૧૬ વર્ષીય કૃણાલ ગોસ્વામી કરશે એશિયન એન્ડ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું નેતૃત્વ

Gujarati Uncategorized

ગુજરાતના રાજકોટના ૧૬ વર્ષીય કૃણાલ ગોસ્વામી એશિયન એન્ડ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. કૃણાલ આગામી ૨૭ એપ્રિલના નેપાળ ખાતે યોજાનાર એશિયન ચેમ્પિયનશિપમાં ઓપન કેટેગરીમાં ભાગ લેશે. ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં સર્વપ્રથમ ૭૦૦ મીટર સુધી સ્વિમિંગ કરી ત્યાર બાદ ૨૦ કિલોમીટર સાઈકલિંગ કરીને ૫ કિલોમીટર સુધી રનિંગ કરવાની હોય છે.

ઇનોવેટિવ સ્કૂલમાં ધો.૧૦માં અભ્યાસ કરતા કૃણાલે ગાંધીનગરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં ઉમદા પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો અને તેની પસંદગી ગુજરાત ટીમમાં થઈ હતી. કૃણાલે ચેન્નઈમાં યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની એકવાથલોન ચેમ્પિયનશિપમાં પણ તેનું કૌશલ્ય બતાવી સ્વિમિંગ, રનિંગ અને સાઈકલિંગ ૨૨ મિનિટ અને ૨૪ સેકન્ડમાં પૂરું કરી બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્ય તેમજ શહેરનું નામ રોશન કર્યું હતું.

કૃણાલે રાજ્યકક્ષાની એક્વાથલોન સ્પર્ધામાં સતત બે વર્ષ ગોલ્ડ મેડલ મેળવી નાની ઉંમરમાં તેની ક્ષમતાનો પરિચય આપ્યો છે. સ્વિમિંગની સાથે રનિંગ તેમજ સાઇકલિંગ કરવાની આ સ્પર્ધામાં કૃણાલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો છે.

કૃણાલ કહે છે કે, “આ એશિયન ચેમ્પિયનશિપમાં માત્ર ઓપન કેટેગરીની જ સ્પર્ધા હોવાથી કોઈ વયમર્યાદા હોતી નથી. જેને કારણે સ્પર્ધા બહુ મુશ્કેલભરી છે, પરંતુ આંતરરાષ્ટ્રીયકક્ષાએ તક મળી છે તે મારા માટે ગર્વની વાત છે. હું તેમાં મહેનત કરીશ. ટ્રાયથલોન સ્પર્ધામાં પ્રથમ ૭૦૦ મી. સ્વિમિંગ, ૨૦ કિ.મી. સાઇક્લિંગ અને ત્યાર બાદ ૫ કિ.મી. રનિંગ કરવાનું હોય છે. આ સ્પર્ધા નેપાળમાં યોજાવાની છે. તેમાં સફળતા મેળવવા કોચ બંકિમ જોષીના માર્ગદર્શન હેઠળ રોજ ૬ કલાકની પ્રેક્ટિસ કરું છું.”

Leave a Reply