૨૩મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચતી ભારતની ગોમતી મરિમુતુ

અત્યારે દોહામાં ૨૩મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ ચાલી રહી છે, જેમાં ભારતની ગોમતી મરિમુતુએ ૮૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ગોમતીએ આ ચેમ્પિયનશિપમાં વિમેન્સ કેટેગરીની ૮૦૦ મીટર રેસનું અંતર ૨:૦૨.૭૦ સેકન્ડમાં પૂરું કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૧૯માં ભારતનો આ સૌપ્રથમ ગોલ્ડ મેડલ છે.

૩૦ વર્ષીય ગોમતીની આ ચેમ્પિયનશિપમાં ફર્સ્ટ લેપની શરૂઆત નિરાશાજનક રહી હતી. જોકે, આ પછી તેણે શાનદાર વાપસી કરી હતી. જીત બાદ પોતાની ખુશી વ્યક્ત કરતાં ગોમતીએ જણાવ્યું હતું કે, “મને ફિનિશિંગ લાઇન સુધી વિશ્વાસ નોહતો થઈ રહ્યો કે મેં દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. મારા માટે છેલ્લી ૧૫૦ મીટરની રેસ ખૂબ જ અઘરી રહી હતી.”

તમિલનાડુના તિરુચિરાપલ્લીની નિવાસી ગોમતીએ ૨૦ વર્ષની ઉંમરમાં જ દોડવાની તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. ગોમતી જયારે તિરુચિરાપલ્લીની હોલી ક્રોસ કોલેજમાં ભણતી હતી ત્યારે તેનું સપનું હતું કે તે કોઈ સારી જગ્યાએ નોકરી કરી પરિવારનો અને ખાસ કરીને તેના પિતાનો આર્થિક ટેકો બનશે. પરંતુ તેનામાં રહેલા દોડવાના ટેલેન્ટને તેની મિત્ર શ્રુતિએ બહાર લાવ્યું અને રેસની તાલીમ લેવા માટે તેને પ્રેરિત કરી.

અગાઉ ૨૦૧૩માં પણ તેણે પુણેમાં એશિયન ચેમ્પિયનશિપમાં ૮૦૦ મીટરની દોડમાં ફાઇનલમાં સાતમા સ્થાને રહી હતી. બે વર્ષ પછી ચીનના વુહાનમાં તે જ ઈવેન્ટમાં ગોમતી ચોથા સ્થાને રહી હતી અને છેવટે આજે તેણે ગોલ્ડ મેડલ જીતવાનું પોતાનું સપનું પૂરું કર્યું. ગોમતીના જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા પરંતુ ખૂબ મહેનત અને સખત તાલીમ બાદ ૧૦ વર્ષે ગોમતી પોતાની કરિયરનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છે.

Leave a Reply