દાર્જીલિંગના પહાડી વિસ્તારમાં સ્થાનિકો માટે વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવવામાં આવેલું એક નાનકડું પુસ્તકાલય

Gujarati Uncategorized

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગથી ૩૬ કિલોમીટર દૂર નાગરી ફાર્મ ચા એસ્ટેટના એક મકાનના ગેરેજમાં ત્યાંના સ્થાનિક નિવાસીઓ માટે પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી છે. આ લાઈબ્રેરીની એક ખાસિયત છે કે તેમાં કોઈ પણ પ્રકારની પાબંદી રાખવામાં આવી નથી. અહિયાં ન કોઈ લાઈબ્રેરિયન છે કે ન તો અહીંયાથી કોઈ પુસ્તક લઈ જવા માટે કોઈ પણ પ્રકારની નોંધણી કરવામાં આવે છે.

લોકો આ પુસ્તકાલયને ‘ધ બુક થીફ ઓપન લાઇબ્રેરી’ તરીકે જાણે છે. આ પુસ્તકાલય વર્ષ ૨૦૧૬માં સૃજના સુબ્બા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હંમેશા પુસ્તકો વાંચવાની શોખીન, ૩૮ વર્ષીય સૃજના સુબ્બા દાર્જિલિંગ જિલ્લાના પોખરીબોંગ ગર્લ્સ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

librari1

આ પુસ્તકાલયનું નામ તેમણે ઓસ્ટ્રેલિયન લેખક માર્કસ જુસાકના ‘ધ બુક થીફ’ નામના પુસ્તક પરથી રાખ્યું છે. ‘ધ બુક થીફ’નું મુખ્ય પાત્ર એવી છોકરી સાથે સંકળાયેલું છે જે વાંચવાની શોખીન છે અને તે જાણે છે કે લેખન અને વાંચનની શક્તિ દુનિયાને બદલી શકે છે. આ પુસ્તકના વાંચન બાદ તેનાથી પ્રભાવિત થઈને સૃજના સુબ્બાને પોતાની ગેરેજમાં જ એક પુસ્તકાલય બનાવવાનો વિચાર આવ્યો જ્યાં પુસ્તક લઈ જવામાં કે પરત કરવામાં કોઈ પણ પ્રકારની બાંધ છોડ ન હોય.

ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીતમાં સુબ્બા કહે છે કે, “‘ધ બુક થીફ’એ મને ખુબ પ્રભાવિત કરી અને મને એ વિચારવા ઉપર મજબુર કરી કે જો આજની યુવા પેઢી પોતાની ખોટી આદતો છોડીને પુસ્તકો સાથે મિત્રતા કેળવે તો દુનિયા કેટલી ખુબસુરત હોઈ શકે છે.”

નાગરી ફાર્મ ચા એસ્ટેટમાં લગભગ ૨૦ ગામો વસેલા છે અને લગભગ દરેક ગામમાં અંદાજિત ૪૦ જેટલા કુટુંબ વસવાટ કરે છે. સૃજના સુબ્બા કહે છે કે આ વિસ્તારમાં કોઈ યોગ્ય પુસ્તકાલયની સુવિધા નથી. સ્થાનિક અહેવાલના અનુસાર આ વિસ્તારમાં ત્રણ વખત લાઇબ્રેરી ખોલવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ કેટલાક કારણોસર નિષ્ફળ ગયા હતા.

આ લાઇબ્રેરીમાં નકામી વસ્તુઓનો પણ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે જેમકે જુના ટાયરોને રંગ લગાવીને તેની આજુ બાજુ વાસનો ઉપયોગ કરીને તેના ટેબલ બનાવવામાં આવ્યા છે તથા જુના ફ્રિજનો પુસ્તકોના સ્ટોરેજ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુસ્તકાલયમાં કેટલીક પુસ્તકો સુબ્બાની પોતાની પુસ્તકો છે, કેટલાક મિત્રો દ્વારા પણ આ પુસ્તકો દાન કરવામાં આવ્યા છે. અંગ્રેજી અને નેપાળીમાં ૫૦૦થી વધુ પુસ્તકો અહીંયા છે. બાળકો, યુવાનો અને ઘરડાઓ પણ અહીં આવીને પુસ્તકો વાંચી શકે છે. એટલું જ નહીં, નેપાળી લેખકો પણ આ પુસ્તકાલયમાં આવે છે અને તેમની પુસ્તકોની અહીં મૂકી જાય છે.

library2

સૃજના સુબ્બા કહે છે કે “લાઈબ્રેરીમાં બાળકો માટે કોઈ પણ પ્રકારનાં નિયમ બનાવવામાં આવ્યો નથી. શરૂઆતમાં બાળકો ઘણી વખત પુસ્તકો વેર વિખેર કરી દેતા હતા અને શોર પણ ખુબ કરતા હતા પરંતુ તેમને ઠપકો આપવાને બદલે તેમને સારી અને ખોટી વાતોનો અનુભવ કરાવ્યો. તેમને પ્રેમથી અવાજ ઓછો કરવાનું કહેવામાં આવતું અને બાળકો ધીરે ધીરે જાતે જ સમજીને તેના પર અમલ કરવા લાગ્યા.

પહાડી ક્ષેત્રમાં આ પ્રકારના પુસ્તકાલયથી લોકો ને અલગ અલગ ભાષાઓ, જગ્યાઓ અને સંસ્કૃતિ વિષે માહિતી મળી રહે છે જે તેમના બૌદ્ધિક વિકાસ માટે એક અગત્યનું કાર્ય કરે છે જે ખુબ જ ઉમદા પ્રયાસ છે. પહાડી વિસ્તારોમાં આ પ્રકારની પહેલે બાળકોને તથા મોટેરાઓને વાંચન તરફ ઘણા અંશે આકર્ષિત કર્યા છે.

Source: thebetterindia.com

Leave a Reply