્ટાનો સામાન્ય કરતા વધુ મજબૂતી ધરાવે છે." વૈજ્ઞાનિકોએ આ ટાપુ પરની ચટ્ટાનોના નમૂના પણ સાથે લીધા છે જેના રાસાયણિક વિશ્લેષણ દ્વારા તેમની મજબૂતીનું રહસ્ય જાણી શકાય.

Image Source: Nasa.gov

Leave a Reply