સૌર ઊર્જાથી રોશન થઈ રહેલા અંધકારમય ગ્રામીણ વિસ્તારો

Gujarati Uncategorized

ચીન અને અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ વીજળીનું ઉત્પાદન થાય છે. તેમ છતાં આજે પણ દેશના લાખો લોકો અંધારામાં રહેવા માટે મજબૂર છે. શહેરો કરતા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં વસેલા લોકો માટે આ સમસ્યા વધુ વિકટ છે. આવી પરિસ્થિતિમાં ચિરાગ રૂરલ ડેવલ્પમેન્ડ ફાઉન્ડેશન (સીઆરડીએફ) નામના એક એનજીઓ દ્વારા સૌર ઊર્જાની મદદથી ભારતના લાખો લોકોને વીજળી પૂરી પાડવાનો એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સીઆરડીએફએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મોખાડા ગામમાં વીજળીની સમસ્યાને દૂર કરીને કુલ ૪૦૦ ગામડાઓમાં વીજળી પહોંચાડવાનો લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો છે, જેનાથી અંદાજે એક લાખ લોકોને ફાયદો થયો છે. એનજીઓ દ્વારા તેના પ્રોજેક્ટ ‘ચિરાગ’ના માધ્યમથી ૧૬ હજાર ઘરોમાં સૌર ઊર્જાની મદદથી વીજળી પહોંચાડવાની દિશા તરફ કામ ચાલી રહ્યું છે.

આ પ્રોજેક્ટની શરૂઆત ૨૦૧૦માં મુંબઈની એચ.આર. કોલેજ ઓફ કોમર્સના પ્રોફેસર પ્રતિભા પાઈ દ્વારા કરવામાં આવી હતી. તેમણે શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓની મદદ મેળવીને આ અભિયાન શરૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં પ્રતિભાએ પ્રોફેસર પદેથી રાજીનામુ આપી પોતાના નવીન એનજીઓ ‘ચિરાગ’ મારફતે સૌર ઉર્જાથી લોકોના ઘરોને રોશન કરવાની શરૂઆત કરી હતી. તેઓ કહે છે કે, “ભારતમાં એવા હજારો ગામો છે જ્યાં હજુ સુધી વીજળી પહોંચી નથી અને અમે આવા ગ્રામીણ ભારતને વીજળી દ્વારા તેમના ભવિષ્યને રોશન કરવા માંગીએ છીએ”

એનજીઓ દ્વારા લોકોની વીજળીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગામની પસંદગી કરવામાં આવે છે, ત્યાર બાદ સ્થાનિક લોકોની મદદ મેળવીને ગામમાં વીજળી પહોંચાડવાની યોજના બનાવવામાં આવે છે. આ પ્રોગ્રામ લોકોને ફક્ત વીજળીની જરૂરિયાત જ પુરી પાડતું નથી, પરંતુ તેમના જીવનને બહેતર બનાવવામાં પણ મદદ કરે છે. વીજળીની સમસ્યાનું નિવારણ લાવતા ગામમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સાથે સાથે પર્યાવરણના પ્રશ્નોનો પણ ઉકેલ મળી રહ્યો છે. આ એનજીઓ કોર્પોરેટ્સ અને ખાનગી કંપનીઓ મારફતે ભંડોળની વ્યવસ્થા કરે છે અને ગામના લોકો પાસેથી સામાન્ય ફી લઈને તેમને સોલર સિસ્ટમ આપે છે. મહત્ત્વની વાત એ છે કે પછી ગામના લોકો જ આ સોલર સિસ્ટમના હકદાર બની જાય છે. આટલું જ નહીં, આ સોલર સિસ્ટમ લેવા માટે જો કોઈ પૈસા આપવા માટે સક્ષમ ન હોય તો તેમની પરિસ્થિતિ ચકાસીને તેમને આ સિસ્ટમ મફત આપવામાં આવે છે.

આ ઉપરાંત, એનજીઓ દ્વારા ગામવાસીઓને કેરોસીનનો ઉપયોગ કરવાનું ટાળવા તથા સૌર ઊર્જાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપતા સેમિનારો અને કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે. આ એનજીઓ મેઘાલય, આસામ, ઉત્તરાંચલ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કાર્યરત છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં એનજીઓ દ્વારા ૧૫ હજાર ગામોને વીજળી આપી બે લાખ લોકોનું જીવન સુધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

Leave a Reply