આફિકામાં ઝડપથી ફેલાઈ રહેલા સહારા રણને રોકવા માટે ૨૦થી વધુ આફ્રિકન દેશો એકસાથે મળીને વૃક્ષોની એક વિશાળ દિવાલ બનાવી રહ્યા છે, જેને ‘ગ્રેટ ગ્રીન વૉલ’ નામ આપવામાં આવ્યું છે, અને આ કાર્યમાં તેમને મોટી સફળતા પણ મળી રહી છે. આ ‘ગ્રેટ ગ્રીન વૉલ’ સહારા રણના દક્ષિણ કિનારે આશરે ૮ હજાર કિલોમીટર ભૂપ્રદેશ સુધી ફેલાયેલી છે, જેને સાહેલ તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષ ૧૯૭૦ સુધી આ પ્રદેશમાં ખુબ પ્રમાણમાં લીલોતરી હતી, પરંતુ વૃક્ષોની બિનજરૂરી કાપણી, બિન જરૂરી જમીન વ્યવસ્થાપન અને પ્રદુષણના કારણે આ જમીન સહારાના રેગિસ્તાન સાથે ભળી ગઈ હતી. આ વિકટ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ વર્ષ ૨૦૦૭માં આફ્રિકાના ૧૧ દેશોએ સાથે મળીને ગ્રેટ ગ્રીન વૉલ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ બીજા ૯ દેશો પણ આ કાર્યમાં જોડાયા હતા, અને સાહેલ પ્રદેશમાં વૃક્ષો લગાવવાની શરૂઆત કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં ગ્રીન વૉલનું ૧૫% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે, અને તેની અસર ત્યાંના વાતાવરણમાં દેખાવા પણ લાગી છે. નાઇજિરીયામાં આશરે ૫ મિલિયન હેકટર જમીન ઉપર વૃક્ષો વાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ૩૦ મિલિયન એકર જમીન ઉપર દુષ્કાળ પ્રતિરોધક વૃક્ષો પણ રોપવામાં આવી રહ્યા છે. ઇથોપિયામાં ૩૭ મિલિયન એકર જમીન પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સમગ્ર આફ્રિકા ખંડમાં અન્ય વિસ્તારોમાં પણ દુષ્કાળ પ્રતિરોધક વૃક્ષો લગાવવામાં આવી રહ્યા છે.
જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવીકે ખોરાક અને પાણીની અછત તથા વધતા જતા રણના પ્રતિકુળ વાતાવરણને લીધે હજારો લોકો ત્યાંથી સ્થળાંતર કરવા લાગ્યા હતા. પરંતુ આજે તેમાં ઘણા અંશે સુધારો જોવા મળી રહ્યો છે. ગ્રીન વૉલના કારણે હવે ત્યાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં પીવાનું પાણી, ખાદ્ય ખોરાક તથા આવક માટેના નવા સ્ત્રોતો ઉભા થઈ રહ્યા છે અને જનજીવન સ્થિર થઈ રહ્યું છે.
ગ્રીન વૉલને વર્તમાનમાં વિશ્વભરની આંતરરાષ્ટ્રીય સરકારો અને પર્યાવરણ સંરક્ષણ જૂથો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. વૃક્ષોની આ દિવાલ પૂર્ણ થઈ ગયા પછી પર્યાવરણને બચાવવા માટે ચાલી રહેલા કાર્યોમાં આ સૌથી મોટું કાર્ય હશે.
આફ્રિકન યુનિયન કમિશનના અધ્યક્ષ ડૉ. દલામિની ઝુમાએ જણાવ્યું હતું કે, “વિશ્વમાં ઘણી અજાયબીઓ છે, પરંતુ ગ્રેટ ગ્રીન વોલ એક અલગ ઓળખ ધરાવે છે, અને દરેક માણસ તેના ઇતિહાસનો એક ભાગ બની શકે છે. આપણે સાથે મળીને સાહેલમાં આફ્રિકન સમુદાયોના ભવિષ્યને બદલી શકીએ છીએ.”