મધ્ય પ્રદેશના વિદ્યાર્થીઓએ ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દર્દીઓ માટે બનાવી એક અનોખી બાઈક એમ્બ્યુલન્સ

Gujarati Uncategorized

મધ્ય પ્રદેશની ડો.એપીજે અબ્દુલ કલામ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા ૪ વિદ્યાર્થીઓએ બાઈક એમ્બ્યુલન્સ બનાવી છે, જેનાથી ગ્રામીણ અને સાંકડા રસ્તા ઉપર દર્દીઓ સુધી પોંહચવામાં સરળતા રહેશે.

મધ્ય પ્રદેશના ઝાબુઆ ગામમાં રહેનારા ચાર મિત્રો પપ્પુ તાહેડ, વેદ પ્રકાશ, પ્રેમકિશોર તોમર અને સોનુ કુમારે સાથે મળીને કેવળ ૧૪ હજારમાં આ એમ્બ્યુલન્સ તૈયાર કરી છે. તેઓ કહે છે કે, “તેમના ગામમાં એમ્બ્યુલન્સની સેવા ન હતી જેથી દર્દીઓને સમયસર સારવાર મળતી ન હતી. અમે દોસ્તોએ મળીને આ સમસ્યાનું નિવારણ લાવવાનું વિચાર્યું અને અમે બાઈક દ્વારા સંચાલિત એક એમ્બ્યુલન્સ બનાવી.”

આ બાઇક એમ્બ્યુલન્સમાં દર્દીને સૂવડાવવા માટે સાઇડકાર તરીકે પૈડા વાળું સ્ટ્રેચર ફીટ કરવામાં આવ્યું છે, ફર્સ્ટ એઇડ કિટ, અને એક ઓક્સિજન સિલિન્ડર પણ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ૧૫ મિનિટમાં આ એમ્બ્યુલન્સને એક બાઇકમાંથી કાઢીને બીજા બાઇક સાથે જોડી શકાય છે. મજાની વાત એ છે કે આ શોધથી કોઈપણ મોટરસાઇકલને ગણતરીની મિનિટોમાં બાઇક એમ્બ્યુલન્સમાં ફેરવી શકાય છે.

બાઇકને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરવા માટે વી-ક્લેમ્પ તરીકે ઓળખાતાં ત્રણ નાનાં ઉપકરણોની જરૂર પડે છે. તડકાથી બચવા માટે આ બાઇક એમ્બ્યુલન્સમાં દર્દીની ઉપર શેડ લગાવવામાં આવ્યો છે. આ બાઇક એમ્બ્યુલન્સ કેવી રીતે તૈયાર થયું તે વિશે વાત કરતાં આ વિદ્યાર્થીઓ કહે છે કે, “એમ્બ્યુલન્સ બનાવતા દરમિયાન બાઇક સાથે એક નવો ભાગ લગાવ્યા બાદ તેનું ટેસ્ટિંગ કર્યું. ઘણાં ઉપકરણો બદલવા પડ્યાં અને તેમાં સુધારો પણ કરવો પડ્યો. પરંતુ હવે અમને લાગે છે કે એક પરફેક્ટ એમ્બ્યુલન્સ બની ગઈ છે. બાઇક એમ્બ્યુલન્સ અગાઉ પણ બની છે, પરંતુ અમે સસ્તી અને સરળતાથી કામમાં આવી શકે એવી એમ્બ્યુલન્સ બનાવવા માગતા હતા. આ એમ્બ્યુલન્સની ખાસ વાત એ છે કે ગમે ત્યારે તેને બાઇકથી છૂટી કરી શકાય છે. તેથી જ્યારે કામ ન હોય ત્યારે બાઇકને સ્વતંત્ર રીતે પણ ફેરવી શકાય છે. તેમજ જ્યારે જરૂર પડે ત્યારે એમ્બ્યુલન્સને બાઇક સાથે જોડી સમયસર હોસ્પિટલ પણ પહોંચી શકાય છે.”

ગ્રામીણ વિસ્તારમાં કાચી સડકોને કારણે સમસયર એમ્બ્યુલન્સ પહોંચી નથી શકતી અને અનેક દર્દીઓ સમસયસર સારવારના અભાવે મોતને ભેટે છે. જેથી આ બાઈક એમ્બ્યુલન્સ આ પ્રકારની સમસ્યાનું નિદાન કરે છે.

Leave a Reply