કેન્યામાં ગરીબ તથા અનાથ બાળકોને શિક્ષણ આપતા પીટર તબિચીની વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કરવામાં આવી પસંદગી

Gujarati Uncategorized

કેન્યાના ગ્રામીણ વિસ્તારમાં ભૌતિક વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં મોટા ભાગના ગરીબ તથા અનાથ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા પીટર તબિચીને વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પીટર તબિચીને ગ્લોબલ ટીચર એવોર્ડ ર૦૧૯ માટે પસંદ કરી તેમને લગભગ રૂપિયા ૭ કરોડની પુરસ્કાર રાશિ પણ આપવામાં આવી છે. વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી વાર્કી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. આ એવોર્ડ માટે વિશ્વના ૧૭૯ દેશોમાંથી ૧૦ હજાર અધ્યાપકોએ અરજી કરી હતી જેમાંથી પીટર તબિચીની પસંદગી કરવામાં આવી હતી.

તબિચી કેન્યામાં આવેલ પવાની ગામમાં કેરિકો સેકન્ડરી સ્કૂલમાં બાળકોને ભૌતિક વિજ્ઞાન અને ગણિત ભણાવે છે. કેન્યાના જે વિસ્તારમાં પીટર તબિચી શિક્ષક તરીકે કામ કરે છે તે ગરીબી અને ભુખમરામાં સપડાયેલો છે. દુષ્કાળ, ગરીબી અને શિક્ષણના અભાવના કારણે ત્યાંના લોકો નશા અને ગેરકાનૂની કાર્યોમાં સપડાય છે અને પોતાનું અને પોતાના પરિવારનું જીવન ખરાબ કરે છે. અહીંયા અભ્યાસ કરનાર મોટા ભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે તથા ઘણા અનાથ બાળકો પણ છે. આ બાળકો માટે પીટર પોતાની આવકનો ૮૦ ટકા જેટલો હિસ્સો તેમના અભ્યાસ પાછળ ખર્ચે છે.

તબિચીએ ભણાવેલા વિદ્યાર્થીઓએ દુનિયાભરમાં ઘણાં કાર્યક્રમોમાં તથા સ્પર્ધાઓમાં ભાગ લઈ ચુક્યા છે અને કેટલાય પુરસ્કાર પોતાના નામે કર્યા છે. તબિચી તથા એમના બીજા ચાર સાથીઓ બાળકોને ઘેર ઘેર જઈને પણ શિક્ષણ આપે છે જેની તેઓ કોઈ ફીસ લેતા નથી. લોકોમાં શિક્ષણ માટે જાગૃતિ લાવવા માટે તેઓ હંમેશા કાર્યરત રહે છે.

તબિચીને ગ્લોબલ ટીચર પ્રાઈઝ ૨૦૧૯ મળતા કેન્યાના રાષ્ટ્રપતિએ પણ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા, તથા તેમની પ્રસંશા કરતા કહ્યું હતું કે લોકો તેમના આ પરિશ્રમ ગાથાથી ચોક્કસપણે પ્રેરણા લેશે.

દુનિયાના સૌથી શ્રેષ્ઠ શિક્ષકનો ખિતાબ મેળવ્યા બાદ પીટર તબિચીએ કહ્યું હતું કે, “આ પુરસ્કાર મારા વિદ્યાર્થીઓ દ્વારા જે પણ પ્રાપ્ત કરવામાં આવ્યું છે તેનું પરિણામ છે. આ પુરસ્કાર બીજા અનેક બાળકોને શિક્ષણ તથા સહયોગ માટે પ્રેરણા પ્રદાન કરશે જે શિક્ષાથી વંચિત છે.”

Leave a Reply