મુંબઈમાં મિયાવાકી પદ્ધતિથી શહેરની વચ્ચે વિકસાવવામાં આવી રહેલું જંગલ

Gujarati Uncategorized

દિન પ્રતિ દિન વધી રહેલા શહેરીકરણને કારણે આજે ઘણાં બધા વૃક્ષોનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેની ગંભીર અસરો સીધી પર્યાવરણ પર થઈ રહી છે. શહેરોમાં વધતા જતા પ્રદુષણને લીધે પર્યાવરણમાં વિકટ અનેક પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. મુંબઈ શહેરની વાત કરીએ તો આજે એક અંદાજ પ્રમાણે ત્યાં ફક્ત ૧૩ ટકા જ લીલોતરી બાકી રહી છે, જ્યારે કે પર્યાવરણ મંત્રાલય તથા વન અને હવામાન વિભાગ અનુસાર શહેરમાં સામાન્ય રીતે ૩૩ ટકા લીલોતરી હોવી જોઈએ.

આવા સમયમાં એક સારી બાબત એ છે કે આજના નિરાશાજનક માહોલ વચ્ચે કેટલાક એવા પણ આશાવાદીઓ છે કે જેઓ પર્યાવરણની સુરક્ષા માટે સભાન છે અને તેને બચાવવામાં વ્યસ્ત રહેતા હોય છે. આવા જ કેટલાક નાગરીકો દ્વારા ચલાવવામાં આવી રહેલું ‘ગ્રીન યાત્રા’ નામનું એનજીઓ મુંબઈ શહેરમાં પર્યાવરણને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૦ કરોડ વૃક્ષો રોપવાનો તેમનું લક્ષ્ય છે. હાલમાં, વર્ષ ૨૦૧૯માં તેઓએ ૧૦ લાખ વૃક્ષો રોપવાની પહેલ શરૂ પણ કરી દીધી છે.

મુંબઈમાં જગ્યાની અછત એ એક સામાન્ય અને જટિલ સમસ્યા છે, તેથી આ લોકોએ વૃક્ષો વાવવા માટે ‘મિયાવાકી તકનીક’નો ઉપયોગ કરીને લીલોતરી વધારવા માટે કામ કરી રહ્યા છે. જાપાનના વનસ્પતિશાસ્ત્રી અને પર્યાવરણીય નિષ્ણાંત અકીરા મિયાવાકીએ વૃક્ષારોપણની આ પદ્ધતિની શોધ કરી છે. આ તકનીકમાં છોડ એક બીજાથી ખૂબ ટૂંકા અંતર પર લગાવવામાં આવે છે, જેના કારણે વૃક્ષો ખૂબ જ નજીકમાં ઉગે છે અને તેથી સૂર્યના કિરણો પૃથ્વી પર સીધા પહોંચી શકતા નથી. સૂર્યના કિરણો સીધા જમીન ઉપર ન પહોંચતા વૃક્ષોની આજુ બાજુ નિંદામણ વધી શકતું નથી અને જમીનમાં ભેજ પણ જળવાઈ રહે છે. નજીક નજીક વૃક્ષો ઉગાડવાને કારણે આ વૃક્ષોને સૂર્યના કિરણો ફક્ત ઉપરના ભાગમાં જ મળે છે જેથી વૃક્ષ ચારે તરફ ફેલાવાને બદલે ફક્ત ઉપરની તરફ ઝડપથી વધે છે જેથી ઓછી જગ્યામાં વધુ વૃક્ષો લગાવી શકાય છે.

વધુમાં વાંચો- મિયાવાકી પદ્ધતિ: જંગલ નિર્માણનો સરળ અને ઝડપી તરીકો

‘ગ્રીન યાત્રા’ના સ્થાપક પ્રદીપ ત્રિપાઠી જણાવે છે કે, “મિયાવાકી પદ્ધતિના ઉપયોગથી ઓછા સમયમાં, ઓછી જગ્યામાં વધુ વૃક્ષો લગાવી શકાય છે. સીઆરડબલ્યુસીએ અમને રામ મંદિર પાસે એક એકરની જમીન આપી છે. અહીં જો આપણે પરંપરાગત રીતે ઝાડ રોપીએ તો ૮૦૦ જેટલા વૃક્ષો રોપી શકીએ છીએ. પરંતુ મિયાવાકી તકનીકથી આ સ્થળ પર ૧૨ હજાર વૃક્ષોનું વાવેતર કરી શકાય છે.”

૨૬ જાન્યુઆરીથી ૧૨ હજાર વૃક્ષો રોપવાના આ ચોક્કસ ધ્યેય સાથે આ સંસ્થાએ અહીં ૩૦ વિવિધ દેશી જાતિઓના ૩ હજાર વૃક્ષો અત્યાર સુધી લગાવી દીધા છે. વૃક્ષોની આ જાતિઓમાં કંચન, કરંજ, લીમડો, જાંબુ અને પલાશ વગેરેનો સમાવેશ થાય છે. મુંબઈ જેવા જગ્યાની અછત વાળા શહેરમાં વધુને વધુ વૃક્ષો લગાવી પ્રદુષણ અને જંગલોની સમસ્યાને કેટલાક અંશે દૂર કરવા માટે મિયાવાકી પદ્ધતિ ચોક્કસપણે ઉપયોગી સાબિત થશે.

Leave a Reply