બારામુલ્લામાં એકબીજાના સાથી બનીને કોમી એકતાની મિસાલ કાયમ કરી રહેલા મુસ્લિમો અને પંડિતો

Gujarati Uncategorized

વર્ષ ૧૯૮૯-૯૦માં આતંકવાદીઓના અત્યાચારને કારણે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોને ખીણ વિસ્તારથી ભાગી જવું પડયું હતું. લોકોએ પોતાના ઘર, દુકાન અને જમીન પણ છોડી દીધી હતી. જોકે બારમુલ્લાના ઘણા કાશ્મીરી પંડિતો એવા પણ છે કે જેઓ પાછળથી પરત ફર્યા હતા. આજે આ કાશ્મીરી પંડિતો અને ત્યાંના મુસ્લિમો એક બીજા સાથે હળીમળીને રહે છે તથા એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર પણ બને છે.

બારામુલ્લામાં આજે કાશ્મીરી પંડિતો અને ત્યાના મુસ્લિમો એકબીજા સાથે મળીને પોતાની દુકાનો ચલાવે છે. વીરવાન નજીક કેટલીક વસાહતો બાંધવામાં આવી છે જ્યાં કાશ્મીરી પંડિતો રહે છે. જે પંડિતો કાશ્મીરમાં પાછા આવીને વસ્યા હતા તે શિવરાત્રીના સમયે પોતાના વેપાર ધંધા પોતાને ત્યાં કામ કરનાર મુસ્લિમોને સોંપીને જમ્મુ જાય છે અને હોળીનો તહેવાર મનાવીને પરત આવી જાય છે.

સ્થાનિક લોકો, દુકાનદારો તથા સ્થાનિક ઉદ્યોગ સંગઠનો ખાતરી આપે છે કે જે પંડિતો બારામુલ્લામાં પરત આવ્યા હતા તે અહીંયા સુરક્ષિત છે. બારમુલ્લા ટ્રેડર્સ એસોસિયેશનના અધ્યક્ષ મોહમ્મદ અશરફ કહે છે કે, “અમે એકબીજાના સુખમાં અને દુઃખમાં ભાગીદાર બનીએ છીએ પછી તે કોઈ તહેવાર, કોઈનો જન્મદિવસ અથવા લગ્નની ખુશી હોય. ૧૯૮૯માં જ્યારે લોકોને ભાગી જવાની ફરજ પડી હતી, ત્યારે અમે મુસ્લિમો ખુબ જ નિરાશ થયા હતા. મારી દુકાનની આગળની દુકાન સોહન લાલ બિન્દ્રુ અને તેના પુત્ર ચલાવે છે. તેઓ એક હકીમ છે. તેમનો પરિવાર ૭૦ વર્ષથી આ વ્યવસાય અહીંયા ચલાવી રહ્યો છે. ૧૯૮૯માં તે અહીંથી ચાલ્યા ગયા હતા પરંતુ થોડા સમય બાદ તેઓ પરત આવી ગયા હતા. અમે ઇચ્છીએ છીએ કે જે પંડિતો અહીંયા પરત નથી આવ્યા તે પણ આવીને અહીંયા વસે. અમે બધા તેમને સ્વાગત કરીશું.”

સોહન લાલ બિન્દ્રુ દ્વારા સંચાલિત આયુર્વેદિક સ્ટોર્સ બારમુલ્લાની લોકપ્રિય દુકાનોમાંની એક છે. બિન્દ્રુની દુકાનમાં કામ કરનાર વસીમ કહે છે કે, “અમારા મોટા ભાગના ગ્રાહકો મુસ્લિમ છે. મેં દવાઓ વિશેની જાણકારી હકીમ સાહેબ પાસેથી મેળવી છે. હું તેમની સાથે ૧૭ વર્ષની ઉંમરથી કામ કરી રહ્યો છું. હું તેમનો આભારી છું કે તેઓ મારા ઉપર વિશ્વાસ ધરાવે છે.”

કાશીમીરી પંડિતોના નામ ઉપર આજે ઘણા અસામાજિક તત્વો દેશમાં અરાજકતા ફેલાવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે કાશ્મીરી પંડિતો અને ત્યાંના સ્થાનિક મુસલમાનોની એકતા અને મોહબ્બત દેશમાં કોમી એકતાની મિસાલ પેદા કરી રહી છે.

Leave a Reply