ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદો પર થયેલા આતંકવાદી હુમલા બાદ વધુ મજબૂત બનતી દેશની કોમી એકતા

Gujarati Uncategorized

થોડાક દિવસો પહેલા ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર વિશ્વએ ટીકા કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. દેશમાં મુસ્લિમો અને પ્રવાસીઓ વિરુદ્ધ ભડકી રહેલી નફરત વચ્ચે દેશનાં વડા પ્રધાન જેસિંડા આર્ડર્ને હુમલામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારો સાથે મુલાકાત કરી હતી, અને દુનિયાના રાજકારણને માનવતાનો સંદેશ આપ્યો હતો.

પ્રધાન મંત્રી મુસ્લિમ પીડિત પરિવારો પાસે હિજાબ પહેરીને પહોંચ્યાં હતા, અને તેમને ગળે મળી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની આ તસ્વીરે દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે તથા આ તસ્વીર નકારાત્મકતામાં પણ સકારાત્મકતાની આશા જગાવી રહી છે. ટ્વિટર પર લોકો તેમને આતંકવાદ દરમિયાન સકારાત્મક રાજકારણનો ચહેરો ગણાવી રહ્યાં છે. અને ઘણાં લોકો દુનિયાના નેતાઓને તેમની પાસેથી કરુણા અને પ્રેમનો પાઠ શીખવાની પણ સલાહ આપી રહ્યાં છે. આમ તેમણે ઘણાં લોકોના દિલ જીતી લીધા છે.

પીડિત પરિવારો સાથે મુલાકાત બાદ વડા પ્રધાન આર્ડર્ને કહ્યું હતું કે, “અમે વિવિધતા, કરુણા અને દયાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. આ દેશ તેમનું ઘર છે, જે અમારા મૂલ્યોને માને છે. આ એ શરણાર્થીઓનું ઘર છે, જેમને તેની જરુર છે.”
_106132465_053097920

શુક્રવારના દિવસે પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ન ન્યુઝીલેન્ડમાં તમામ રેડિયો, અને ટીવી ઉપર જુમ્માની નમાજ અને અઝાનનું સીધું પ્રસારણ કરવાનો આદેશ કર્યો હતો, જેથી મુસ્લિમનોને તેમના એકલા હોવાનો અહેસાસ ન થાય. આ સાથે ન્યૂઝીલેન્ડના લોકોએ અલગ અલગ મસ્જિદોની સામે એકઠા થઈને દુનિયાને દેશની એકતાનો સંદેશ પાઠવ્યો હતો.

વડાપ્રધાન જેસિંડા આર્ડર્ન અલ-નૂર મસ્જિદની નજીક આતંકવાદના ભોગ બનેલા લોકોની યાદમાં રાખેલ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમય દરમિયાન મુસ્લિમ સમુદાયને સંબોધતા, તેમણે કહ્યું હતું કે, “ન્યૂઝીલેન્ડ તમારી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરે છે, આપણે એક છીએ.”

આ હુમલા પછી વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને તમામ પ્રકારના સેમી ઓટોમેટિક હથિયારો ઉપર પ્રતિબન્ધ લગાવી દીધો છે. જેસિંડા આર્ડર્ન ઓક્ટોબર ૨૦૧૭માં ન્યૂઝીલૅન્ડનાં વડા પ્રધાન બન્યાં હતાં. ગત વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં જેસિંડા આર્ડર્નની લેબર પાર્ટી બીજા સ્થાન પર રહી હતી. ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મળી ન હતી અને તેમણે ન્યૂઝીલૅન્ડ ફર્સ્ટ પાર્ટીના નેતા વિંસ્ટન પીટર્સના સમર્થનથી સરકાર બનાવી હતી.

Leave a Reply