પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને પરત સોંપાતા બે દેશો વચ્ચેની તણાવભરી સ્થિતિમાં દેખાતા સુધારાના સંકેતો

Gujarati Uncategorized

પાકિસ્તાને શુક્રવારે રાત્રે ૯:૦૦ વાગ્યે ભારતીય પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વાઘા-અટારી સરહદથી ભારતને પરત સોંપ્યા હતા. સવારથી જ વાઘા-અટારી સરહદ પર અભિનંદનના આગમનને વધાવી લેવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ગુરૂવારે પાકિસ્તાનના સંયુક્ત સંસદને સંબોધન કરતા કહ્યું હતું કે, “શાંતિના પ્રતિક સ્વરૂપે શુક્રવારે બંધક બનાવાયેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારત સરકારને સોંપવામાં આવશે.” જે વાયદાને પાકિસ્તાન સરકારે નિભાવીને અભિનંદનને સુરક્ષિત રીતે ભારતમાં પરત મોકલી દીધા હતા.

સીમા પાર કરી અભિનંદનના ભારતમાં આવ્યા પછી ભારતીય વાયુસેનાના ઍર વાઇસ માર્શલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અભિનંદનને પાકિસ્તાને ભારતને સોંપી દીધા છે. અમે પ્રોટોકૉલ અંતર્ગત તેમને મેડિકલ તપાસ માટે લઈ જઈ રહ્યા છે. અમને આનંદ છે કે અભિનંદન હવે અમારી વચ્ચે પરત આવી ચૂક્યા છે. અભિનંદનને હવાઈ માર્ગે દિલ્હી લઈ જવામાં આવશે.” કેટલાક અહેવાલ અનુસાર સૌથી પહેલાં ઇન્ટરનેશનલ રૅડ ક્રૉસ સોસાયટી અભિનંદનને પોતાની સાથે લઈ જશે અને તેમની સંપૂર્ણ તપાસ કરશે. તેમના દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. જેના પછી ઈન્ટેલિજેન્સ ડીબ્રીફ્રિંગ કરી સરકારને તે અંગે રિપોર્ટ કરવામાં આવશે.

જયારે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનના કબજા હેઠળ હતા ત્યારે તેમનો પૂછપરછનો વીડિયો પાકિસ્તાની સેનાના માહિતી અને પ્રસાર પ્રધાને પોસ્ટ કર્યો હતો, જેમાં અભિનંદનને ચા પીતા દેખાડવામાં આવ્યા હતા. વિડીઓમાં તેમણે પાકિસ્તાની સેનાની મહેમાનગતિ માટે આભાર માન્યો હતો તથા પોતાને હિંસક ભીડથી બચાવવા બદલ પાકિસ્તાની સેનાના કૅપ્ટનનો પણ વિડીઓમાં આભાર માન્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને કારણે દિલ્હી અને લાહોર વચ્ચે દોડતી સમજૌતા એક્ષ્પ્રેસની સેવા સ્થગિત કરવામાં આવી હતી જેને આજે ફરીથી રાબેતા મુજત શરુ કરી દેવામાં આવી છે. અભિનંદનના ભારત પરત ફરવાથી બંને દેશો વચ્ચેની રાજકીય પરિસ્થિતિમાં સુધારો આવવાની શક્યતામાં વધારો થયો છે અને વાતચીતના બારણાં ફરી ખુલવાની સંભાવના દેખાઈ રહી છે. આશા છે કે નજીકના ભવિષ્યમાં જલ્દીથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો માં સુધારો આવશે અને બંને દેશોમાં શાંતિની સ્થાપના થશે.

Leave a Reply