લખનૌના લોકોએ કાશ્મીરી લોકોનો સાથ આપી કરાવ્યો અસલ ભારતનો પરિચય

થોડા દિવસ પહેલા લખનૌમાં એક કાશ્મીરી વ્યક્તિ સાથે કેટલાક લોકોનો મારપીટ કરતો વિડીયો વાયરલ થયો હતો. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી મારપીટ કરનાર લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાના સ્થાનિક લોકોએ કાશ્મીરી લોકોનો સાથ આપીને તેમની સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો.

હુમલાના બે દિવસ પછી લોકો તેમની દુકાનમાં ડ્રાયફૂટ ખરીદવા મોટા પ્રમાણમાં પોંહચવા લાગ્યા છે અને તેમનો મુશ્કેલીના સમયમાં સાથ આપીને લખનૌની સંસ્કૃતિની પણ ઓળખ આપી રહ્યા છે. લોકો તેમની સાથે પ્રેમથી વર્તન કરી રહ્યા છે અને સહારો પણ આપી રહ્યા છે.

દુકાનદાર અબ્દુલ સલામ ધ હિન્દૂ સાથે વાતચીત કરતા કહે છે કે, “હું છેલ્લા ૧૦ વર્ષથી લખનૌમાં છું. આ પહેલીવાર છે કે જયારે અમારી સાથે મારપીટ કરવામાં આવી હોય. હું પોલીસનો આભારી છું કે તેઓએ હુમલાખોરોની ધરપકડ કરી હતી અને અમારી સુરક્ષા કરી. ઘણા સામાજિક કાર્યકરો અને સંસ્થાઓએ અમને આ આઘાતમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે.”

દુકાનદાર અફઝલ નાઇકુ કહે છે કે, “તેઓએ અમારી સાથે મારપીટ કરી અને ત્યાર બાદ અમને પથ્થરબાજ કહીને બોલાવ્યા. અમે ગરીબ લોકો છીએ જે વેપાર માટે એક રાજ્યથી બીજ રાજ્યમાં મુસાફરી કરીએ છીએ. જો કે ત્યાર પછી પોલીસ ઉપરાંત સ્થાનિક લોકોએ પણ અમને ટેકો આપ્યો જેથી અમે ફરીથી આ દુકાન ખોલી શક્યા.”

દેશભક્તિ હકીકતમાં એ જ છે કે દેશના લોકો એક બીજાના સુખ-દુઃખ માં સાથ આપે. લખનૌનાં લોકોએ પણ એ જ કર્યું છે. તે પોતાના કાશ્મીરના લોકો સાથે ઊભા રહ્યા અને ગુનેગારોને સંદેશો આપ્યો કે દેશના લોકો એક છે અને તેઓ તેમના લોકો પર હુમલો સહન કરશે નહીં. મશહૂર શાયર અલ્લામા ઇકબાલ પોતાની શાયરીમાં કહે છે કે-

સારે જહાઁ સે અચ્છા, હિન્દુસ્તાં હમારા,
હમ બુલબુલેં હૈ ઈસ કી, યહ ગુલસિતાઁ હમારા,
મજહબ નહી સિખાતા, આપસ મે બૈર રખના,
હિન્દી હૈ હમ વતન હૈ, હિન્દુસ્તાં હમારા.

લખનૌના લોકોએ એક મિસાલ કાયમ કરી અને સંદેશ આપ્યો કે ભારત અનેકતામાં એકતાનું પ્રતીક છે. અહીંયા અલગ અલગ ભાષા, સંસ્કૃતિ, ધર્મ, વિચારો ધરાવનાર લોકો હળીમળીને રહે છે, જેમને ક્યારેય પણ અલગ કરી શકાશે નહિ.

Leave a Reply