વધતા જતા ટ્રાફિકની સાથે ભારતમાં ટ્રાફિક નિયમો તોડવા પણ બહુ સામાન્ય બાબત બની ગઈ છે. એક સરકારી રિપોર્ટ અનુસાર ૨૦૧૭માં ભારતમાં આશરે ૪.૬૫ લાખ રોડ અકસ્માત થયા હતા. એટલે કે રોડ અકસ્માતને કારણે દરરોજ ૧,૨૯૦ વ્યક્તિઓ મૃત્યુ પામે છે અને ૪૦૫ લોકોને ઇજા પહોંચે છે. આ અકસ્માતોમાં વાહનચાલકો દ્વારા થતી ટ્રાફિકની અવગણના એક મહત્ત્વનું કારણ છે. તેથી, ઘણી સંસ્થાઓ સરકાર સાથે મળીને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરતા શીખવાડી રહી છે. તેમાં ઝારખંડના ઋષભ આનંદ નામના વ્યક્તિ પણ જોડાયા છે. તે શાળાઓ અને કોલેજોમાં વર્કશોપનું આયોજન કરીને લોકોને ટ્રાફિક નિયમોના પાઠ શીખવાડે છે. આ માટે ઋષભે ઝારખંડમાં વર્ષ ૨૦૧૬માં ‘રાઇઝ અપ’ નામની સંસ્થાની શરૂઆત કરી હતી.
‘રાઇઝ અપ’ સંસ્થા હેઠળ ઋષભ ‘કાર્ટૂન પ્લે સ્કૂલ’ નામની એક શાળા પણ ચલાવે છે. આ શાળામાં બાળકોને રોડ સલામતી અને ટ્રાફિક નિયમો વિશે શિક્ષિત કરવામાં આવે છે. ઋષભની રાઇઝ અપ સંસ્થાએ અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ શાળાઓ અને કોલેજોમાં ટ્રાફિક નિયમોની સમજૂતી આપવા માટેના વર્કશોપ આયોજિત કર્યા છે. ‘રાઇઝ અપ’ વિશે વાત કરતાં ઋષભ આનંદ કહે છે કે, “સંસ્થા શરૂ કર્યા પછી અમે પ્લે-સ્કૂલના રૂપમાં એક ટકાઉ મોડલની સ્થાપના કરી. જે બાળકોને શરૂઆતથી જ ટ્રાફિક નિયમો સમજાવવામાં મદદ કરે છે જેથી ભવિષ્યમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવી શકાય.”
અહીંયા બાળકોને લેન ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ, હેલ્મેટનો ઉપયોગ અને ટ્રાફિક લાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પણ શીખવાડવામાં આવે છે. સ્કૂલના કમ્પાઉન્ડમાં જ એક ટ્રાફિક પાર્કની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં બાળકોને રોડ સલામતી સાથે સંકળાયેલી વાતો શીખવાડવામાં આવે છે.
પોતાની પ્લે-સ્કૂલ વિશે સમજાવતાં ઋષભ કહે છે કે, “આપણે આપણા જીવનના શરૂઆતના વર્ષોમાં જે શીખ્યા તે આપણી સાથે લાંબાગાળા સુધી રહે છે. અક્ષરો અને સંખ્યાઓનું જ્ઞાન આનું એક મોટું ઉદાહરણ છે. મેં અનુભવ્યું કે ટ્રાફિક સેન્સ એ એવા વિષયોમાંનો એક છે જે વ્યક્તિને જીવનમાં શરૂઆતથી શીખવાડવી જોઇએ. પરંતુ બધી જગ્યાએ આ શીખવાડવામાં આવતું નથી.”
‘રાઇઝ અપ’ સંસ્થાની સ્થાપના કરતાં પહેલાં ઋષભ એક પત્રકાર તરીકે ફરજ નિભાવતા હતા. તે બેંગલુરુ અને દિલ્હીમાં રહી ચુક્યા છે. આ શહેરોમાં ટ્રાફિકની ખરાબ દશા જોયા પછી તેમને સમજાયું કે નાનાં શહેરોમાં પરિસ્થિતિ આનાથી પણ વધુ ખરાબ હશે. કારણ કે, નાનાં શહેરોમાં ટ્રાફિકના નિયમો માટે લોકોમાં બહુ ઓછી જાગૃતિ હોય છે. તેથી શહેરમાં ટ્રાફિકની સ્થિતિ સુધારવા માટે ઋષભે પહેલાં પોસ્ટર અભિયાન શરૂ કર્યું. તેના પ્રયત્નોથી લોકોનું ધ્યાન ખેંચાવાનું શરૂ થયું. ત્યારબાદ તેણે પોલીસ વહીવટ અને શહેરના મ્યુનિસિપલ અધિકારીઓમાં જાગૃતિ લાવવા કાર્યક્રમો આયોજિત કર્યા. રાંચીથી થરૂ થયેલું તેનું આ અભિયાન અત્યારે ચારથી પાંચ શહેરોમાં ફેલાઈ ગયું છે.
વર્તમાનમાં ચાલી રહેલી પોતાની યોજનાઓ વિશે વાત કરતાં ઋષભ કહે છે, “અમે હવે અકસ્માત જેવી દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારોને સલાહ આપવાનું શરૂ કર્યું છે. અમે કાનૂની અને તબીબી સલાહ પણ આપીએ છીએ. મોટાભાગે અકસ્માતનો ભોગ બનેલા લોકોને માનસિક આઘાત લાગી જાય છે અને ફરીવાર ડ્રાઇવિંગ કરવા માટે તેમનું કોન્ફિડન્સ લેવલ ઘટી જાય છે. આ ઉપરાંત, અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂકેલા લોકોનું જીવન પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અમે આવા લોકોનું પણ કાઉન્સેલિંગ કરીએ છીએ.”