અયોધ્યા જમીન વિવાદ ઉકેલવા સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવી ત્રણ મધ્યસ્થીઓની પેનલ

Gujarati Uncategorized

સુપ્રીમ કોર્ટે શુક્રવારે અયોધ્યા જમીન વિવાદને ઉકેલવા માટે ત્રણ મધ્યસ્થીઓની પેનલ બનાવી છે. રિટાયર્ડ જસ્ટિસ ફકીર મોહમ્મદ ઇબ્રાહીમ કલીફુલ્લાના નેતૃત્વમાં બનેલી આ પેનલમાં આર્ટ ઑફ લિંવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુનો સમાવેશ કરવામાં આવ્યો છે. મધ્યસ્થતાની આ સમગ્ર પ્રક્રિયા દરિમયાન તેના મીડિયા પ્રસારણ પર પણ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પેનલને મધ્યસ્થીની સંપૂર્ણ પ્રક્રિયા માટે ૮ અઠવાડિયાનો સમયગાળો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત પેનલને ચાર અઠવાડિયા બાદ આ મામલે થયેલી પ્રગતિનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

કોર્ટે આ મધ્યસ્થી પેનલમાં સામેલ લોકોને જો જરૂર પડે તો વધારે લોકોને પણ સામેલ કરવાની મંજૂરી આપી છે. અદાલતે આદેશ આપ્યો છે કે મધ્યસ્થતા બંધ રૂમમાં અને સંપૂર્ણ રીતે ગોપનીય રીતે કરવામાં આવે. કોર્ટના આદેશ પ્રમાણે મધ્યસ્થતાની સંપૂર્ણ કાર્યવાહી ફૈઝાબાદમાં કરવામાં આવશે.

justis

મધ્યસ્થતા માટે બનાવેલી પેનલનું નેતૃત્વ કરનારા જસ્ટિસ ઇબ્રાહીમ કલીફુલ્લા તમિલનાડુના કરાઈકુંડી ગામના વતની છે. તેમણે વર્ષ ૧૯૭૫માં વકાલતની શરૂઆત કરી હતી અને ગરીબ મજદૂર લોકોના હક માટે લડાઈ લડી હતી. વર્ષ ૨૦૦૦માં તેમની મદ્રાસ હાઈકોર્ટમાં કાયમી જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૧૧માં તેમની જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૨ જુલાઈ ૨૦૧૬માં તેઓ નિવૃત્ત થયા હતા.

શ્રી શ્રી રવિશંકરનો જન્મ વર્ષ ૧૯૫૬માં તામિલનાડુના પાપનાસમ ગામમાં એક તમિલ ઐય્યર પરિવારમાં થયો હતો. તેઓ એક આધ્યાત્મિક ગુરુ છે અને તણાવમુક્ત અને હિંસામુક્ત જગતની તેઓ વકાલત કરે છે. શ્રી શ્રી રવિશંકરે આર્ટ ઑફ લિવિંગ અને ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ફૉર હ્યુમન વૅલ્યુસની સ્થાપના કરી છે. શ્રી શ્રી રવિશંકરે પહેલાંથી જ એ સૂચન કરી ચૂક્યા છે કે અયોધ્યા વિવાદનો ઉકેલ કોર્ટની બહાર મધ્યસ્થી દ્વારા લાવવામાં આવે.

શ્રીરામ પંચુ એક વરિષ્ઠ વકીલ અને જાણીતા મધ્યસ્થી છે. તેઓ તમિલનાડુના પાટનગર ચેન્નઈથી આવે છે. તેઓ ‘ધી મીડિએશન ચૅમ્બર્સ’ના સંસ્થાપક પણ છે. આ સંસ્થા વિવાદોના ઉકેલ અને તેમાં મધ્યસ્થતા માટે જાણીતી છે. તેઓ ‘ઍસોસિએશન ઑફ ઇન્ડિયન મીડિયેટર્સ’ના અધ્યક્ષ પણ છે. તેમણે વર્ષ ૨૦૦૫માં ભારતમાં પ્રથમ એવું મધ્યસ્થતા કેન્દ્ર બનાવ્યું જે અદાલત સાથે સંકળાયેલું હતું. શ્રીરામ પંચુએ ભારતીય કાયદા વ્યવસ્થા અને અન્ય મામલાઓમાં મધ્યસ્થની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. પંચુએ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં અનેક વ્યાપારિક અને વ્યવસાયોને લગતા વિવાદોની પતાવટ કરી છે. તેમણે પારિવારિક સંપત્તિના વિવાદોથી લઈને દેવાળું, વેપારી વિવાદો તથા આઈટીને લગતા વિવાદો અને બૌદ્ધિક સંપદા સાથે જોડાયેલા મામલામાં સફળતાપૂર્વક મધ્યસ્થતા કરી છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઘણા લોકોએ વધાવી લીધો હતો અને આશા વ્યક્ત કરી હતી કે જલ્દીથી આ સમસ્યાનો ઉકેલ આવશે અને દેશમાં હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચેના સંબંધો હજુ વધુ સારા બનશે.

Leave a Reply