પોરબંદરનાં પક્ષી અભયારણ્યમાં ત્રણ દાયકા બાદ દેખાયા ૮૦૦ જેટલા ફલેમીંગો

Gujarati Uncategorized

ભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં શહેરની વચ્ચે પક્ષી અભ્યારણ્ય આવેલું છે જ્યાં છેલ્લા ૩ દાયકાથી ગટરના પાણી ઠલવાતા હોવાથી ફલેમીંગો જેવા પક્ષીઓ સ્થળાંતર કરી ગયા હતાં. પરંતુ આ વર્ષે ભૂગર્ભ ગટર યોજના સાકાર થઈ હોવાથી ગંદા પાણી અભ્યારણ્યમાં છોડવાનું બંધ થતાં ફલેમીંગો પક્ષીઓને અનુકુળ બે ફૂટ જેટલું જ પાણી બચતાં ત્રીસેક વર્ષ પછી અહીંયા ૮૦૦ જેટલા ફલેમીંગો જોવા મળ્યા હોવાથી બર્ડ કન્ઝરવેશન સોસાયટી સહિત પક્ષીપ્રેમીઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

પક્ષી અભ્યારણ્યમાં વિન્ટર વિઝીટર પક્ષીઓ શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમાં વિદેશી ઉપરાંત સ્થાનિક પક્ષીઓ અને માઈગ્રેટર પક્ષીઓનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રકારના પક્ષીઓને અહીંયા પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે તેમજ વાતાવરણ પણ યોગ્ય હોવાથી કેટલાક પક્ષીઓ અહીંયા જ કાયમી ધોરણે વસી જાય છે. કેટલાક પક્ષીઓ ઋતુ પ્રમાણે અહીંની મુલાકાત લે છે. પોરબંદરના પક્ષી અભ્યારણ્યમાં ૮૬ જાતના પક્ષીઓનો વસવાટ છે.

આંતરરાષ્ટ્રીય પક્ષીપ્રેમી પીટર જેકશન ૧૯૮૧ ની સાલમાં પોરબંદરની મુલાકાતે આવ્યા ત્યારે આ સુંદર સ્થળેે આવીને રોમાંચિત થઈ ગયા હતા અને તેના વિશે પ્રોજેકટ તૈયાર કરીને તાત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીને સુપ્રત કર્યો હતો અને ત્યારબાદ ૧૯૮૮ની સાલમાં ગુજરાત વનવિભાગે નોટિફીકેશન બહાર પાડી આ જગ્યાને પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કર્યું હતું અને ૧૯૯૦ની સાલમાં નગરપાલિકા પાસેથી જગ્યા હસ્તગત કરીને તેનો વિકાસ હાથ ધર્યો હતો.

Leave a Reply