બહાદુરી બદલ ૧૬ વર્ષીય ઇરફાન શેખનું શોર્ય ચક્ર દ્વારા સન્માન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Gujarati Uncategorized

આતંકવાદીઓ સાથે મુકાબલો કરીને આપણા સૈનિકો દેશના નાગરિકોના જીવનની સુરક્ષા કરતા હોય છે, અને આ કારણે તેમને સમય-સમય પર પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવતા હોય છે. પરંતુ તાજેતરમાં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ અને કાશ્મીરના શોપિયાન જિલ્લા ૧૬ વર્ષના યુવાન ઇરફાન રમઝાન શેખને એક આતંકી હુમલાને નાકામ કરી સૈન્યની મદદ કરવા બદલ શોર્ય ચક્ર એનાયત કર્યો હતો. સામાન્ય રીતે શોર્ય ચક્ર કોઈ યુધ્ધમાં દુશ્મનો સામે બહાદુરી બતાવનાર અર્ધ લશ્કરી દળના જવાનને જ અપાય છે. પરંતુ ભાગ્યે જ એવું બને કે કોઈ નાગરિકને આ એવોર્ડ અપાય.

આ ઘટના ૧૬ ઓકટોબર, ૨૦૧૭ની રાત્રે ઘટી હતી જયારે ઈરફાનની ઉંમર ૧૪ વર્ષની હતી. કેટલાક આતંકીઓએ ઇરફાનના ઘરને ઘેરી લીધું હતું. તેના પિતા મોહમ્મદ રમઝાન શેખે તેમનો પ્રતિકાર કરતાં આતંકીઓએ તેમની સામે હવામાં ગોળીઓ ચલાવીને ડરાવાની કોશિશ કરી હતી. ધર પર ત્રાટકેલા ત્રણ આતંકીઓએ પિતાને ધક્કો મારતા ઇરફાન વચ્ચે પડયો હતો અને આતંકીઓ સાથે ભીડી ગયો હતો.

આતંકીઓ સાથેના મુકાબલા દરમિયાન ઈરફાનના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો. ઇરફાને પોતાની બહાદુરીથી આ ઘર્ષણમાં એક ઘાયલ થયેલા આતંકીને પકડી લીધો હતો જેનું બાદમાં મોત નીપજ્યું હતું. પોતાના સાથીને ઘાયલ થયેલો જોઈ અન્ય આતંકીઓ અંતે ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન ઇરફાન પણ ઘાયલ થયો હતો.

આટલી ઓછી ઉંમરમાં ઈરફાને બહાદુરીપૂર્વક આતંકીઓનો સામનો કરતા ઘણા લોકોના દીલ જીતી લીધા હતા. ઈરફાન પોતાના જીવનમાં ભણીને આઇપીએસ બની પોલીસ ફોર્સનો હિસ્સો બનવાની મહત્વકાંક્ષા ધરાવે છે.

Leave a Reply