એન્જિનિયરીંગ કંપનીમાં નોકરી છોડીને કચરાના ઢગલામાં ફેરવાઈ ગયેલા તળાવોને પુનર્જીવિત કરી રહેલા ૨૬ વર્ષીય રામવીર તંવર

Gujarati Uncategorized

નોઇડામાં રહેતા ૨૬ વર્ષીય મિકેનિકલ એન્જિનિયર રામવીર તંવર ગામે-ગામ ફરીને તળાવોને પુનર્જીવિત કરવાનું અદ્ભુત કામ કરી રહ્યા છે, જેના માટે તેમણે મલ્ટી નેશનલ કંપનીમાંથી પોતાની નોકરીનો પણ ત્યાગ કરી દીધો છે. તેમેણ વર્ષ ૨૦૧૬માં પોતાનું એમ.ટેક. પૂરું કર્યું હતું. તેમણે કોલેજના સમયથી જ પાણીના મહત્ત્વ વિશે લોકોને સમજાવવાનું ચાલુ કરી દીધું હતું.

એકવાર રામવીરે અનુપમ મિશ્રાની એક બુક વાંચી કે જેમાં આર્ટિફિશિયલ તળાવ કેવી રીતે બનાવી શકાય તેનું વર્ણન કરેલું હતું. આ બુક વાંચીને તેઓ પ્રભાવિત થયા અને તેમને જુના અને પ્રદુષિત તળાવોને પુનર્જીવિત કરવાનો વિચાર આવ્યો. રામવીર કહે છે કે, “લોકો ભવિષ્યનો વિચાર કર્યા વગર મન ફાવે તેમ પાણી વેડફે છે. આ બધું જોઈને મેં નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, પરંતુ મારે લોકોને પાણીની કિંમત સમજાવવી જ છે. હું ગામડાઓમાં લોકોના ઘરે-ઘરે જઈને પાણીના મહત્ત્વ વિશે લોકોને જાગૃત કરું છું.”

ગ્રેટર નોઇડા ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનો એક ભાગ છે અને ત્યાં સેંકડો નાના તળાવો છે, જેની દેખરેખ રાખવામાં આવતી ન હતી, જેથી રામવીરે તે તળાવોને પુનર્જીવિત કરવાનું કાર્ય શરુ કર્યું. આ ઉપરાંત તેમના દ્વારા બીજા કેટલાક ગામડાઓમાં પણ કે જ્યાં તળાવો કચરાના ઢગલામાં ફેરવાઈ ગયેલા હતા, તેમને ફરીથી સાફ કરીને વરસાદના પાણીને એકઠું કરી શકાય તથા ગામની પાણીની સમસ્યા દૂર થઈ શકે તેવા બનાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે તળાવની સફાઈ પહેલા જે તે ગામમાં સભા ભરીને લોકોને તેની સમજણ આપવામાં આવે છે અને પાણીની બચત વિષે પણ સમજણ અપાય છે.

રામવીરના આ કાર્યમાં મદદરૂપ થવા માટે સમય જતા ધીરે ધીરે સ્વયંસેવકોની કેટલીક ટુકડીઓ તેમની મદદ માટે જોડાવવા લાગી. રામવીર કહે છે કે, “ટૂંક સમયમાં જ ‘જલ ચોપાલ’ નામક એક પ્લેટફોર્મ બની ગયું જે એક ગામથી બીજા ગામમાં લોકોને પાણી સંરક્ષણ વિશે સમજાવે છે. અને જળાશયોમાં કચરો ફેંકતા થનાર નુકશાન વિષે માહિતી આપે છે.” સ્વયંસેવકોની મદદથી જળાશયોમાંથી સૌપ્રથમ કચરો સાફ કરીને ફિલ્ટર સિસ્ટમ દ્વારા તેના પાણીને સાફ કરવામાં આવે છે, જેથી આ પાણી ખેડૂતોને સિંચાઈ માટે પણ ઉપયોગી બને. આ સિવાય જળાશયને સાફ રાખવા માટે માછીમારોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.

રામવીરના કહેવા અનુસાર પોતાના કાર્યમાં મદદરૂપ થવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેમેણ સરળતાથી સ્વયંસેવકો મળી રહે છે. સ્વયંસેવકોની મદદથી રામવીર તળાવોને કુદરતી રીતે ચોખ્ખા કેવી રીતે કરી શકાય તે વિષે ગામના લોકોને શીખવાડે છે. તળાવને પુનર્જીવિત કર્યા બાદ રામવીર ગામના લોકોને તેની દેખરેખ રાખવા માટે જરૂરી સૂચનો પણ આપે છે. આ ઉપરાંત તે દરિયાઈ વિસ્તારોમાં રહેતા ખેડૂતોને માછીમારી કરવા માટે પણ પ્રોત્સાહન આપે છે. અત્યાર સુધીના તેના કરેલા કામમાં ગામના લોકોએ તેને પૂરેપૂરો સહયોગ કર્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં રામવીર ૧૦ જેટલા તળાવોને પુનઃસ્થાપિત કરી ચુક્યા છે.

Leave a Reply