લંડનમાં જાહેર પરિવહનની જગ્યાઓ પર જંક ફૂડની જાહેરાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો

Gujarati Uncategorized

લંડનમાં નાગરિકોની સ્વસ્થતાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને પ્રસાશન દ્વારા જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેના ભાગ રૂપે આ અઠવાડિયે લંડન અંડરગ્રાઉન્ડ, ઓવરગ્રાઉન્ડ, બસો અને બસ સ્ટેન્ડ ઉપરથી વધુ પડતા ચરબી, નમક અને ખાંડયુક્ત ખાદ્યપદાર્થો અને પીણાંની જાહેરાતોના પોસ્ટરો દૂર કરવાનું શરૂ કરવામાં આવશે. ‘પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ’ હેઠળ તૈયાર કરવામાં આવેલ ગાઇડલાઇન પ્રમાણે જે પણ ખાદ્યપદાર્થ અને પીણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી દરેક વસ્તુઓને આ નવા નિયમ હેઠળ આવરી લેવામાં આવશે. સ્વસ્થ અને બિનહાનિકારક ખોરાક જેવાકે કૃત્રિમ નમક વગરના નટ્સ, કિસમિસ અને ખાંડ-મુક્ત પીણાં જેવા ઉત્પાદનોને આ નિમયથી મુક્ત રાખવામાં આવ્યા છે.

લંડનમાં આજે સમગ્ર યુરોપની સરખામણીમાં મોટાપાની સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. નાના બાળકોમાં સ્થૂળતા અને મોટાપો એક બીમારી બની ગઈ છે. એક ચિતાજનક મુદ્દો એ પણ છે કે મોટાપાથી ઝૂઝતાં લોકોમાં ૪૦ ટકાથી પણ વધુ ૧૦ થી ૧૧ વર્ષના બાળકોનો સમાવેશ થાય છે.

લંડનના મેયર સાદિક ખાને મીડિયા સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, “હું એ વાત પર સ્પષ્ટ છું કે, જાહેરાતો આપણી પસંદગીમાં મોટો ભાગ ભજવે છે, પછી ભલે આપણે તેને અનુભવીએ કે નહીં. લંડન જેવા સમૃદ્ધ શહેરમાં તમે ક્યાં રહો છો અને તમે કેટલી રકમની કમાણી કરી રહ્યા છો તે મહત્વનું નથી, પરંતુ તમે તે રકમ તંદુરસ્ત જીવન, પોષણ યુક્ત ખોરાક ઉપર ખર્ચ કરી રહ્યા છો કે નહીં તે મહત્વનું છે. નાગરિકોના જીવન સુધારણા કાર્યક્રમ હેઠળ હું આ બદલાવ માટે મક્કમ છું. લંડનના લોકોએ મારા આ ફેંસલાને સ્વીકારી તેનું સમર્થન બતાવ્યું છે, અમે રાજધાનીમાં બાળ સ્થૂળતાના ‘ટિકીંગ ટાઇમ બૉમ્બ’ ને કાબૂમાં રાખવા માંગીએ છીએ.”

જંક ફૂડની જાહેરાતો પર બસો, ટ્યુબ નેટવર્ક, ટીએફએલ દ્વારા સંચાલિત ટ્રેન નેટવર્ક્સ તથા તેના દ્વારા નિયંત્રિત રસ્તાઓ અને બસ સ્ટોપ્સ ઉપરાંત ટેક્સીઓ, ખાનગી ભાડાનાં વાહનો, ડાયલ-એ-રાઇડ, નદી સેવાઓ, અમીરાત એરલાઇન કેબલ કાર, વિક્ટોરિયા કોચ સ્ટેશન વગેર સ્થળો ઉપર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવેલ છે.

મેયર ઓફિસ તરફથી જણાવ્યું હતું કે, “મેયરને વિશ્વાસ છે કે આ ફેરફારો માત્ર બાળકોને જંક ફૂડની જાહેરાતના સંપર્કમાં આવતા રોકશે જ નહિ, પરંતુ લંડનવાસીઓને પોતાને અને તેમના પરિવારો માટે પૌષ્ટિક ખોરાકની પસંદગી કરવા માટે પણ આત્મનિર્ભર બનાવશે.”

Leave a Reply