દુબઈમાં તૈયાર થઈ રહેલો વિશ્વનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ

Gujarati Uncategorized

પર્યાવરણને બચાવવા માટે આજે દુનિયાભરના દેશોએ પોતાની વીજળીના ઉત્પાદન માટે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો તરફ ડોટ મૂકી છે. આવા દેશોમાં દુબઈ સૌથી મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે જ્યાં અત્યારે દુનિયાના સૌથી મોટા સોલર પાર્કનું કામકાજ પૂર જોશમાં ચાલી રહ્યું છે. રણપ્રદેશમાં બની રહેલાં આ પ્લાન્ટનું નામ ‘મોહમમ્મ્દ બિન રાશિદ અલ મકતૂમ સોલર પાર્ક’ રાખવામાં આવ્યું છે જે યુ.એ.ઈના વડાપ્રધાનના નામ પરથી છે. અત્યારે દુનિયામાં સૌથી મોટો સોલર પાર્ક ચીનમાં આવેલો છે જે ૧૫૪૭ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે.

૯૫ હજાર ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આ પ્લાન્ટ ૧૩ લાખ ઘરો સુધી વીજળી પહોંચાડશે. સોલર પ્લાન્ટને લીધે દુબઈમાં એક વર્ષનું ૬૫ લાખ ટન કાર્બન ઉત્સર્જન ઓછું થશે. આ પ્લાન્ટ બનાવવાની જાહેરાત વર્ષ ૨૦૧૨માં કરવામાં આવી હતી. દુબઈ એનર્જી એન્ડ વોટર ઓથોરિટીનું કહેવું છે કે, વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ બનાવવા માટે બુર્જ ખલીફા કરતાં પણ વધારે સમય લાગશે જે દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગને તૈયાર કરવામાં ૬ વર્ષનો સમય લાગ્યો હતો.

અત્યારે આ સોલર પ્લાન્ટનું પ્રથમ અને બીજુ ચરણ તૈયાર થઈ ગયું છે. આ ચરણમાં ૨૩ લાખ સોલર સેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની કુલ ક્ષમતા ૨૧૩ મેગાવોટ છે. આ પ્રોજેક્ટના ત્રીજા ચરણનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે જેમાં ૩૦ લાખ સોલર સેલ લાગશે. પ્રોજેક્ટના ચોથા ચરણનું કામ પૂરું કર્યા બાદ કુલ મળીને ૧૯૬૩ મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે.

રણપ્રદેશમાં પ્લાન્ટ હોવાને લીધે રેતીની સમસ્યા એક મોટો પ્રશ્ન છે. મોડ્યુલ્સ પર રેતી લાગી જવાથી તેની સીધી અસર પ્લાન્ટની ક્ષમતા પર થઈ શકે છે, પરંતુ તેમાં લગાવેલ ઓપરેટર રોબોટિક ક્લિનીંગ સિસ્ટમ સોલર સેલ પર લાગેલી રેતીને તરત જ સાફ કરી દેશે જેથી પ્લાન્ટની કાર્ય ક્ષમતા જળવાઈ રહે. વર્ષ ૨૦૩૦ સુધીમાં દુબઈના આ સોલર પ્લાન્ટનું કામ પૂરું થઈ જશે જેની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ૫ હજાર મેગાવોટ હશે.

Leave a Reply